Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
વા૨ નિરાંતે વાતો કરવી છે. જન્મ અને મૃત્યુ– આ બંને છેડાને હટાવતું કોઈ અસ્તિત્વ ખરું ? પરલોક જેવું કશું છે ? એની સાથે સંપર્ક થઈ શકે ? અને થાય તો એ સંપર્કને જોડનારી કડી કઈ ? આપણે તો વાણીનાં માછલાં. એ જીવી શકે એવું વાણી—માનવવાણીથી જુદું અને છતાં માનવને સ્વીકાર્ય અસ્તિત્વ ખરું ? શુદ્ધ અસ્તિત્વ બ્રહ્મનો અનુભવ અને ભાષા—માનવની અભિવ્યક્તિનો મેળ ક્યાં સુધી ? મહાશૂન્ય અને વેદવાણીનો નાતો ક્યાં સુધી ? મારું મન આવાં અનેક ક્ષેત્રોમાં રમતું રહ્યું છે. અને દરેક ક્ષેત્રને માપી—ચકાસી જોયા પછી જ સ્વીકારવા તૈયાર રહ્યું છે. તમારો ‘ભાષા અને સત્’ – શંકર અને દેરિદાના મંતવ્ય વિષેનો લેખ રસથી વાંચી ગયો છું. રામસ્વરૂપનું The word as reselation મારું પ્રિય પુસ્તક છે. શબ્દ, શબ્દ મધ્ય ધ્વનિ અને ઉચ્ચારમાં રહેલું સત્ય, અને શબ્દથી પર લઈ જતા સત્યની ઝાંખી ત્રિવિધ રીતે થાય. એ છે ત્રયી. આવા સળંગ સૂત્રનાં ખાનાં પાડીએ ત્યારે ભેદ-વિભેદ ઊભા થાય છે. આજે આ કાળમાં એક નામ–રૂપમાં હું છું એ મારા નામ–રૂપનો શબ્દ મકરન્દ એ નામ અને રૂપની મધ્યમાં જ મારું એક અસ્તિત્વ છે જે આ મકરન્દમાં હોવા છતાં તેને ઉત્ક્રમી જાય છે અને જે ઉત્ક્રમે છે તે સ્થળ અને કાળથી પર છે’– શું લખું ?
-
‘અકાર ઉકારે, ઉકારો મકારે, મકાર ૐકારેડહમેવ’
ઘણું લખ્યું. આવતી કાલે મુંબઈ જાઉં છું. મારા ભણેજ અશોકની દીકરી વિદિતાનાં લગ્ન છે. થોડા દિવસો પહેલા મારી ભાણી, અશોકની મોટી બહેન અરુણા ગુજરી ગઈ. શોકની છાયા વચ્ચે જ ઉત્સવ ઉજવવો રહ્યો. અશોક, તેની પત્ની રમા તમને ઓળખે છે. ડૉ. વાડીભાઈના સમારંભમાં તમારો ફોટો તેમણે બતાવ્યો હતો. દીકરીના લગ્ન પ્રસંગે નાની પુસ્તિકા છપાવી છે. સાસરા પક્ષવાળા તમિલભાષી છે, અંગ્રેજી અનુવાદ સાથે આપ્યો છે. પુસ્તિકા મોકલીશ. આજે લગ્નવિચ્છેદ, લગ્નબાહ્ય સંબંધોમાં વા વાયો છે ને ચિંતકો, વળી તેને અનુમોદે છે ત્યારે લગ્નના ખરા સ્વરૂપ વિષે થોડું ઘસડયું છે.
ખબર નથી, તમને ‘વૈચિત્ર્ય—ચિત્રીકૃતમ્’ એવા પ્રદેશમાં આજે ખેંચી ગયો. આ બધી ‘માયાકલ્પિત દેશકાલ-કલના’ સાથે સાથે ‘ચિત્શક્તિઃ પરમેશ્વરસ્ય વિમલા ચૈતન્યમેવોચ્યતે’– એ સંમોહિની અને સંજીવની પણ છે. આપણે તો ભાઈ, બ્રહ્મ અને બ્રહ્મનાં લટકાં બંને મંજૂર.
તમારી તબિયત સારી હશે.
ઇશા વંદન પાઠવે છે.
૧૫૨
Jain Education International
For Private & Personal Use Only
તમારો મકરન્દ
સેતુબંધ
www.jainelibrary.org