Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૩૨૭
અનુકરણ કરીને દિગંબરના વટ્ટકેરસ્વામી કે જેઓ ઘણા પ્રાચીન ગણાય છે તેઓએ મૂલાચાર નામનો ગ્રંથ જે બનાવ્યો છે તે કેવળ આવશ્યકનિર્યુક્તિનું અનુસરણ કરીને બનાવ્યો છે એટલુંજ નહિ પણ તે ગ્રંથનું નામ મૂલાચાર એમ રાખ્યા છતાં પ્રકરણની શરૂઆતમાં સામાયિકનર્યુક્તિ, લોગ્ગસ્સનિર્યુક્તિ વિગેરે કહેવાની પ્રતિજ્ઞા ચોકખા શબ્દોમાં કરે છે, એટલુંજ નહિ પણ આવશ્યકનિર્યુક્તિની અને તેની ઉપર બનેલા મૂળભાષ્ય અને ભાષ્યની તો ગાથાઓને ગાથાઓ તેમની તેમજ કાંઈ પણ ફેરફાર . વિનાજ દાખલ કરેલી છે. સામાન્ય રીતે દેખનારો પણ બુદ્ધિમાન મનુષ્ય જો આ આવશ્યકનિર્યુક્તિ અને ભાષ્યને તથા તે મૂલાચારની ગાથાઓને દેખીને વિચારે તો સ્પષ્ટ માલમ પડે તેમ છે કે તે મૂલાચારમાં લીધેલી તે તે નિર્યુક્તિ, મૂલભાષ્ય અને ભાષ્યની ઉપાડી લીધેલી ગાથાઓ તેવા પૂર્વાપર સંબંધવાળી નથી કે જેઓ સંબંધ આ આવશ્યકનિર્યુક્તિ, મૂળભાષ્ય તથા ભાષ્યમાં બંધ બેસતો છે. વટ્ટકેરસ્વામીનો મૂલાચાર ?
જો કે તે વટ્ટકેરસ્વામીએ તે મૂલાચાર ગ્રંથને આચારાંગસૂત્રનો વિચ્છેદ થઈ ગયેલો માની તેને સ્થાને ગોઠવવા માટેજ આ મૂલાચાર ગ્રંથ બનાવેલો છે, અને તેથીજ તે ગ્રંથનું નામ મૂલાચાર તેઓએ રાખેલું છે, પણ ગણધર મહારાજાએ કરેલા આચારાંગસૂત્રનું એક પણ પદ, વાક્ય, ગાથા કે પ્રકરણ તે વખતે વિદ્યમાન હતું અને તે મૂલાચાર ગ્રંથ રચતાં તે વટ્ટકેરસ્વામીએ તે મૂલાચાર ગ્રંથમાં તે પદ, વાક્ય કે ગાથા લીધાં હોય તેમ જણાવ્યું નથી અને લીધેલાં પણ નથી, અર્થાત્ આચારાંગસૂત્રનો સર્વથા વિચ્છેદ થએલો માની લઈ, તેને સ્થાને આચારની મહત્તાથી દોરાઈ ગએલા વટ્ટકેરસ્વામીએ મૂલાચાર એવું નામ ઉભું કરી આ મૂલાચાર ગ્રંથ બનાવ્યો, પણ આચારાંગનું કાંઈપણ અનુકરણ તેમાં તેઓએ કર્યું નહિ, કેમકે તેઓને તો ગણધર
તા. ૨૧-૪-૧૯૩૬
ભગવાનના વચનોનો તો સર્વથા વિચ્છેદજ માનવો હતો અને તેથીજ આંચારાંગનું અનુકરણ ન થઈ શકે તે સ્વાભાવિકજ છે, કેમકે અનુકરણ તેનુંજ કરી શકાય કે જે વસ્તુ મૂળસ્વરૂપે વિદ્યમાન હોય. વટ્ટકેરસ્વામીએ આચારાંગનો વિચ્છેદ માનીને ને તેને સ્થાને ગણધર મહારાજે કરેલ આચાર કહેવાતો હતો જ્યારે આ વટ્ટરસ્વામીએ તો મૂલાચાર એવું મ્હોટી મહત્તા જણાવનાર નામ આપી મૂલાચાર નામનો કલ્પિત ગ્રંથ બનાવ્યો, તેની પહેલાં તેમના મતે કોઈપણ ખુદ આચારાંગ નામના અંગને ધારણ કરનારા હોય અને તેઓએ આચારાંગ ઉપરથી કાંઈક ઉદ્ધાર પણ કરેલો હોય અને તેને આધારે આ વટ્ટકેરસ્વામીએ આ મૂલાચાર ગ્રંથ કર્યો હોય એમ પણ તેઓ જણાવતા નથી અને છે પણ નહિ. દિગંબરોને સૂત્રો વિચ્છેદ થયાં એમ કેમ માનવું પડ્યું ?
વસ્તુતાએ વિચાર કરીએ તો શિવભૂતિએ દીક્ષા લીધી તેના થોડા જ કાળમાં મત પ્રગટાવેલો હતો અને તે શિવભૂતિ લશ્કરી મિજાજનાજ હોઈ અભ્યાસથી ઘણા નસીબ હોય અને તેથી દિગંબરમતમાં પ્રથમથીજ સૂત્રનો વારસો ન રહ્યો હોય તે ઘણું જ સંભવિત છે. અંગો અને પૂર્વે હતાં એટલું પણ માનવાની તેમને એટલા માટેજ જરૂર પડી હોય કે જો પૂર્વકાળમાં પણ અંગો અને પૂર્વસૂત્રોની હયાતિ નહિ માનીએ તો જિનવચનદ્વારાએ જાહેર થયેલું તત્વજ પ્રમાણભૂત છે અને અમે તેનીજ છત્રછાયા નીચે છીએ એવું કહેવાનો વખતજ રહે નહિ માટે કુંવારા મનુષ્યને, ‘તમે પરણ્યા છો કે નહિ’ એવો પ્રશ્ન પુછવામાં આવતાં ‘બાપા પરણ્યા હતા’ એવો ઉત્તર દે, પણ ‘હું નથી પરણ્યો’ એવો ચોકખો ઉત્તર ન દે તેવી રીતે આ દિગંબરોએ જિનવચનના તત્ત્વની હયાતિ માત્ર માનવા માટેજ અંગો અને પૂર્વો હતાં અને એમ માન્યું અને મનાવ્યું.