________________ 10 જગતના વિદ્યમાન ધર્મો 4. ધર્મ અને વિજ્ઞાનનો સંબંધ આપણે જે વાતાવરણમાં જીવીએ છીએ તેમાં અનેક પ્રકારનાં તત્ત્વો છે. આપણા વાતાવરણમાં પડેલાં આ અનેકવિધ તત્ત્વોનું જ્ઞાન મેળવવાની માણસને સ્વાભાવિક રીતે જિજ્ઞાસા થાય છે. કેવળ જિજ્ઞાસાના સંતોષ ખાતર જ નહિ, પણ ઉપયોગિતાની દૃષ્ટિએ પણ આ બધાનું જ્ઞાન મેળવવાનો માણસ પ્રયત્ન કરે છે. આમ, જગતના અનેકવિધ પદાર્થના સ્વરૂપના જ્ઞાનની જિજ્ઞાસા તેમજ ઉપયોગિતાને લીધે જુદાં જુદાં વિજ્ઞાનો અસ્તિત્વમાં આવે છે. વિજ્ઞાનના સ્વરૂપ અંગે નીચેનો મુદ્દો ખાસ નોંધપાત્ર છે. કોઈ પણ એક વિજ્ઞાન બીજા વિજ્ઞાનથી અભ્યાસવિષયની બાબતમાં જુદું પડે છે પણ બધાં વિજ્ઞાનો અભ્યાસની પદ્ધતિની બાબતમાં એકસરખું વલણ ધરાવે છે, એટલે કે બધાં વિજ્ઞાનોમાં જ્ઞાનની સામગ્રી એકઠી કરવા માટે તેમજ અમુક સિદ્ધાંત સત્ય છે કે અસત્ય. એ નક્કી કરવા માટે નિરીક્ષણ અને પ્રયોગની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આમ, એ સ્પષ્ટ થશે કે જે બાબતનું પંચજ્ઞાનેન્દ્રિયો દ્વારા નિરીક્ષણ થઈ શકે નહિ તેનો વિજ્ઞાનમાં અભ્યાસ થઈ શકે નહિ. દા.ત., ઈશ્વર કે આત્માનું વિજ્ઞાન હોઈ શકે નહિ, કારણ કે ઈશ્વર કે આત્માને ઇન્દ્રિયો વડે જોઈ શકાતા નથી. જેનું ઇન્દ્રિયો વડે નિરીક્ષણ થઈ શકે તેનો જ અભ્યાસ કરવો એવી વિજ્ઞાન માત્રની પદ્ધતિગત પ્રતિજ્ઞા છે. ધર્મ અને વિજ્ઞાનના સંબંધ અંગે એક જ વાક્યમાં કહેવું હોય તો એમ કહી શકાય કે વિજ્ઞાન અને ધર્મ એકબીજાથી જુદાં જરૂર છે, પણ તેમની વચ્ચે એકબીજાના વિરોધી હોવાનો નહિ પણ એકબીજાના પૂરક હોવાનો સંબંધ છે. નીચેના મુદ્દાઓ પરથી આ હકીકતની સ્પષ્ટતા થશે : 1. કેટલીક વાર એવો મત રજૂ કરવામાં આવે છે કે ધર્મ અને વિજ્ઞાન એકબીજાનાં વિરોધી છે. વિજ્ઞાનને આધુનિક યુગમાં જે સિદ્ધિ મળેલી છે અને તેને લીધે તેની જે પ્રતિષ્ઠા છે તેને કારણે કેટલાક લોકો ધર્મ શું છે એ જાણ્યા સિવાય ધર્મથી વિમુખ બનતા જાય છે, તો કેટલાક લોકો પોતાના ખાનગી જીવનમાં ધર્મનું પાલન કરે છે પણ જાહેર જીવનમાં તેનો ઉલ્લેખ કરતાં સંકોચ કે શરમ અનુભવે છે. આમ, ધર્મ અને વિજ્ઞાન વચ્ચે વિરોધ છે એ મતની માણસના વ્યક્તિગત અને સામાજિક જીવન પર ઘણી જોરદાર અસર પડે છે અને તેથી એ મતની અસ્વીકાર્યતા સ્પષ્ટ કરવાનું કારણ આપણા માટે ખાસ જરૂરી બને છે. ધર્મ અને વિજ્ઞાન વચ્ચે વિરોધ છે એ મત રજૂ કરનારાઓ એ ભૂલી જાય છે કે ધર્મ અને વિજ્ઞાન એ બંનેનાં કાર્યક્ષેત્ર અને પદ્ધતિ એકબીજાથી ભિન્ન છે અને તેથી તેમની વચ્ચે વિરોધ થવાની ખરી રીતે તો કોઈ સંભાવના જ નથી. ધર્મ એ વ્યક્તિએ પોતે પોતાની આધ્યાત્મિક ઉન્નતિ માટે જીવવાનો જીવન-માર્ગ છે, જ્યારે વિજ્ઞાન એ આ જગતના કોઈ ઇન્દ્રિયગમ્ય વિષયનું નિરીક્ષણ અને પ્રયોગની પદ્ધતિથી