________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૧
“અંતર્મુહૂર્ત પણ સ્પર્શાયેલું સમ્યક્ત જેઓને હોય તેઓને અર્ધપુદ્ગલપરાવર્તથી ન્યૂન જ સંસાર હોય છે.” (નવતત્વ પ્ર. ગા. ૫૩)
“જો વિગત સમ્યક્ત ન હોય=નાશ પામેલું સમ્યક્ત ન હોય અથવા પૂર્વમાં આયુષ્ય બાંધ્યું ન હોય=સમ્યક્ત પૂર્વે આયુષ્ય બાંધ્યું ન હોય તો, સમ્યગ્દષ્ટિ જીવો નિયમથી વિમાનવાસીમાં જાય છે=વૈમાનિક દેવલોકમાં જાય છે.”
જે શક્ય છે તેને કરે છે અને જે શક્ય નથી તેની પણ શ્રદ્ધા કરે છે. શ્રદ્ધા કરતો જીવ=તત્ત્વના સેવનમાં રુચિને ધારણ કરતો એવો સમ્યગ્દષ્ટિ જીવ, અજરામર સ્થાને જાય છે=મોક્ષને પ્રાપ્ત કરે છે.” (સંબોધપ્રકરણ, સમ્યક્વાધિકાર ગા. ૨૪, ૩૫, ૩૬) ભાવાર્થ :
જિનોક્ત તત્ત્વમાં શ્રદ્ધાન સમ્યક્ત છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું. ત્યાં કોઈ “નનુ'થી શંકા કરે છે કે અન્ય શાસ્ત્રમાં અરિહંત દેવ, સુસાધુ ગુરુ અને જિનવચન પ્રમાણ છે એ પ્રકારનો શુભભાવ સમ્યક્ત કહેવાયું છે તેથી તત્ત્વના શ્રદ્ધાનરૂપ સમ્યક્ત સાથે તે કથનનો વિરોધ આવશે. તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે –
જિનોક્ત તત્ત્વમાં શ્રદ્ધાન સમ્યક્ત છે એ પ્રકારનું લક્ષણ ગ્રંથકારશ્રીએ સાધુ અને શ્રાવક ઉભય સાધારણ સભ્યત્વને સામે રાખીને કરેલ છે અને અન્ય શાસ્ત્રમાં દેવ-ગુરુ-ધર્મના શ્રદ્ધાનરૂપ સમ્યક્ત કહેલ છે. ત્યાં અરિહંતદેવમાં પૂજ્યત્વની બુદ્ધિ માટે=અરિહંતદેવની પૂજા કરવી જોઈએ એ પ્રકારની બુદ્ધિ માટે, ગુરુમાં ઉપાસ્યત્વની બુદ્ધિ માટે=જિનવચનાનુસાર ચાલનારા સાધુ મારા માટે ઉપાસ્ય છે, એ પ્રકારની બુદ્ધિ માટે અને ભગવાને કહેલા ધર્મમાં આચરવાયોગ્યત્વની બુદ્ધિ માટે કહેલ છે તેથી તે શાસ્ત્ર સાથે ગ્રંથકારશ્રીએ કરેલા સમ્યક્તના લક્ષણનો કોઈ વિરોધ નથી; કેમ કે જેને જીવાજીવાદિ પદાર્થોનો જિનવચનાનુસાર બોધ હોય તેને અરિહંત જ પૂજવા યોગ્ય જણાય છે અને જિનવચનાનુસાર સંયમમાં પ્રવૃત્તિ કરનાર સાધુ ઉપાસ્ય જણાય છે. અને આશ્રવના ત્યાગપૂર્વક સંવરમાં યત્નરૂપ ધર્મને જ સેવવાની બુદ્ધિ થાય છે માટે અપેક્ષાભેદથી ગ્રંથકારશ્રીએ તત્ત્વના શ્રદ્ધાનરૂપ સમ્યક્ત કહેલ છે. અર્થથી કોઈ ભેદ નથી. વળી, આ સમ્યગ્દર્શન ભગવાને કહેલા ધર્મનું મૂળભૂત છે. કેમ મૂળભૂત છે ? તે બતાવતાં કહે છે –
શ્રાવકધર્મ દ્વિવિધ-ત્રિવિધથી સ્વીકારાય છે. અને તે શ્રાવકધર્મનાં બાર વ્રતો સમ્યક્તના ગ્રહણપૂર્વક કરાય છે. તેથી સમ્યક્ત, અરિહંત પરમાત્માએ બતાવેલ દેશવિરતિરૂપ ધર્મનું મૂળ છે; કેમ કે સમ્યક્તને સ્વીકાર્યા પછી કરણ-કરાવણરૂપ દ્વિવિધ, મન-વચન-કાયાના યોગરૂપ ત્રિવિધ, એ પ્રકારના ભેદરૂપ દેશવિરતિ ચારિત્ર સ્વીકારાય છે. તેથી તેમાં સમ્યક્ત મૂલગુણરૂપ છે. અને દ્વિવિધ-ત્રિવિધ આદિ ભેંદો ઉત્તરગુણરૂપ છે અર્થાત્ સમ્યક્તના કાર્યરૂપ છે. તેને આશ્રયીને ૧૩,૮૪,૧૨,૮૭,૨૦૨=તેર અબજ ૮૪ કરોડ ૧૨ લાખ ૮૦ હજાર બસો બે ભાંગાઓ પ્રાપ્ત થાય છે. તેથી ફલિત થાય છે કે સમ્યક્ત મૂળગુણ છે. અને તે ગુણના ઉત્તરમાં ચારિત્ર ગુણ પ્રગટે છે. વળી, આ