________________
ભીષ્મ
ભીષ્મનું પાત્રાલેખન કરવું હોય તો પહેલી વાત એ જ કરવી પડે કે ભીષ્મ એટલે આત્મભોગની પરાકાષ્ટા.
એક ધૂપસળી એવી સળગતી જ ગઈ કે બીજાને સુવાસ આપતી આપતી તે નાશ પામી ગઈ.
આંતરિક જીવનમાં ભીષ્મ અત્યન્ત સારા ધર્માત્મા હતા, બાહ્ય જીવનમાં બીજાઓ માટે પોતાનું બલિદાન આપવામાં એકદમ શૂર હતા. કુરુવંશનો કદાચ આ સૌથી મોટો માણસ હતો.
ધર્માત્મા ભીષ્મ પ્રથમ તો ભીખની આંતરિક બાજુ વિચારીએ.
પિતા શાન્તનુના શિકારના વ્યસનથી ત્રાસી ગયેલી માતા ગંગાએ પુત્ર ભીષ્મને આવા કુસંસ્કારોથી બચાવી લેવા માટે સાસરેથી ચાલતી પકડી. પિયરમાં સગવડતા મેળવીને મા-દીકરો જુદા રહેવા લાગ્યા. માતા ભારે ધર્મપરાયણ હતી. આકાશમાર્ગેથી પસાર થતા ચારણમુનિઓને તે પોતાના મહેલમાં બોલાવતી. એમના દ્વારા તેણે ભીષ્મના જીવનનું ધાર્મિક ઘડતર તૈયાર કરી દીધું. ચારણમુનિઓએ તેને અહિંસા અને બ્રહ્મચર્યની મહત્તા સમજાવી.
ભીખે પોતાના આસપાસના પ્રદેશને અભયારણ્ય બનાવ્યું. કોઈની મજાલ ન હતી કે તે પ્રદેશમાં કોઈ પણ જીવની કોઈ હિંસા કરી શકે.
રોજ અવારનવાર ભીખ આ પ્રદેશમાં ઘોડા ઉપર ચક્કર લગાવતા અને ધ્યાન આપતા.
આમ મુનિતુલ્ય જીવન જીવતી માતા અને માતાતુલ્ય વાત્સલ્ય દાખવતા મુનિઓના સત્સંગે પ્રાપ્ત કરેલો અહિંસાનો મહિમા તો ભીખે તરત જ જીવનસાત્ કરી લીધો. ત્યારબાદ એકદમ આત્મબલિદાન દઈ દેવાના તેના સ્વભાવને લીધે તેને આજીવન બ્રહ્મચર્યવ્રત પણ પ્રાપ્ત થઈ ગયું.
સત્યવતી સાથે લગ્ન કરવાની પિતા શાન્તનુની ઈચ્છા પૂરી કરવામાં પોતાનો રાજ્યાધિકાર અથવા પોતાના ભાવિ પુત્રનો રાજ્યાધિકાર-બે-આડા આવતા હતા. આત્મભોગી ભીષ્મ એ બે ય અધિકારોને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગી દીધા. એણે કદી રાજા નહિ બનવાની અને લગ્ન નહિ કરવાની પ્રતિજ્ઞા કરીને પિતાનો માર્ગ સાફ કરી આપ્યો.
ભીષ્મ ઉત્કૃષ્ટ કક્ષાના આજીવન બ્રહ્મચારી હતા એ વાત તેમણે યુદ્ધના દસમા દિવસે ઘાયલ થતી વખતે દુર્યોધનને જે શબ્દો કહ્યા હતા તે ઉપરથી સાબિત થાય છે. તેમણે દુર્યોધનને કહ્યું હતું કે, “સ્ત્રી તો મને હંમેશ માટે તણખલા જેવી જ લાગી છે. જગતને આ દૃષ્ટિ મેળવવામાં ઘણી મુશ્કેલી લાગતી હશે પણ જિનધર્મના મર્મોને સમજનારા માટે આ દૃષ્ટિની પ્રાપ્તિ જરાય મુશ્કેલ નથી.”
ભીખે અહિંસા અને બ્રહ્મચર્યને આત્મસાત્ કર્યા અને પિતૃભક્તિનો સર્વોત્કૃષ્ટ દાખલો પૂરો પાડ્યો.
ના, પિતાની જ ઈચ્છા પૂરી કરીને એ જંપ્યા નથી. જ્યાં ને ત્યાં પોતાની જાતનું બલિદાન આપી દેવાનું એમને વ્યસન પડી ગયું હતું એટલે વાત ખૂબ આગળ વધી હતી.
પિતા શાન્તનુના મૃત્યુ બાદ સાવકી માતા સત્યવતીના બે પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્યને તૈયાર કરવાની જવાબદારી તેણે જ ઉપાડી. પણ કમનસીબે ઉછાંછળો ચિત્રાંગદ કોઈ રાજા સાથે નાહકની ઝપાઝપી કરી બેઠો અને તેમાં માર્યો ગયો.
જૈન મહાભારત ભાગ-૧