Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
આ બંને વડોદરા યુનિ.નાં પ્રકાશન હોવાથી ભાઈ સુભાષ દવે તમને મેળવી આપશે. ‘શૃંગારમંજરી' લા.દ. ભાર. સં.વિદ્યા.ભ.નું પ્રકાશન છે, તે ત્યાંથી મેળવી શકાશે. કોઠારીનો લેખ તમે જોયો છે. ગુજ.સા.અકા. દ્વારા મેં સંપાદિત કરેલ ‘મધ્યકાલીન ગુજરાતી કથાકોશ'માં ઉપર્યુક્ત કથાઓ અને તેમનાં રૂપાંતરોનો સાર આપેલ છે. ટિપ્પણીમાં ઐતિહાસિક-તુલનાત્મક ટૂંકી નોંધ છે. ચાલાક ચોરના ઘટક વિશે ટોની—પેન્ઝરના ‘કથાસરિત્સાગર’ના અનુવાદ (The Ocean of Story)ના પાંચમા ગ્રંથમાં ઇતર દેશોની લોકકથાઓમાં મળતા આ કથાઘટક વિશે વિસ્તૃત નોંધ આપેલ છે. ‘મધ્યકાલીન ગુજ. કથાકોશ’ની નકલ, ‘શૃંગારમંજરી’ વગેરે ભરતભાઈ મને મળશે ત્યારે તેમને સુલભ કરી આપીશ. આમાંથી તમને જે રૂપાંતર બંધબેસતું લાગે તેને લઈને વિચારશો. બધું જોવાની જરૂર નથી. રૂપાંતરે—રૂપાંતરે પ્રસંગો, આશયો, પાત્રો પણ વધતાંઓછાં બદલાય છે અને સંકોચવિસ્તાર યથેચ્છ કરાય છે. ગણપતિની કૃતિ કાવ્યદૃષ્ટિએ તો મધ્યકાલીન ગુજરાતીમાં એક અને અનન્ય મહાકાવ્ય છે. સમગ્ર મધ્યકાલીન (અને પ્રાચીન સંસ્કૃતપ્રાકૃત—અપભ્રંશમાંથી પણ) શૃંગારિક કથા અને રસનો વારસો કવિ આત્મસાત્ કરીને બેઠો હોય અને ‘જીભે શારદા’ બેઠી હોય' (તેણે પોતે જ કહ્યું છે) એવી આપણને પ્રતીતિ થાય. હિંદી પ્રેમાખ્યાનક કાવ્યો કરતાં પણ કેટલુંક ઊંચું કાવ્યમય તેમાંથી માણી શકાય. પણ આ તો માત્ર કથાકૃતિ તરીકે, કાવ્યકૃતિ તરીકે. તમારો હેતુ જુદો જ છે. હાલ આટલું. આગળ જતાં જે કોઈ સંદર્ભોની જરૂર હોય તે માટે લખશો, અથવા ભરતભાઈને મળી જવા કહેશો.
અત્યારે સાહિત્યક્ષેત્રે ૨જોગુણ અને તમોગુણની બોલબાલા છે. હું મુંબઈ હતો અને રમેશ પારેખનો અને તેની કવિતાનો વપરાશી માલ તરીકે ઉપયોગ કરીને સાહિત્યના વેપારીઓએ હોબાળો કર્યો તેનાથી - તેવાથી જેટલા દૂર કે અલિપ્ત રહીએ તેટલા ઓછા ખરડાઈએ. તમે જે અલિપ્તતા સહજપણે સાધી— જાળવી છે તેથી મનભાવન કાર્યપ્રવૃત્તિમાં વિક્ષેપ પડી શકતો નથી. પણ જે કચરો કળણ અત્યારે ઉપર તરી આવ્યાં છે – બધાં જ ક્ષેત્રોમાં– તે સમય જતાં ઓછાં થશે, શમશે એવી આપણી સાધાર શ્રદ્ધા છે. સૌ કુશળ હશો.
હ. ભાયાણીના નમસ્કાર
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
૬૯
www.jainelibrary.org