________________
૧૨
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
મળે છે .
(૫) પાંચમા પ્રકારમાં વિધિ, વિધાન અને પૂજાઓ દર્શાવતી કૃતિઓ મળે છે. જ્ઞાનસાગર કૃત ‘સિદ્ધચક્ર રાસ’ (સં. ૧૫૩૧), ધર્મમૂર્તિ સૂરિ શિષ્ય કૃત ‘વિધિ રાસ’(સં. ૧૬૦૬), હીરકલશ કૃત ‘આરાધના ચોપાઈ’(સં.૧૯૨૩), કવિ ઋષભદાસ કૃત ‘પૂજાવિધિ રાસ’(સં. ૧૯૮૨), ભાવવિજય કૃત ‘શ્રાવકવિધિ રાસ’(સં.૧૭૩૫) જેવી રચનાઓ રચાઈ જેમાં સાંપ્રદાયિક વિધિ દર્શાવેલ છે. જેમાં સાધુ કવિઓએ ઉત્સાહથી શ્રાવકો માટે પોતાના આરાધ્યની પૂજા માટેની વિધિ દર્શાવતી રચનાઓનું સર્જન કર્યું છે. શ્રદ્ધા સાથે જ્ઞાન તેમજ ચરણ-કરણ ક્રિયાકાંડમાં આત્મા તન્મય બને ત્યારેજ ભવરોગ દૂર થાય તેથી આવી ચરણકરણાનુયોગની રાસકૃતિઓ આદરણીય છે.
આ રાસકૃતિનું બીજું લક્ષણ મંગલાચરણ અને અંત છે. આ સાધુ કવિઓએ પોતાની કૃતિમાં જિનેશ્વર દેવ, સરસ્વતી દેવી કે અંબિકા દેવી, તીર્થસ્થાનના અધિષ્ઠાતા દેવ-દેવી, ગુરુવંદન, સ્તુતિ કે સ્મરણથી રાસ કૃતિનો પ્રારંભ કર્યો છે. દરેક રાસાના અંતે કર્તાનું નામ, તેમનો પોતાનો પરિચય, રચનાસાલ, ગુરુ પરંપરા અને ફલશ્રુતિનું નિરૂપણ થયું છે. આ ફલશ્રુતિમાં પણ મુખ્ય ધ્યેય તો મુક્તિ જ રહેતું હતું. કવિ ઋષભદાસે પણ સમકિતસાર રાસના પ્રારંભમાં મંગલાચરણ કરતાં માતા સરસ્વતી, તીર્થંકરો, ગણધરોને સ્તવ્યા છે તેમજ અંતિમ મંગલાચરણ કરતાં પણ કવિ માતા સરસ્વતી, તીર્થંકરો, ગણધરો, કુલદેવીને સ્તવે છે. કવિ કડી-૮૧૯ માં રાસની ફલશ્રુતિ દર્શાવતાં કહે છે કે આ તાત્ત્વિક રાસનું પઠન-પાઠન કે શ્રવણ કરતાં દ્રવ્યથી ભૌતિક સંપત્તિ પ્રાપ્ત થશે અને ભાવથી મોક્ષ સંપત્તિરૂપ સમ્યગ્દર્શન નિર્મળ થશે. કવિ ઋષભદાસે પણ ગુરુ પરંપરા અને કુલ પરંપરાનું નિરૂપણ સમક્તિસાર રાસમાં કર્યું છે.
આ રાસ રચનાનું ત્રીજું લક્ષણ ઉદ્દેશ છે. ધર્મનો ઉપદેશ, ધર્મનું ફલ, કર્મવાદ, ઇત્યાદિ સિદ્ધાંતોનું નિરૂપણ આ રાસકૃતિનો મુખ્ય ઉદ્દેશ છે. કવિ ઋષભદાસે સમક્તિસાર રાસ જેવા તાત્ત્વિક રાસનું નિરૂપણ ધર્મની પ્રરૂપણા હેતુ કર્યું છે. વળી તે સમયે વિવિધ સંપ્રદાયો ઉદ્ભવ્યાં તેમજ સાધુઓ શિથિલાચારી બન્યા હતા તેથી સત્ય ધર્મની પ્રરૂપણા માટે સમકિત સાર રાસની રચના કરી હોવી જોઈએ.
આ રાસ રચનાનું ચોથું લક્ષણ પદ્ય છે. પંદરમા શતક પૂર્વેના રાસ માત્રામેળ છંદમાં રચાયા છે. ત્યાર પછીની રાસકૃતિઓમાં રાગ, રાગની દેશી અને પ્રચલિત પંક્તિઓ દ્વારા તે ગાવાની રીતનો ઉલ્લેખ થયો છે. તેથી આ રાસ રચનાઓ ગેય બની છે. ઉત્તર કાળની રચનાઓ પ્રાય : દુહા-ઢાળ, દુહા-ઢાળ એ રીતે આલેખાઈ છે. આપણા અભ્યાસનો વિષય સમક્તિ સાર રાસ તેમાં પણ દુહા-ઢાળની સાથે જ વચ્ચે ચોપાઈ પણ મૂકવામાં આવી છે તેમજ દરેક કડીના અંતે કડીની સંખ્યા નોંધાઈ છે.
આ રાસ રચનાનું પાંચમું લક્ષણ રાસશૈલી છે. જેમાં વર્ણનો, શબ્દાલંકાર અને અર્થાલંકારોનો ઉપયોગ ગણાવી શકાય. મધ્યકાલીન કવિઓએ રાસની નિષ્પત્તિ માટે રાસમાં રસ પૂર્તિ માટે ઊર્મિ સભર વર્ણનો(જેમાં નગર વર્ણન, નગર જનોનાં વર્ણન વગેરે આવી શકે), ચમત્કારો, અવાત્તર કથાઓ, પૂર્વ ભવની કથાઓ, સુભાષિતો, રૂઢિ પ્રયોગો, કહેવતો તેમજ બુદ્ધિને તીક્ષ્ણ બનાવે તેવી સમસ્યા પાદ પૂર્તિ, ઉખાણાં કે