________________
અર્જુનને ગીતા દ્વારા કૃષ્ણે આશાઓ આપી. ધૃતરાષ્ટ્રને પોતાની ઊંડી જ્ઞાનસૂઝ દ્વારા વિદુરે નિરાશાઓમાંથી અટકાવ્યો.
(૩) ‘વિદુર’નો અર્થ જ જ્ઞાનવાન થાય છે. ખરેખર વિદુર જ્ઞાની હતો, ખૂબ વ્યવહારકુશળ હતો, ઊંડી સૂઝનો સ્વામી હતો. આથી જ વ્યાસમુનિએ મહાભારતમાં સુભાષિતોરૂપે વિદુર દ્વારા નીતિની ઘણી વાતો કહી છે, જે ‘વિદુરનીતિ’ તરીકે પ્રસિદ્ધ છે.
વિદુર જ્ઞાની હતા પણ સાચા જ્ઞાની હતા. આથી જ તે અપવાદ સિવાય ખૂબ શાંત રહ્યા છે અને ગમે તેવા પ્રસંગોમાં મગજને સમતોલ રાખી શક્યા છે. ચૂપચાપ કામ પતાવી દેવાની તેમની રીત લાક્ષાગૃહના દહનના કાવતરાં વગેરે પ્રસંગોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે.
(૪) રામાયણના વિભીષણ અને મહાભારતના વિદુર-બંને એક રાશિના...એટલે જ બંને પોતાના સ્નેહી રાવણ અને ધૃતરાષ્ટ્રને સાચું કહી દેવામાં જરાય વિલંબ કરતા નહિ. આ બે ય ની સાથે ધૃતરાષ્ટ્રના પુત્ર યુયુત્સુને પણ મૂકી શકાય. તે અસત્યની સામે જંગે ચડી જતાં વાર લગાડતો નહિ.
વિદુરને યુધિષ્ઠિર સાથે ઘણો મેળ જામે તે સહજ છે, કેમકે બન્ને ય ધર્મપ્રિય હતા. આથી એમ કહી શકાય કે તનથી ધૃતરાષ્ટ્રની સાથે રહેનારા વિદુર મનથી તો પાંડવોની સાથે જ રહેતા હતા. વિદુર જાણતા હતા કે દુર્યોધન પાંડવો જેવા સત્પુરુષો પ્રત્યે ઈર્ષ્યાથી ખૂબ જલી રહ્યો છે અને તેમને પતાવી નાંખવા સુધીના છટકાંઓ ગોઠવવામાં જરાય પાછો પડે તેમ નથી. આથી જ પાંડવો પ્રત્યે નિરપેક્ષ સ્નેહ ધરાવતા વિદુર પાંડવોની ખૂબ કાળજી કરતા હતા. એમ કહી શકાય કે વિદુરે પાંડવોના હિતોની બાપની જેમ રક્ષા કરી હતી. જો વિદુર ન હોત તો દુર્યોધન કદાચ પાંડવોને છળપ્રપંચથી મારી નાંખી શક્યો હોત.
ધૃતરાષ્ટ્રને સાચી સલાહ આપવાની વિદુરની રીત એટલી બધી પ્રેમાળ અને નિખાલસ તથા નિરપેક્ષ હતી કે ધૃતરાષ્ટ્ર પણ પુત્રવિરુદ્ધની વિદુરની વાતો પુત્રમોહના અંધાપાને લીધે સાંભળવી ન ગમે તો ય વિદુરને ક્યારેય તરછોડી શકતા ન હતા, છોડી પણ શકતા ન હતા. બલકે વિદુરને મધરાતે પણ બોલાવતા અને પોતાની વ્યથા અને વેદનાઓને વ્યક્ત કરીને તેની સલાહ માંગતા.
વિદુર પણ ધૃતરાષ્ટ્રની આવી માનસિક અપંગતા, વૈચારિક મૂર્ખતા અને પુત્રમોહની અંધતાને લીધે તેના પ્રત્યે ખૂબ દયાર્દ્ર રહેતા અને તેની સાથે જ રહેતા.
દુર્યોધનને દૂર કરી દેવાની આગ્રહભરી રજૂઆતની સામે ધૃતરાષ્ટ્ર જ્યારે લાચારીનો ભાવ બતાવીને કહેતા કે, “વિદુર ! તારી વાત ગમે તેટલી સાચી પણ હોય તો ય શું ? હું તો દુર્યોધનનો બાપ છું. બાપ તે બાપ; એ કદી પુત્રનો હત્યારો-કસાઈ થોડો જ બની શકશે ?”
આ વાક્ય સાંભળીને વિદુર પણ એકદમ શાંત થઈ જતા, કેમકે તેમની પાસે ધૃતરાષ્ટ્રનો દૃષ્ટિકોણ પણ હતો જ. તે દૃષ્ટિકોણથી કઈ દુનિયા દેખાય તે વાત તેઓ બરોબર જાણતા હતા. આથીસ્તો વિદુરનું નામ સાર્થક થયું હતું.
વિદુરના એકાએક સંસારત્યાગનો પ્રસંગ ખૂબ રોમાંચક છે. એક વાર ધૃતરાષ્ટ્રે પોતાના દૂત તરીકે સંજયને યુધિષ્ઠિર પાસે મોકલ્યો અને યુધિષ્ઠિરને રાજ માટે યુદ્ધ નહિ કરવા, છેવટે સદાના વનવાસી બની રહેવા જણાવ્યું ત્યારે યુધિષ્ઠિરે સાફ ઇન્કાર કર્યો વગેરે...
એ બધી વાત લઈને સંજય ધૃતરાષ્ટ્રની પાસે આવ્યો. સંજયે યુદ્ધની પાકી શક્યતા જણાવવા સાથે પાંડવોના બળને જરાય ઓછું નહિ આંકવાની જ્યારે વાત કરી ત્યારે ત્યાં જ બેઠેલા વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું, “પેલા કુલાંગાર તમારા દુર્યોધનને તમે જીવતો રહેવા દીધો છે તેનું આ પરિણામ છે.”
જૈન મહાભારત ભાગ-૧