________________
૧૮
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ મળતાં ઘટ ઉત્પન્ન થાય છે. આ માન્યતાનુસાર પાંચ મહાભૂતોના સમુદાય રૂપ શરીર બનવાથી તેમાં ચેતના પહેલાં હતી નહીં પણ ઉત્પન્ન થાય છે અને મૃત્યુકાલ આવતાં તે ચેતના તે શરીરમાં જ નાશ પામી જાય છે, પણ ચૈતન્ય સ્વભાવવાળો આત્મા જેવો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી. જેમ પાણીમાંથી પરપોટા ઉત્પન્ન થાય છે અને તે પરપોટા ફૂટી જતાં પાણીમાં જ સમાઈ જાય છે, તેમ અહીં સમજવું. આ કારણે શરીરથી જુદું એવું કોઈ ચેતન નામનું આત્મદ્રવ્ય નથી. આ ઉત્પત્તિ પક્ષ સમજવો.
(૨) બીજો અભિવ્યક્તિ પક્ષ એવો છે કે જેમ માટીના બનાવેલા વાસણમાં પાણી નાંખવાથી ગંધ પ્રગટે છે, તેમ શરીરમાં આત્મા પ્રગટે છે. ત્યાં વાસ્તવિકપણે તે વાસણમાં ગંધ પ્રથમથી હતી જ, પરંતુ પાણી તેને અભિવ્યક્ત-પ્રગટ કરે છે અથવા અંધકારમાં ન દેખાતો ઘટ પ્રથમથી છે જ, ફક્ત પ્રકાશ તેને અભિવ્યક્ત-પ્રગટ કરે છે. તેમ પાંચ ભૂતોમાં ચેતના છે, પરંતુ તે ચેતના દેખાતી નથી, પણ જ્યારે તે પાંચે ભૂતો કાયાકારે પરિણામ પામે છે, ત્યારે તે ચેતના દેખાય છે. આમ ચેતના અભિવ્યક્ત થાય છે. આ અભિવ્યક્તિ પક્ષ છે.
આમ ઉત્પત્તિ પક્ષે પાંચ ભૂતો સાથે મળવાથી ચેતના જે પ્રથમ ન હતી તે ઉત્પન્ન થાય છે અને અભિવ્યક્તિ પક્ષે ભૂતોમાં તિરોભાવે ચેતના હતી, તે ચેતના કાયાકારે ભૂતો પરિણામ પામે ત્યારે આવિર્ભૂત થાય છે. આ રીતે બંને પક્ષે ભૂતોમાં જ ચેતના છે, પણ ચેતના ગુણવાળો સ્વતંત્ર આત્મા હોય અને તે ભૂતોથી ભિન્ન હોય, આમ બનતું નથી. ભૂતોથી ભિન્ન સ્વતંત્ર ચેતનામય આત્મદ્રવ્ય નથી. આમ ચાર્વાક દર્શનકાર કહે છે. 11911
અવતરણ શરીરમાંથી ચેતના પ્રગટે છે અને મૃત્યુ આવતાં ચેતના બુઝાઈ જાય છે. તેથી પૂર્વભવ-પરભવ આદિ કંઈ નથી. આમ જણાવતાં ચાર્વાકદર્શન કહે છે કે -