Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
નિઃસંતાન મરી જાય છે. પણ એમનાં નામ નીચે જ મહાભારતના શાબ્દિક અને સાંસારિક જનક વ્યાસ આખો ઘટાટોપ રચે છે. એમાંયે માનુષી તનુધારી પુરુષોત્તમનો પ્રવેશ ન થયો હોત તો કથા નિઃસત્ત્વ જ રહી જાત. શંકરાચાર્ય દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કહ્યું છે તે વડના બીજમાંથી જ આ ચિત્ર-વિચિત્રનો વિશાળ વડલો પાંગર્યો છે.
માયાકલ્પિત દેશકાલકલના વૈચિત્રચિત્રીકૃતમ્....
સ્થળ અને કાળના સીમિત ક્ષેત્રમાં માયાની સંકલના અને સંકલ્પનાથી આ બહરૂપી વાદળો ઊમટે છે અને અનંત આકાશમાં સમાઈ જાય છે. આ બધી ઐન્દ્રી-ઈન્દ્રની માયાજાળ-નો વણાટ વૈદિક સૂક્તો અને યૌગિક કથાઓમાં પડ્યો છે. ગંગાને કિનારે વસેલું ઇન્દ્રપ્રસ્થ અને જમુનાને કિનારે આવેલું હસ્તિનાપુર ઐન્દ્રિય અને યમપુરી વચ્ચેનો વૈશ્વિક સંગ્રમ દર્શાવે છે એ જ રીતે માનવપિંડમાં ઇડા-પિંગળા વચ્ચે ચાલતી ચડાસાચડસી દર્શાવે છે. એની સાથે પાંચ ઇન્દ્રિયો અને ચતુર્વિધ અંતઃકરણનું યુદ્ધ પણ સંકળાયેલું છે. જ્યાં અંતઃકરણમાં ચાંડાલ ચોકડી પડી હોય ત્યાં ગમે તેવી બલવાન પાંચ ઇંદ્રિયો હારી જાય એમ નવાઈ નથી.
પાંડવો અને કૌરવો વચ્ચે જ્યાં ધૂત રમાય છે તે દુઃશાસનનો મહેલ વરુણના મહેલની પ્રતિકૃતિ છે. એફ બી.જે. કુઈપરે “એન્શિયન્ટ ઇન્ડિયન કૉસ્મોગોની'માં વૈદિક મંત્રો અને મહાભારતના શ્લોકો વચ્ચે રહેલું, ક્યાંક તો શબ્દશબ્દ, સામ્ય સુપેરે દર્શાવ્યું છે. એ વિષે લંબાણ કરવાની જરૂર નથી. એટલું જ કહેવાનું કે આ મંત્રો અને કથાઓને ભૂતકાળના અવશેષો તરીકે નહીં, પણ આપણાં વર્તમાન અને ભાવિને ઉજાળતા પથદર્શકો તરીકે જોવા જોઈએ.
- રામાયણ અને મહાભારતમાં અત્યંત વિશાળ ફલક પર બંધુત્વના મિલનનો આનંદ, વિયોગની પીડા, અને વિચ્છેદથી થતા વિનાશનું ચિત્રણ છે. બંધુત્વની પિછાણ નથી એટલે જ ભાઈઓ-ભાઈઓ વચ્ચે ઘોર ઘમસાણ મચે છે. મહાભારતકારે આ વસ્તુ પાંડવો અને કર્ણના પાત્રો દ્વારા બતાવી આપી છે. કુંતીનું એક નામ પૃથા છે. પૃથા સમી આ પૃથ્વી કુંતીની જેમ મૂંગી મૂંગી રડી રહી છે. આજે તો જ્યાં જુઓ ત્યાં સોરાબ રુસ્તમી જામી પડી છે. વ્યક્તિઓ વચ્ચે જ નહીં, વિશાળ વર્ગો વચ્ચે. ત્યારે સારસ્વત વિના કોણ ઊંચા હાથ કરીને અવાજ ઉઠાવશે? લોહીના સંબંધોની સચ્ચાઈ અને સ્વાર્થોધતા તથા આત્માના
સેતુબંધ
૨૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org