Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૨૨)
આત્મીય ભાઈ,
ઘણું બધું લખવાનું ભેળું થયું હોવા છતાં લખી નથી શક્યો. અમારો માર્ગ નાનાંમોટાં વિઘ્નો વચ્ચેથી પસાર થાય છે. અને જેને પલાંઠી વાળીને કામે લાગી જવું છે, ધૂણો ચેતાવવો છે એને ભાગે જ સંઘર્ષ ને અણસમજુ સાથે માથાંફોડ કરવાના પ્રસંગો આવ્યા કરે છે. કેટલાક રાજકારણીઓને અમારું પડ જાગતું રાખવાના પ્રયત્નો ખૂંચે છે ને અમને અહીંથી હાંકી કાઢવાના જ પેંતરા તેઓ ભરે છે. આ બધાનો જવાબ આપવામાં સમય ને શક્તિ વેડફવાં પડે છે. ગાંધીનગર સુધી કાગળિયાં ગયાં છે, સરકારી તપાસ આવ્યા કરે છે. અમે કાર્યનો ચોક્ખો ચોપડો ને હેવાલ રજૂ કરીએ છીએ. જોઈએ શું થાય છે.
ભજનોનું ભૂત તો જીવ લઈને જાય ને જીવતે ગત્યે પોંચાડે એવું છે. વનવાસીઓનાં ભજનો ને ગીતકથાઓનો ભંડાર ભર્યો પડ્યો છે તેની ભાળ મળી છે. આમાં લગનીથી લાગી ગયેલા ભાઈ મળ્યા છે. હરિ આશ્રમ તરફથી સહાય મળી છે. આ જૂનના પહેલા અઠવાડિયામાં એક વૃદ્ધ સજ્જન આવવાના છે. તેમને કંઠે જળવાઈ રહેલું સ્વર-ધન કેસેટમાં ઉતારીશું. બીજા ભજનિકો પણ આવતા થયા છે.
હસુભાઈનો પત્ર હતો, સ્નેહ અને સહાનુભૂતિ નીતરતો. પણ તેમને યોજના તૈયા૨ કરી મોકલી શક્યો નથી. આસુરી બળોના ચકરાવામાંથી જરા ફૂરસદ મળે કે સત્વર મોકલી આપીશ. અત્યારે તો વહાણ હાલકડોલક છે, પણ છેવટે સંભાળનારો મોટો છે ને !
સેતુબંધ
૮-૫-૮૯
નંદિગ્રામ
ચન્દ્રભાલભાઈ મળી ગયા. તમને થોડાક દિવસમાં મળશે. આવા મિત્રો થોડો સમય પણ સાથે રહે તો ભજનવાણીના મર્મ સાથે સાથે વહી આવતું ભાષાકર્મ પણ તપાસી—ચકાસી શકાય. ગોરખ પુકારી પુકારીને કહી ગયો છે : ‘સબદ વિંદો રે અવધૂ, સબદ વિંદો.' આમાં વેદવું ને વેધવું બંને આવી જાય છે. અત્યારે સખત તાપ છે. પણ વરસાદ થાય ને વાતાવરણ ભીનું થાય ત્યારે તમે એકાદવાર આવો એવી ઇચ્છા રહ્યા કરે છે. આ સાથે બુક–પોસ્ટથી ભજનકેન્દ્ર પરિચય બીડું છું.
,
Jain Education International
For Private & Personal Use Only
મકરન્દનાં વંદન ૩૩
www.jainelibrary.org