________________ 12. જગતના વિદ્યમાન ધર્મો વર્તમાન સમાજમાં વિજ્ઞાનનું મૂલ્ય તો સ્વીકારાયું જ છે પણ ધર્મના મૂલ્ય અંગે જાતજાતની શંકાઓ પ્રકટ કરવામાં આવે છે. તેને જ પરિણામે માનવસંસ્કૃતિનું ભાવિ જોખમમાં મૂકાઈ ગયું છે. ધર્મ પ્રત્યેની ઉદાસીનતા એ આધુનિક માનવસમાજની મોટામાં મોટી નબળાઈ છે અને ધર્મના મૂલ્યની પુનઃસ્થાપના એ જ સમગ્ર માનવજાતનો સંહાર કરી શકનારા આગામી વિશ્વયુદ્ધથી ઉગરવાનો માર્ગ છે એ મુદ્દાની છણાવટ કરતાં ડૉ. રાધાકૃષ્ણન્ લખે છે કે, “આપણા યુગમાં જો કોઈ જરૂરી તત્ત્વ ગેરહાજર હોય તો તે આત્મા છે. શરીરને કોઈ બીમારી નથી. આપણે આધ્યાત્મિક બીમારીથી પીડાઈએ છીએ. શાશ્વત તત્ત્વમાં રહેલા આપણા મૂળને આપણે શોધી કાઢવું જોઈએ અને અલૌકિક સત્ય અંગેની શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરવી જોઈએ. જો આમ થશે તો જ આપણા જીવનમાં વ્યવસ્થિતતા આવશે અને વિસંવાદી પરિબળોમાં શિસ્તબદ્ધ એકતા અને હેતુલક્ષિતા આવશે; નહિ તો જ્યારે પૂર આવશે અને પવન ફૂંકાશે અને આપણા ઘરને ફટકો પડશે ત્યારે તે પડી ભાંગશે.”૨૭ સંક્ષેપમાં “જો આપણે દુનિયાને બચાવી લેવા માગતા હોઈએ તો આપણે ધર્મભાવનાનો પુનરુદ્ધાર કરવો પડશે.”૨૮ 5. ધર્મ અને સમાજ: કોઈ પણ માનવ સમાજ ત્યારે જ ટકી શકે કે જ્યારે તેનો પ્રત્યેક સભ્ય પોતાનાં કર્તવ્યોનું પાલન કરતો હોય. જે સમાજમાં વિદ્યાર્થી વિદ્યાભ્યાસ કરતો ન હોય, શિક્ષક વિદ્યાવ્યાસંગી ન હોય, માતાપિતા સંતાનોના સંસ્કારસિંચનની ચિંતા કરતાં ન હોય, સંતાનો માબાપની આમન્યા રાખતાં ન હોય, વેપારીઓ કેવળ નફાખોરી જ કરતા હોય, વકીલો ગુનેગારોને છટકબારી શોધી આપતા હોય, નેતાઓ દેશનું હિત વિચારવાને બદલે પોતપોતાના અંગત સ્વાર્થ સાધતા હોય, નોકરિયાતો લાંચ લેતા હોય, વગેરે....વગેરે.. હોય તે સમાજનું તંત્ર તૂટી ગયા વગર રહેતું જ નથી. આમ, એ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ સમાજની એકતા, સ્થિરતા અને વિકાસ તેના સભ્યોની કર્તવ્યભાવના કે નીતિ પર ખૂબ આધાર રાખે છે. ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરતી વખતે આપણે જોઈ ગયાં કે કર્તવ્યભાવના કે નીતિ એ ધાર્મિક જીવનનું ઘણું જ મહત્ત્વનું અંગ છે. ધર્મમાં નહિ માનનારો માણસ ક્યારેક નીતિમાંથી ડગી જઈ શકે છે પણ સાચો ધાર્મિક માણસ તો જાહેરમાં કે ખાનગીમાં કોઈ સ્થળે કે કોઈ કાળે નીતિનો ત્યાગ કરતો જ નથી. નીતિને હંમેશાં વળગી રહેવા માટે બે બાબતો ખાસ જરૂરી છે : 1. પોતાનું શું કર્તવ્ય છે તેનું જ્ઞાન અને 2. પોતાના કર્તવ્યને દઢપણે વળગી રહેવાનું નૈતિક બળ. આ બંને બાબતો માણસને ધર્મમાંથી મળી રહે છે અને તેથી એમ કહી શકાય કે ધર્મ નીતિનો આગ્રહ રાખે છે. એટલું જ નહિ તે નીતિનો સંગીન પાયો પણ પૂરો પાડે છે. આ મુદ્દાની સ્પષ્ટતા ડૉ. રાધાકૃષ્ણના આ શબ્દોમાંથી મળી રહે છે : “ધર્મ જે ઊંચામાં ઊંચી કોટિનું જીવન ગાળવાનો ઉપદેશ કરે છે તે તો ઈશ્વર વિશેની સાચી આસ્તિકતામાંથી