Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૭૦)
અમદાવાદ
તા. ૨૯-૯-૯૪ મકરન્દભાઈ,
થોડાંક કામોમાં અટવાયો હતો, અને જરા નિરાંતે લખું એમ હતું એટલે તમે ફરીથી ઉપાધિમાં આવી પડ્યા જાણીને પણ તરત પત્ર નથી લખી શક્યો. રોગદોગના ઉપદ્રવમાંથી સાજા નરવા થઈ ધખતી ધૂણીએ ફરી બેસી ગયા એ ભગવાનનો પહાડ જ તો. પણ તો યે શરીર જેટલો ખુશીથી સાથ આપે એટલું જ મનને હમણાં દોડાવશો. હમણાં વળી મહામારીનો ઉપદ્રવ પણ સૂરતના પંથકથી બીજે ફેલાઈ રહ્યો છે. તમારે ત્યાં પરિસ્થિતિ કેમ છે? તમે બંને તથા કૉલોનીના તમારા સ્વજનો સહુ મુક્ત રહ્યા હશો. આમાં “હાથનાં કર્યા હૈયે વાગે” (ગંદકી કરતા, સહેતા રહેવાની ટેવ) એની સાથે “જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી (કે બિચારી), એ અનુસાર પરિણામ ભોગવવામાં આવ્યાં છે. કુદરતી આફત તો ખરી જ. લાગે છે કે આ તો હજી શરૂઆત જ છે.
ગોરખ અને મીરાંનાં વચન તમારી પાસેથી જાણ્યાં. હમણાં “જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો આપણો ચીંતવ્યો અરથ કોઈ નવ સરે ઊગરે એક ઉદ્વેગ ધરવો’ એ જાણીતા, નરસિંહ મહેતાને નામે મળતા, પદનો એક જૂની પ્રતમાં વધુ સારો પાઠ મળ્યો; તેમાં તે ખરું ? ખરખરો ફોક કરવો”, “આપનું ચીંતવ્યું અરથ આવે નહીં” અને “હું કરું, હું જ ખરો, એજ અજ્ઞાનતા” એવા પાઠભેદથી અર્થ સુધરે છે – વણસગાઈથી સમર્થન પણ મળે છે.
ભોજરાજા અને કાણા ઘાંચી વાળો ચકો અને તેવી જ વિદેશમાં મળતી કથાઓ વિશે, તથા જૈન પ્રબંધોમાં મળતા ભોજરાજાને લગતા બીજા થોડાક ટુચકાઓ વિશે મેં વરસો પહેલાં નોંધ લખેલી. એ નોંધ તથા ચઉબોલાની ત્રીજી કથા વિશે કશું કહેવા જેવું હશે તો તે આજકાલમાં મોકલી આપીશ. આ તો અકારણ–પ્રત્યવાય નિવારવા તરત લખી નાખ્યું છે. અમે મુંબઈ જવા ૬ઠ્ઠી તારીખે બપોરે શતાબ્દીમાં અહીંથી નીકળીશું. સૂરત સ્ટેશન પહોંચતા પહેલાં બુકાની બાંધી લઈશું, રામ રાખતો હોય તો પણ પ્લેગ ન ચાખે એમ મન મનાવા ! ૧૫મી નવેબર લગભગ અમદાવાદ પાછાં આવવા ધાર્યું છે.
હ. ભાયાણીના નમસ્કાર ૧૦૨
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org