________________
મંગલાચરણ
ભોગોને જીવોએ અનંતીવાર ભોગવીને છોડી દીધેલા છે અને જેનો ધીર પુરૂષોએ ત્યાગ કરેલો છે એ જ ભોગો પાછળ માણસ પાગલ બનીને દોડે છે, એ પણ એક અજાયબી જ છે ને! ઉત્તરાધ્યયન સૂત્ર (અ. ૯-૫૩) માં કહ્યું છે કે “કામભોગો શલ્ય છે, કામભોગો વિષ છે અને કામભોગો ઝેરી નાગ જેવા છે. કામભોગોની ઈચ્છા કરતા જીવો તેને પામ્યા વિના જ દુર્ગતિમાં જાય છે.” આવા કામભોગોની પાછળ પડનાર માણસ મૂર્ખ નથી તો બીજું શું છે? અગ્નિમાં એક પછી એક ઇંધણ નાખવાથી અગ્નિ જેમ વધુ અને વધુ પ્રજવલિત થતો જાય છે, તેમ જેમ જેમ ભોગો ભોગવવામાં આવે, તેમ તેમ ભોગોની ભૂખ વધતી જ જાય છે. તેથી જ તો ભોગને રોગ કહેવામાં આવે છે.
જીવનશુદ્ધિની પ્રાથમિક ભૂમિકા સમજાવ્યા બાદ, ગ્રંથને અંતે પરિશિષ્ટમાં ધ્યાન યોગ વિષે મહારાજશ્રીએ સરસ માહિતી અને સમજતી આપેલ છે. મહારાજશ્રીનો મૂળ આશય લોકોને આર્તધ્યાનના માર્ગે જતા બચાવવાનો છે. સાધના માત્ર તનથી જ. થઈ શકે તેવું નથી, મનથી પણ થઈ શકે છે. ભગવાનને પારણું કરાવવાની જીર્ણશેઠને તીવ્ર ઈચ્છા હતી. એ ઈચ્છા બર ન આવી છતાં મનથી ભાવથી એવી ઉત્તમ સાધના થવા પામી કે તેને ઉચ્ચ દેવલોક પ્રાપ્ત થયો. શરીર અશક્ત કે નકામું થતાં નિરાશ કે હતાશ થવાની જરૂર નથી, સાધના મન દ્વારા પણ થઈ શકે છે. આ રીતે અશકત અને નબળા થઈ ગયેલા લોકોને પણ મહારાજશ્રીએ આશાનો માર્ગ બતાવ્યો છે. ધ્યાનના સોળે પ્રકારો પર સાદી અને સચોટ ભાષામાં મહારાજશ્રીએ વિદ્વત્તાપુર્ણ વિવેચન કરેલું છે. મનનો નિગ્રહ થાય તો ચિત્તસમાધિનો લાભ અવશ્ય પ્રાપ્ત થાય. આ રીતે આ અપુર્વ ગ્રંથ પાછળ મહારાજશ્રીની ભાવના અને ધ્યેય માણસ મનુષ્યત્વ પ્રાપ્ત કરી આત્માનો વિકાસ કરી શકે અને તે માર્ગે જઈ મહર્ષિ, પરમર્ષિ અને અંતે કર્મ મુક્ત બને તે જ છે.