Book Title: Siddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
૩૭૪
આત્મા યુક્ત છે. હવે કોઈ પ્રશ્ન કરશે કે જો જીવ આ પાંચે જ્ઞાનથી યુક્ત છે તો પછી તેનું એ જ્ઞાન ક્યાં જાય છે ? આ પ્રશ્નનો ઉત્તર પણ જૈનશાસનની પાસે તૈયાર જ છે. જૈનશાસન આત્માને જ્ઞાનવાન માને છે પરંતુ તે જ સાથે જૈનશાસન પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મ પણ માને છે અને એવો સ્પષ્ટપણે જવાબ આપે છે કે આત્માના પાંચે જ્ઞાનો આ પાંચ પ્રકારના કર્મોથી આવરાએલા રહે છે. આત્માની પોતાની મિલ્કત
આત્માના આ પાંચે જ્ઞાન પોતાની મિલ્કતરૂપ હોવા છતાં આત્મા તેનો ઉપયોગ કરી શકતો નથી. કોઈ કહેશે પછી આત્મા એનો ઉપયોગ શા માટે કરી શકતો નથી ? જવાબ એ છે કે લાખ રૂપીઆનો દાગીનો આપણો પોતાનો હોય, આપણી માલીકીનો હોય, આપણા સિવાય તેનો બીજો કોઈ
સ્વામિત્વાધિકારી ન હોય છતાં પણ જો એ દાગીનો આપણે ગીરે મૂક્યો હોય તો તેના ઉપર આપણી
સત્તા ચાલતી નથી ! આપણો દાગીનો પણ આપણે
ગીરે મૂક્યો હોય તો તેના ઉપર આપણી સત્તા નહિ જ ચાલે. તમે જ્યારે એ દાગીનો પાછો છોડાવી
લાવો છો ત્યારે જ એ દાગીના ઉપર તમારી સત્તા ચાલે છે, એ જ પ્રમાણે જીવ અને તેના જ્ઞાનના સંબંધમાં પણ સમજવાનું છે. જીવના પાંચ જ્ઞાન એ તેની પોતાની માલિકીની જ મિલ્કત છે પરંતુ તેની એ મિલ્કત જ્ઞાનાવરણીયકર્મ મારવાડીને ત્યાં ગીરે મૂકાએલી છે.
જૈનતત્વજ્ઞાન સમજો.
જ્ઞાનવાન જીવની જ્ઞાનરૂપી મિલ્કત કેવી રીતે ગીરો મૂકાએલી છે તે હવે તપાસીએ. જ્ઞાનાવરણીય કર્મો પણ પાંચ પ્રકારના છે એમ જૈનશાસન માને છે. આત્માનું કેવળજ્ઞાન એ કર્મોથી રોકાએલું-ગીરો
તા. ૨૦-૫-૧૯૩૬
મૂકાએલું છે તેથી જ એ જ્ઞાનનો ઉપયોગ આત્માથી કરી શકાતો નથી. બીજા શાસનવાળાઓએ જ્ઞાન માન્યા છે પરંતુ જ્ઞાનનો કર્મથી અવરોધ થાય છે અને એ કર્મોના ક્ષયાદિક થઈ શકે છે એવું કોઈપણ શાસનવાળાએ માન્યું નથી. એક પણ દર્શનની વિચારણા એટલે સુધી જવા પામી નથી કે જેણે આત્માનું જ્ઞાન માનીને તેનો ક્ષયોપશમ કે ક્ષય માન્યા હોય ! ફક્ત જૈનદર્શન એ જ એક એવું મહાન શાસન છે કે જેણે આત્માના ક્ષયોપશમ અને ક્ષય માન્યા
છે. બીજા દર્શનો એ આત્માને જ્ઞાનવાળો માને છે, આનંદસ્વરૂપ માને છે, નિત્ય માને છે, પરંતુ ત્યાં તેમનો રસ્તો અટકી જાય છે, પછી તેઓ આગળ ચાલી શકતા નથી.
જાણ્યા વિના બોલવાનો હક નથી !
જૈનદર્શન એ સઘળાની આગળ ચાલ્યું છે અને તેણે આ વસ્તુનો અંત સુધીનો નીકાલ આણી નાખ્યો છે. આત્મામાં આવાં જ્ઞાન છે પરંતુ તે આ પ્રકારના કર્મોદ્રારા રોકાએલાં છે. એનો ક્ષયોપશમાદિક આ રીતે થાય છે. પરિણામે કર્મના બંધો તૂટે છે અને ત્યારે જ આત્માનો જ્ઞાનગુણ પૂર્ણ રીતે પ્રકાશે છે એ વસ્તુ જૈનશાસન સિવાય બીજા કોઈએ કહી જ નથી. કહો કે બીજા કોઈનો આ વિષયમાં ચંચુપ્રવેશ જ થઈ શક્યો નથી. આત્માના જ્ઞાનની આ ફિલોસોફી જેણે જાણી નથી તેને ખરી રીતે આત્મામાં આવાં જ્ઞાન છે એ બોલવાનો જ અધિકાર પહોંચતો નથી. ભીંતની અંદર એક નાનો ગોખલો બનાવ્યો હોય અને એ ગોખલામાં દીવો મૂક્યો હોય તો એ દીવો તે જ જાણી શકે છે કે જેણે એ ગોખલો જાણ્યો છે ! જેણે ભીંત જાણી નથી, ભીંતની અંદર મૂકેલો ગોખલો પણ જાણ્યો નથી તે ગોખલામાં મૂકેલો દીવો તો ન જ જાણી શકે એ સાધારણ વાત છે.