Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
જયન્તી ઉજવનારાઓને
ભગવાન તીર્થંકર મહારાજની આરાધ્યતા દ્રવ્યથકી તો પહેલા ભવથી હોઈને આ છેલ્લાભવમાં તો ચ્યવનાદિ પાંચે કલ્યાણકો નારકીઓને પણ આનંદ કરનાર હોવાથી મનાય તે સ્વાભાવિક છે, એટલે ભગવાન્ તીર્થંકરોના જન્મકલ્યાણક-યાવસ્ મરણ એટલે મોક્ષકલ્યાણક આરાધાય તે સ્વાભાવિક અને શ્રેયસ્કર હોય જ અને છેજ, પરંતુ જેઓ પોતપોતાના ગુરુના મરણદિવસની જયંતી મનાવે છે, તેઓ ગુરૂના મરણદિવસને શું ઉત્સવરૂપ માને છે કે મનાવે છે ? ભગવાન્ તીર્થંકરો તો મોક્ષ પામે એટલે અધિકગુણના સ્થાનને પામ્યા એટલે ગુણની દૃષ્ટિવાલા ભક્તોને પોતાને વિયોગનું દુઃખ થાય છતાં તેમની સંપૂર્ણગુણની દશાની પ્રાપ્તિને ઉજવે યાને આનંદરૂપ મનાવે, પણ ભગવાન જંબૂસ્વામી પછીના આચાર્યો તો કાલધર્મ પામે એટલે શિષ્યોને માત્ર વિયોગથીજ સ્થિતિ ઉભી થાય અને ગુરુને અવિરતિ અપચ્ચકખાણી થઈ મોક્ષમાર્ગની મુખ્ય આરાધનાથી વ્યુત થવું પડે, છતાં તે ગુરૂના મરણ દિવસને મહોત્સવ તરીકે મનાવવાવાળા કઈ દૃષ્ટિ રાખે છે, તેના ખુલાસાની જરૂર છે. ભગવાન્ તીર્થંકર મહારાજનાં પાંચે કલ્યાણકો ઇંદ્રાદિ દેવો આરાધે છે તેમાં પણ ચ્યવનને જન્મઆદિ કલ્યાણકો તો ભવિષ્યના આરોપથી પણ હર્ષથી આરાધે છે, પણ મોક્ષકલ્યાણક વખતે તો ઇંદ્રો પણ શોકના અશ્રુવાળા હોય છે. શાસ્ત્રકારો પણ ભગવાન્ તીર્થંકર મહારાજના જન્માદિ વખતે લોકમાં ઉદ્યોત થવાનું કહે છે, પણ ભગવાનના મોક્ષકલ્યાણકમાં તો કલ્યાણક માનવા સાથે લોકમાં અંધારૂં થવાનુંજ માને છે, તો પછી જયંતી મનાવવાવાળા ગુરુના મરણ દિવસને જયંતી નામે ઉત્સવરૂપ માનવાનું સબળ કારણ જાહેર કરે તે ઈચ્છવા યોગ્ય છે.
તા.ક. - કાલધર્મ પામેલા ગુરુને પણ ગુરુપણાની અવસ્થા ધ્યાનમાં લઈને આરાધી શકાય, પણ મરણદિવસ કઈ દૃષ્ટિએ આરાધાય છે ? મોક્ષ ન પામે તોપણ મનુષ્યપણાનો જન્મ મોક્ષનો હેતુ હોવાથી પ્રમત્તાદિગુણઠાણાની માફક માન્ય થઈ શકે પણ દેવપણું કઈ અપેક્ષાએ આરાધ્ય ગણાય ? જયંતી ઉજવવી અને અપચ્ચક્ખાણી વિગેરે અવર્ણવાદ બોલવા તેની દશાજ કેવી ગણવી ? ગુરુમરણ નિમિત્તે પૂજા, પૌષધ વિગેરે કરવું એ તો દેવવંદન અને નન્દીશ્વરના મહોત્સવની અપેક્ષાએ વ્યાજબી થાય. મરણદિવસને જયંતીરૂપે ઉત્સવ મનાવનાર ને માનનારે અને મિષ્ટાનની સગવડ કરનારે ખુલાસો કરવાની જરૂર છે. જો શોક દિવસ ગણે તો તે દિવસને જયંતીશબ્દ લગાડવો વ્યાજબી છે ખરો ? ધ્યાન રાખવું જરૂરી છે કે મરણને કલ્યાણક નથી માન્યું પણ મોક્ષને કલ્યાણક માન્યું છે. ખુલાસા માટે આટલું જ બસ છે. તંત્રી.