Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૧૨૮)
અમદાવાદ
તા. ૧ –૩–૯૮ મકરન્દભાઈ,
મુંબઈમાં મળ્યાનો “ચમત્કાર' યાદ રહી જશે. “સમકાલીન'માં તમારી મુલાકાતમાં તમને થયેલી વારંવાર કોઈ “અદશ્ય તત્ત્વની કૃપા અને “ચમત્કાર'ના અનુભવોની અને તમારા વિકાસ–ઘડતરની મુક્તપણે તમે વાત કરી છે. આપણી વચ્ચે પણ એ વિશે કેટલીક વાત થયેલી. એક બાજુ એ વાસ્તવિક હોવાનું પ્રમાણ સંશયાત્મા અવગણી શકે તેમ નથી, તો બીજી બાજુ અજ્ઞાન અને અંધશ્રદ્ધા વગર વિવેકે ચમત્કાર પર આસ્થા રાખતી રહે અને વિચારપૂર્વકના સ્વપુરુષાર્થથી પરિસ્થિતિ બદલવા સક્રિય ન બને – આમાં પરંપરાનો પણ ઘણો મોટો ફાળો છે. અને અત્યારે અનેક કારણે સંકુચિત સંપ્રદાયિતા અને બાહ્યાચાર ઉપર જ આધાર રાખતા કર્મકાંડ ઘણા પ્રબળ બન્યા છે ત્યારે આ ચિંતાનો વિષય છે. “સમકાલીન' વાળા પણ ધર્મ, શ્રદ્ધા, આધ્યાત્મિક આસ્થા, યોગમાર્ગ, ભક્તિભાવના એ બધું તૂત છે, એવી સંકુચિત બુદ્ધિવાદીઓની ચર્ચાને ચગાવે છે – મિથ્યા વાદવિવાદમાં રસ ધરાવતા વાચકોની રુચિને વશ થઈને અને વેચાણ વધારવા પર મીટ માંડીને. જો કે તે સાથે તમારા જેવાની મુલાકાત અને કેટલુંક વિચારપ્રેરક, સાહિત્યનિષ્ઠાવાળું લખાણ પણ પ્રકાશિત કરે છે. પ્રશ્ન હંમેશની જેમ કેટલું, ક્યાં અલિપ્ત રહેવું, ક્યાં સંડોવાવું (મનથી પણ) એ સતત રહેતો હોય છે.
મુંબઈમાં છેલ્લા દસબાર દિવસ અણધાર્યું મારું લોહીનું દબાણ ઘણું ઊંચું થઈ ગયું. ચક્કર આવ્યા. તરત ડૉક્ટરને બતાવી ઉપચાર શરૂ કર્યા. હવે સુધારો છે. એ કારણે તેમ જ બીજા કારણે હજી અશક્તિ છે – પગ ઊછીના લીધા હોય એવું લાગે છે. પણ હુર્તિ વધતી જાય છે બહાર નથી નીકળતો. પણ હવે લેખનવાચન પહેલાંની જેમ કરી શકું છું. ત્રણચાર પુસ્તકો થોડા સમયમાં, છપાઈ રહ્યાં છે તે પ્રકાશિત થશે. સંશોધકોને મળવાનું અને તેમના કામમાં સહાયભૂત થવાનું પણ ચાલે છે. તમારું સ્વાથ્ય જળવાતું હશે, અને ચાલુ કશી તકલીફ નહીં હોય.
હ. ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
૧૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org