Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
માતંગીદેવી વિશે – એ સ્તોત્ર વિશે પણ હું કશું જાણતો નથી. કોશમાં દસ મહાવિદ્યા—એટલે કે શિવની શક્તિઓમાંની એક હોવાનું નોંધ્યું છે. ‘વસુદેવહિંડી’ (ગુણાઢયની લુપ્ત ‘બૃહત્કથા’નું જૈન, પ્રાકૃત રૂપાંતર)માં વિદ્યાધરો વિવિધ વિદ્યાઓ (રોહિણી, પ્રજ્ઞપ્તી, ગૌરી વગેરે) સાધીને આકાશગમન, રૂપપરાવર્તન વગેરે શક્તિઓ પ્રાપ્ત કરતા હોવાની ઘણી કથાઓ છે, તેમાં એક માતંગી વિદ્યા છે (અમુક સમય ચાંડાલવેશે રહી સાધવાની) અને એક પરંપરાનું નામ માતંગી—નિકાય છે. સિદ્ધનાથ પરંપરામાં અને તંત્રોમાં માતંગી, સાધનાનું એક અંગ હોય છે, અને ‘ડોંબી', ‘ચાંડાલી'ના અધ્યાત્મપરક અર્થ છે. સ્તોત્રોમાં ‘મહિમ્નઃ સ્તોત્ર’, ભાગવત પુરાણની થોડીક સ્તુતિઓ – એનો મને સહેજસાજ પરિચય છે, પણ ‘સૌંદર્ય લહરી’ વાંચ્યું નથી.
તમે જે ઝેરોક્સ–કરેલું લખાણ મોકલ્યું છે, તેમાં શિવદાસની વેતાલપચીશી (વૈતાલ—પંચવિંશતિકા)ની જે કથા આપી છે તેમાં ગરબડ છે. મૂળ કથામાં નાયક પોતાના મિત્રને લઈને પત્નીને પિયરથી લાવવા જતાં વચ્ચે આવેલા શિવાલયમાં દર્શને જાય છે, અને કમળતળાવડી જોઈને, પાછા વળતાં શિવની કમળપૂજા કરવાની પ્રતિજ્ઞા લે છે. પત્નીને લઈ પાછા ફરતાં, એ શિવાલયની કમળતળાવડી સુકાઈ ગઈ તેથી, પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા મસ્તકને કમળ તરીકે વાઢીને ધરે છે. મિત્ર પોતા પર આળ આવશે, જાણી માથું વાઢે છે, અને પત્નીને પછી આત્મહત્યા કરતાં અટકાવી, તેના સતીત્વથી પ્રભાવિત શિવ માથાં ધડને લગાડવાથી બંને સજીવન થશે એવું વરદાન દે છે. પછી ઉતાવળમાં માથાની અદલાબદલી થઈ જાય છે. ટોમસ માનની નવલકથા Transfered Heads' મેં વાંચી છે. તેણે Head (બૌદ્ધિકતા) અને Lady (ભાવસંવેદન, દૈહિકતા) ના વિરોધનું નિરૂપણ કરવા, ઉપર્યુક્ત કથાવસ્તુનો ઉપયોગ કર્યો છે. આપણા એક નાટકકારે (ગિરિશ કર્નાડ) પણ એ વસ્તુનો ઉપયોગ કરી નાટક ‘હયવદન’ નાટક રચ્યું છે. ‘અબોલા'ની તમારી બોલીની પૂર્ણાહૂતિ થઈ તેથી એક ઉપક્રમ પૂરો થયો.
—
‘શબ્દપ્રયોગોની પગદંડી'ને હમણાં ન જ અડશો. તમારા મનમાં અનેક શબ્દો—સંદર્ભો ઉભરાય અને માનસિક પરિશ્રમ વધે. તમારે લખાવવાની ટેવ પાડવી જ રહી ઘણો શ્રમ બચી જાય. થોડુંક પછી મઠારી લેવાય : સર્વનાશે સમુત્પન્ને અર્ધ ત્યજવાનું સમાધાન પણ હાથવગું છે.
૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org