________________
પાંડવ જ છે તે સત્યને પણ પહેલી જ વખત તેની સમક્ષ છતું કર્યું છતાં કર્ણે પાંડવપક્ષે આવી જવાની સાફ ના પાડીને કહ્યું કે, “જ્યારે હું બધાથી ધિક્કારાયો હતો ત્યારે મારો હાથ જે દુર્યોધને ઝાલી લીધો, મને બધી રીતે સંપન્ન કર્યો, એ તો ઠીક પણ આઘાતોથી તરફડીને મરી રહેલા મને જીવતો રાખતી ભરપૂર હૂંફ આપી એ ઉપકારી દુર્યોધનનો ત્યાગ તો હું કદાપિ નહિ કરું. મારા પ્રાણ તેનું જ કાર્ય કરતા રહેશે અને તેનું જ કાર્ય કરતાં કરતાં છૂટશે.”
(૨) જ્યારે કુન્તીએ જાતે કર્ણને કહ્યું કે તે કૌન્તેય છે માટે હવે તેણે પોતાની જાતને રાધેય કહેવાનું છોડી દેવું જોઈએ. વળી તે પાંડવ છે માટે તેણે કૌરવોનો પક્ષ ત્યાગી દેવો જોઈએ. પાંચ પાંડવોમાંથી એકને પણ તેણે ઓછો નહિ કરવો જોઈએ.
ત્યારે કર્ણે કુન્તી પ્રત્યે ધિક્કાર વ્યક્ત કરીને કહ્યું કે તું કેવી ક્રૂર માતા કે જેણે પોતાના નવજાત પુત્રને નદીના પ્રવાહમાં વહેતો મૂકી દીધો! તારા જેવી ક્રૂર માતાના પુત્ર તરીકે ‘કૌન્તેય’ તરીકે જગતમાં કહેવડાવવામાં હું જરાય ગર્વ લઈ શકું નહિ. જે રાધાએ મારું લાલનપાલન કરીને મને જીવાડ્યો, મોટો કર્યો તેના પુત્ર તરીકે ‘રાધેય' તરીકે જ રહીને હું મારી જાતને ખૂબ જ ગૌરવાન્વિત સમજું છું.
બાકી તું મારી જન્મદાત્રી મા છે અને મારી પાસે પહેલી જ વાર યાચના કરવા આવી છે કે, ‘તારે પાંડવો પાંચ જ રહેવા દેવા જોઈએ.' તો તે વાત મને બિલકુલ માન્ય છે. હું તને વચન આપું છું કે, ‘આ ધરતી ઉપર પાંડવો પાંચ જ રહેશે.’ હા, હવે તો હું પણ એક પાંડવ જ છું ને ! એટલે જો હું અર્જુનને મારીશ કે અર્જુન મને મા૨શે તો પણ પાંડવો તો બન્ને પરિસ્થિતિમાં પાંચ જ રહેશે.
અને સાચે જ, આ પ્રતિજ્ઞાનું પાલન કર્ણે બરોબર કર્યું. એક વાર તેના ઝપાટામાં ભીમ એવો આવી ગયો હતો કે તેનો તે જ પળે છૂંદો થઈ જાત, પણ આ વચનને કારણે જ તેને જીવતો જવા
દીધો હતો.
કર્ણની કેવી પ્રતિજ્ઞાબદ્ધતા !
આ પ્રસંગમાં રાધાના ઋણના સ્મરણને કર્ણે કેવું ચિરંજીવ બનાવી દીધું છે ! ખરી માતાને હડસેલી દેવામાં તેણે જરાય સંકોચ કે ખેદ અનુભવ્યો નથી.
શૂરવીરતા, કૃતજ્ઞતા અને વચનબદ્ધતા જેવો જ એક ગુણ વ્યાસમુનિએ તેનામાં જોયો છે. તે છે; અનોખી દાનેશ્વરિતા.
આ અંગે પોતાની જીવાદોરી સમા કુંડલ વગેરે ઇન્દ્રની યાચના સાથે જ તેણે આપી દીધા હતા, આની પાછળ પોતાનું મોત લેવાનું ગંદું રાજકારણ રમાઈ રહ્યું છે તે જાણવા છતાં...
‘જે માંગે તે તેને આપવું જ જોઈએ !' એવો એનો અભિપ્રાય હતો.
નિયતિની કેટલી કઠોરતા છે કે તેણે કુન્તી પાસે ‘કર્ણ પોતાનો પુત્ર છે’ તે વાતનો ઘટસ્ફોટ કર્ણના મૃત્યુ પછી જ કરાવ્યો. આથી જ યુધિષ્ઠિરને આઘાતથી રાડ પાડીને માતા કુન્તીને કહેવું પડ્યું, “પહેલાં જ આ વાત કરવી હતી ને ! તો આવું મોટું યુદ્ધ અને આટલો મોટો નરસંહાર જ ન થાત ! ઓ મા ! તેં આ કેવી મોટી ભૂલ કરી નાંખી !”
જૈન મહાભારત ભાગ-૧