________________ ધર્મતત્ત્વવિચાર 3. 1. જર્મનીના સુવિખ્યાત તત્ત્વચિંતક હેગલે ધર્મનું લક્ષણ નીચે પ્રમાણે આપેલું છે : “માણસના મર્યાદિત મન (આત્મા) પાસે પોતાના અમર્યાદિત મન (આત્મા) તરીકેના સ્વભાવનું જે જ્ઞાન છે તે જ ધર્મ છે.”૨૦ વિશ્વવિખ્યાત તત્ત્વચિંતક ઈમેન્યુઅલ કૅન્ટે ધર્મનું લક્ષણ નીચે પ્રમાણે આપેલું છે : “બધાં કર્તવ્યોનો પરમાત્માની આજ્ઞાઓ તરીકે સ્વીકાર કરવામાં ધર્મ રહેલો છે.૨૧ મૅથ્ય આર્નોલ્ડ પણ કેન્ટની પેઠે જ નૈતિક સંદર્ભમાં ધર્મનો વિચાર કરીને જણાવે છે કે, “ધર્મ એટલે ઊર્મિના સંસ્પર્શવાળી નીતિમત્તા.૨૨ ક્લિઅરમાખર નામના મહાન ધર્મતત્ત્વવેત્તા ધર્મનું લક્ષણ આપતાં જણાવે છે કે, “ઈશ્વર પ્રત્યેની સંપૂર્ણ શરણાગતિની લાગણીમાં ધર્મનું હાર્દ રહેલું છે.”૨૩ આધુનિક ધર્મમીમાંસક ડી. એમ. એડવર્ડ્ઝ ધર્મનું સ્વરૂપ સમજાવતાં લખે છે કે, “ધર્મ એ માત્ર માન્યતાનો વિષય નથી, બધાં મૂલ્યોના અધિષ્ઠાનરૂપ એક અલૌકિક તત્ત્વ છે એમ માનીને બેસી રહેવાનું અહીં શક્ય જ નથી. પૂજા, પ્રાર્થના દ્વારા આ તત્ત્વની સાથે લાગણીગત સંબંધ બાંધીને તેમજ સેવાભાવનાનાં કર્મો દ્વારા આ તત્ત્વને પ્રસન્ન કરીને પોતાના સમગ્ર જીવનમાં આ અલૌકિક તત્ત્વ સાથેની એકતા અને સંવાદિતા સ્થાપવામાં ધર્મનું હાર્દ સમાયેલું છે.”૨૪ ધર્મનું લક્ષણ આપવાના પશ્ચિમના વિવિધ તત્ત્વચિંતકોએ કરેલા ઉપરના પ્રયત્નોની સમીક્ષા કરતાં એ સ્પષ્ટ થશે કે હેગલે ધર્મના જ્ઞાનાત્મક પાસા પર, કેન્ટ અને મૅન્યુ આર્નોલ્ડ ધર્મના નૈતિક પાસા પર, ક્લિઅરમાખરે ધાર્મિક જીવનના અંગરૂપ ભક્તિ પર અને ડી. એમ. એડવર્ડ્ઝ ધાર્મિક જીવન માણસના સમગ્ર વ્યક્તિત્વને આવરી લે છે એ હકીકત પર ભાર મૂકેલો છે. ધાર્મિક જીવનમાં જ્ઞાન, ભક્તિ અને નીતિનું વિશિષ્ટ સ્થાન હોવાથી એમાંનો કોઈ એક અંગને ધ્યાનમાં રાખીને ધર્મનું લક્ષણ જરૂર આપી શકાય છે. આવાં લક્ષણો ધાર્મિક જીવનના અમુક અંગનું મહત્ત્વ સમજાવે છે એ એમનો ગુણ છે પણ તેમનાથી જાણ્યે-અજાણ્યે ધાર્મિક જીવનનાં બીજાં અંગોની અવગણના થાય છે એ એમનો મોટામાં મોટો દોષ છે. આમ, એ સ્પષ્ટ થશે કે ધર્મનું લક્ષણ આપતી વખતે ધાર્મિક જીવનના એકાદ અંગનો નહિ પણ તમામ અંગોનો વિચાર કરવો એ જ વધુ ઇચ્છવાયોગ્ય છે. એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે ઉપરના બધા અભ્યાસીઓમાં કેવળ ડી. એમ. એડવર્ડ્ઝ જ ધર્મનો સર્વાગીપણે વિચાર કરીને તેનું લક્ષણ આપેલું છે.