________________
કર્ણ
જૈન દૃષ્ટિથી કર્ણ એ કાંઈ કુમારિકા કુન્તીના કુતૂહલજનિત મંત્રજપથી આકર્ષાયેલા સૂર્યદેવતાનો પુત્ર ન હતો, પરંતુ તે કુન્તીના પતિ પાંડુનો જ પુત્ર હતો. વાત એટલી જ હતી કે કુન્તી-પાંડુના લગ્ન થતાં પૂર્વે જ તે બન્નેને જે સ્નેહ થયો તેમાં તેમણે જે મર્યાદા ઓળંગી તેના પરિણામે કુન્તીને કર્ણનો ગર્ભ રહી ગયો, જેને કુન્તીએ હજી પાંડુ સાથે લગ્ન થયા ન હોવાના કારણે-જન્મતાંની સાથે જ નદીના વહેણમાં-પેટીમાં મૂકીને તરતો મૂકી દીધો.
નિયતિના ચક્કરમાં ઘૂમતાં મહાભારતના પાત્રોમાં નિયતિએ સૌથી વધુ કબજો કોઈ ઉપ૨ લીધો હોય તો તે કર્ણ ઉપર.
તે જન્મે ક્ષત્રિય હતો, પાંડવ જ હતો છતાં સૂત તરીકે પંકાયો હતો, પાંડવોથી ધિક્કારાયો હતો. ધનુર્વિદ્યામાં તે અર્જુનનો લગભગ બરોબરિયો કહી શકાય. આથી જ ગદાવિદ્યાને કારણે દુર્યોધન અને ભીમ લડી પડતા હતા તો ધનુર્વિદ્યાને કા૨ણે કર્ણની નજ૨માં માત્ર અર્જુન ખૂંચતો હતો. એને મારવા માટે તે અચૂક તૈયાર હતો. પાંડવોમાં બાકીના ચારેયને અભયવચન આપવાની વાત તે કુન્તીને કરી શક્યો પણ અર્જુન માટે તેણે અભયવચન ન આપ્યું તે ન જ આપ્યું.
સ્પર્ધામાંથી પેદા થયેલી ઈર્ષ્યાનું જ આ પરિણામ હશે ને ?
એમ કહી શકાય કે જો કૌરવપક્ષે કર્ણ ન હોત તો મહાભારતનું યુદ્ધ પણ ન હોત. પાંડવો માટે કૌરવપક્ષે કર્ણ જ ભયરૂપ હતો. આથી જ જ્યારે મદ્રરાજ શલ્ય-જે સહદેવ, નકુળના મામા હતા તેકૌરવપક્ષે જોડાયા તો પણ ભાણિયાઓએ તેમને એક કામ સોંપ્યું કે અવસર મળે ત્યારે તેમણે કર્ણનું યુદ્ધકીય પોરસ તોડવાનું ચૂકવું નહિ.
અને...ખરેખર ! અવસરે જ મદ્રરાજ શલ્યે તે કામ કર્યું અને તેથી જ કર્ણ યુદ્ધમાં મુશ્કેલીમાં મુકાઈ ગયો.
એ પછીનું તેને મારવાનું કામ અર્જુન દ્વારા કૃષ્ણે પૂરું કર્યું. અર્જુનથી પણ ન્યાયી રીતે કર્ણ મરાય તે સંભવિત ન લાગવાથી જ કૃષ્ણે પૈડું કાઢતા નિઃશસ્ત્ર કર્ણ ઉપર-અન્યાયી રીતે-અર્જુન પાસે બાણ છોડાવીને તેને હણ્યો.
તે વખતે કર્ણે ‘આ ધર્મ થતો નથી' એમ કહીને વાંધો તો ઉઠાવ્યો પણ કૃષ્ણે દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે અને નિઃશસ્ત્ર અભિમન્યુ ઉપર કૌરવોના થયેલા મરણાન્ત હુમલા વખતે આચરાયેલા અધર્મની યાદ દેવડાવીને કર્ણને ચૂપ કરી દીધો હતો.
પહેલા દસ દિવસના યુદ્ધમાં ભીષ્મે કર્ણને દૂર રાખ્યો તેમાં પણ આ જ કારણ હોવું જોઈએ. ભીષ્મ જાણતા હતા કે કલાકોમાં જ કર્ણ કેટલો કચ્ચરઘાણ કાઢીને યુદ્ધને ભડકાવી શકે તેમ છે. ભીષ્મને તો યુદ્ધ શાંત કરવું હતું. એટલે જ તેમણે કર્ણને જે તે રીતે પણ દૂર કરી દીધો હોવો જોઈએ.
અનેક ગૂંગળામણો અને ઘણા બધા તિરસ્કારોથી સતતપણે ઘેરાયેલો કોઈ દુર્ભાગી માણસ તમારે જોવો હોય તો તમારે કર્ણને જ નજરમાં લાવવો પડે.
ઘણા સમય સુધી એના મનમાં એક સવાલ ધૂંધવાયા કરતો હતો કે, ‘હું કોણ છું ?’ અને ઘણા સમય સુધી તેને સહુ કહેતા હતા, “તું કોણ છે? તું સૂતપુત્ર છે !'
એટલું જ નહિ પણ તું કોણ ? એ તેને ઓળખાવી દઈને સહુ તેનો તિરસ્કાર કરતા હતા.
જૈન મહાભારત ભાગ-૧
૧