________________
૧૩
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
પ્રશ્નોત્તર આ સર્વ રાસશૈલીમાં આવે છે. કવિ ઋષભદાસે સમકિતસાર રાસમાં પોતાના વિષયના સંદર્ભમાં અવાન્તર બાબતો ઉમેરી છે. જેમકે સંયમને અયોગ્ય વ્યક્તિઓના સંદર્ભમાં નપુંસક વિચાર, ત્રણ લિંગમાં શુશ્રૂષાના સંદર્ભમાં ૪૫ આગમ પરિચય, કુશલતા ભૂષણના સંદર્ભમાં પાસસ્થા આદિ પાંચ કુગુરુ તથા વંદનાના પ્રકાર, તેત્રીસ પ્રકારની આશાતના આદિ વિષયોનું સંકલન કર્યું છે. તેથી રાસકૃતિ દીર્ઘ બની છે . કવિ ઢાળ-૪૫, કડી-૮૭૧ માં રાસનો સમય, સ્થળ, દર્શાવવા સમસ્યાપૂર્તિનો ઉપયોગ કરે છે. આ સંપૂર્ણ રાસકૃતિમાં શબ્દાલંકારો અને અર્થાલંકારો વિખરાયેલાં મોતીની જેમ જોવા મળે છે.
આ રાસકૃતિઓની રચના મોટે ભાગે જૈન સાધુ કવિઓ દ્વારા થયેલી હોવાથી તેમના સર્જનમાં કાલ્પનિક મૌલિક સર્જનને અવકાશ ન હતો. જૈનાચાર્યો એ શાસ્ત્રોક્ત વિષયને પોતાની મતિ અનુસાર વિશેષ સુધારા-વધારા કર્યા વિના શક્ય એટલું યથાતથ્ય રીતે રજૂ કર્યું છે કારણકે તેમની એક મર્યાદા હતી. આમ છતાં આ રાસકૃતિઓએ જૈન ધર્મને સંસ્કારનો વૈભવ આપ્યો છે તેમજ પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખી છે.
આ રાસ સાહિત્યનું મુખ્ય પ્રયોજન ધર્મભાવના હતું. આ ઉપરાંત આશ્રયદાતાઓના અનુરોધથી, મહાપુરુષોની વીરતા અને શૌર્યના ગુણગાન કરી લોકોમાં શૂરવીરતા અને નીડરતા પ્રગટાવવા પણ જૈન સાધુ કવિઓએ રાસકૃતિઓનું કવન કર્યું. વળી ધાર્મિક ઉત્સવોમાં જૈન દેરાસરોમાં રાસ રમાતા અને ગવાતા તેવા પ્રસંગે સાધુ કવિઓ રાસ રચના કરી આપતા હતા. મનુષ્ય જન્મની દુર્લભતા, ઈન્દ્રિય વિષયોની નિઃસારતા દર્શાવવા પણ કેટલાક બોધપ્રદ રાસો રચાયાં. બપોરને સમયે અબુધ જનતાને લોકકથાના મધ્યમથી તત્ત્વનું જ્ઞાન નિરૂપણ કરવા કથાઓ અને તાત્ત્વિક રાસો રચાયાં તેમજ ભારતીય સંસ્કૃતિનો વારસો સુરક્ષિત રાખવા વીરપુરુષોની પ્રશસ્તિ તથા હિતશિક્ષા રાસ જેવી કૃતિઓ રચાઈ; જેમાં ભારતીય સંસ્કારોનું વિધાન થયેલ છે. વળી જીવવિચાર પ્રકરણ અને સમકિત સપ્તતિકા જેવા અઘરા વિષયોને કવિઓએ પોતાની રાસકૃતિમાં પસંદ કર્યા તેની પાછળનો મુખ્ય હેતુ જનમાનસને આધ્યાત્મિક માર્ગે વાળી, તેમનામાં વૈરાગ્યની ભાવના પ્રગટાવી, શાશ્વત સુખ પ્રદાન કરાવવાનો હતો.
તેરમાથી પંદરમા શતક સુધીના ૨૫૦ વર્ષમાં લગભગ ૭૮ જેટલા રાસ મળે છે.... તેમાંથી આસરે ૩૮ જેટલા રાસ પ્રકાશિત છે. આની તુલનામાં સોળમા શતકના ૨૧૦ અને સત્તરમા શતકના ૪૨૫ જેટલા રાસ મળે છે. તેમજ સંખ્યાની સાથે રાસનું કદ વિસ્તાર પામે છે. નિરૂપણની દૃષ્ટિએ, વિષય વૈવિધ્ય અને ભાષાના વિકાસની દૃષ્ટિએ આ રાસ જુદા પડે છે.
વિક્રમના સોળમા શતકમાં લોકપ્રિય હસ્તપ્રતો એકથી વધુ આલેખાયેલી છે; જેમકે જ્ઞાનસાગર કૃત ‘શ્રીપાળ રાસ'(સં. ૧૫૩૧)ની વધુમાં વધુ ૩૮ હસ્તપ્રતો ઉપલબ્ધ છે. લાવણ્યસમય કૃત ‘વિમલ રાસ’(સં. ૧૫૬૮)ની ૨૨ અને કુશલસંયમના ‘હરિબલ રાસ’ (સં. ૧૫૫૫)ની ૧૫ હસ્તપ્રતો ઉપલબ્ધ થયાનું નોંધાયું છે. લાવણ્યસમય અને સહજસુંદર જેવા કવિવરો, દેપાલ અને વચ્છરાજ જેવા શ્રાવક કવિઓના સાહિત્ય સર્જનથી આ શતક સમૃદ્ધ બન્યું છે.
સત્તરમા શતકમાં કવિ ઋષભદાસ મોખરે રહ્યા છે. તેમણે ૪૫૯૯ કડીનો ‘કુમારપાળ રાસ’ (સં. ૧૬૧૦), ૩૧૧૪ કડીનો ‘હીરવિજ્યસૂરિ રાસ'(સં. ૧૬૮૫), ૨૧૯૨ કડીનો ‘કુમારપાળ લઘુ રાસ', ૧૮૬૨