________________
શ્રીદૃષ્ણ
મહાભારતની કથાના પરિવોનું કેન્દ્રબિંદુ શ્રીકૃષ્ણ વાસુદેવ બને છે. તેમની ચારે બાજુ બધા પાત્રો કુંડાળે ફરતાં હોય તેવી અછડતી
પ્રતીતિ મન ઉપર થયા વિના રહેતી નથી. શ્રીકૃષ્ણના પિતા વસુદેવ હતા અને માતા દેવકી હતા. કૃષ્ણ વસુદેવના પુત્ર હોવાથી વાસુદેવ કહેવાયા છે. જેમ દરેક ઉત્સર્પિણી-અવસર્પિણીના કાળમાં ચોવીસ તીર્થંકરો થયા છે તેમ નવ વાસુદેવો અને નવ પ્રતિ-વાસુદેવો તથા નવ બળદેવો પણ થતા હોય છે. આ રીતે શ્રીકૃષ્ણ આ અવસર્પિણીના છેલ્લા વાસુદેવ થયા. વાસુદેવના મોટા ભાઈ બળદેવ કહેવાય છે તેથી બલરામ તે છેલ્લા બળદેવ થયા અને જરાસંઘ તે છેલ્લા પ્રતિવાસુદેવ થયા. એવો નિયમ છે કે પ્રતિવાસુદેવે પ્રાપ્ત કરેલી તમામ સંપત્તિ, ધરતી વગેરેને; પ્રતિવાસુદેવને જીતી લઈને વાસુદેવ મેળવી લે છે. આ રીતે ત્રણ ખંડનું સામ્રાજય કે જે જરાસંઘે પ્રાપ્ત કર્યું હતું કે, તેને જીતી લઈને શ્રીકૃષ્ણ મેળવ્યું. આથી તેઓ ત્રણ ખંડના માલિક વાસુદેવ કહેવાયા.
મહાભારતની અજૈન કથાઓમાં શ્રીકૃષ્ણ દ્રૌપદીના સ્વયંવર પ્રસંગથી દેખાયા લાગે છે જ્યારે જૈન કથા પ્રમાણે તો તે પછી અર્જુનની સજારૂપ-બાર વર્ષની તીર્થયાત્રા પૂર્ણ થયા બાદ તે દ્વારિકામાં ગયો ત્યારે તે સુભદ્રા (શ્રીકૃષ્ણની બેન) સાથે લગ્ન થતા શ્રીકૃષ્ણ દેખાયા છે.
શ્રીકૃષ્ણને અજૈન દૃષ્ટિથી ભગવાન તરીકે જોવામાં આવ્યા છે જ્યારે જૈન દૃષ્ટિએ શ્રીકૃષ્ણ નજીકના જ ભવિષ્યમાં થનારા ભગવાન છે. તેઓ આ ભારતવર્ષમાં થનારા આગામી ચોવીસ તીર્થકરોમાં અગિયારમા “અમમ” નામના તીર્થકર ભગવાન થવાના છે. ખેર, એ તો એ આત્માની ભવિષ્યની મહત્તાને જૈનશૈલીથી મૂલવવામાં આવી. પણ તે આત્મા શ્રીકૃષ્ણના સ્વરૂપમાં પણ જૈન દષ્ટિથી ખૂબ જ ઉચ્ચ કક્ષાના આત્મા તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
જો કે તેઓ વાસુદેવ હોવાથી રાજ્યપ્રાપ્તિ માટેના સંહારાદિમાં વધુ પડતા લીન થયા હોય, નારીઓમાં વધુ આસક્ત પણ બન્યા હોય, એ બધું સુસંભવિત છે, પરંતુ આ બધો તેમના જીવનનો પૂર્વાર્ધ હતો. તેમના જીવનના ઉત્તરાર્ધમાં-ગમે ત્યારે શ્રીકૃષ્ણ સમ્યગ્દર્શન નામનો આત્માનો અત્યન્ત ઝળહળતો ગુણ પામ્યા છે. આ સમ્યગ્દર્શનના પણ ક્ષયોપશમ, ક્ષાયિક વગેરે પ્રકારો છે. તેમાંના ક્ષાયિક નામના સર્વોત્કૃષ્ટ પ્રકારને તેમણે પ્રાપ્ત કર્યો છે. ક્ષાયિક સમ્યગ્દર્શનનો માલિક બનતો આત્મા સંસારમાં વધુ સમય રહી શકે નહિ. તે તો ભાગવતી પ્રવ્રયા પામવા માટે અતિશય ઉત્કંઠિત હોય, પરંતુ એ અંશમાં, એ જીવન પૂરતા શ્રીકૃષ્ણ દુર્ભાગી નીવડ્યા છે. તેઓ આજીવન મુનિપદ પામી શક્યા નથી.
બેશક, તેમનો તેવો તીવ્ર કર્મોદય જ તેમાં ભાગ ભજવી ગયો છે, પરંતુ તેમનો મુનિભાવ પ્રત્યેનો આદર અતિશય ઉત્કટ હતો, આથીસ્તો તેઓ લગ્ન કરવાની વયમાં આવતી તમામ પુત્રીઓને-કોક અપવાદ સિવાય- મુનિજીવનનો માર્ગ અપાવી શક્યા છે. એટલું જ નહિ પરંતુ તેમણે સમગ્ર દેશમાં જાહેરાત કરાવી હતી કે, “જે કોઈને પણ મુનિજીવન પામવામાં આજીવિકાદિનું કારણ નડતું હશે તે સહુ કારણને શ્રીકૃષ્ણ દૂર કરી આપશે.”
એક વાર તો તેમણે અઢાર હજાર મુનિઓને વંદનવિધિ કરીને કમાલ કરી નાંખી હતી. ગજસુકુમાળ નામના મુનિના હત્યારાના શબ તરફ પણ તેમણે ઘોર તિરસ્કાર વ્યક્ત કર્યો હતો.
જૈન મહાભારત ભાગ-૧