________________ ધર્મતત્ત્વવિચાર અહીં વૈરાગ્યનો અર્થ સ્પષ્ટ કરવો જરૂરી છે, કારણ કે કિશોરલાલ મશરૂવાળા કહે છે તેમ “વૈરાગ્યના અર્થની બાબતમાં કેટલીક ગેરસમજ ઊભી થયેલી છે. ઘણા સાધુઓ અને ભક્તો વૈરાગ્યનો અર્થ વ્યવહાર પ્રત્યે બેદરકારી એવો કરે છે; પરંતુ બિનજવાબદારી એ વૈરાગ્યનો પર્યાય નથી. વૈરાગ્યનો સાચો અર્થ છે ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં રાગ (આસક્તિ)નો અભાવ. આમ, વૈરાગ્ય એટલે વિષયભોગમાં અનાસક્તિ. ખરી રીતે જેને દૈવીતત્ત્વમાં પ્રેમ થાય છે તેને જગતના કોઈ પણ પદાર્થની આસક્તિ રહેતી નથી. કવિ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો “એવી કઈ વસ્તુ છે આ ભૂમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં.” ધાર્મિક જીવનમાં જે વૈરાગ્યની આવશ્યકતા છે તે વૈરાગ્ય જગતનાં દુઃખોના કંટાળામાંથી જન્મેલો નથી હોતો, પણ પરમાત્મા અને જગતના પદાર્થોના સ્વરૂપના સાચા જ્ઞાનમાંથી જન્મેલો હોય છે. યોગસૂત્રકારે પાડેલા “અપર' અને “પર” એવા વૈરાગ્યના ભેદ સમજાવતાં જૈન વિદ્વાન ઉપાધ્યાય યશોવિજયજી લખે છે કે વિષયમાં રહેલા દોષો જોઈને થયેલો વૈરાગ્ય “અપર' છે, જ્યારે વિષયસ્વરૂપ-દર્શનજન્ય વૈરાગ્ય પર” વૈરાગ્ય છે. 17 ધાર્મિક જીવન માટે જે વૈરાગ્યની જરૂર છે તે “પર” વૈરાગ્ય છે. આ પ્રકારના વૈરાગ્યવાળો માણસ વિવેકી અને તેથી અનાસક્ત હોય છે. દુન્યવી સુખદુઃખના પ્રવાહમાં તે ભાન ભૂલીને ઘસડાતો નથી. આથી કિશોરલાલ મશરૂવાળા લખે છે કે “જે વિચારશીલ માણસ એમ જુએ કે ઘડપણ, મરણ, રોગ, પ્રિયનો વિયોગ અને અપ્રિયનો યોગ એ પાંચ વિપત્તિઓ અનિવાર્ય છે, ક્યારેય પણ એ વિપત્તિઓનો મુકાબલો કર્યા વિના છૂટકો જ નથી થતો; આમ જોઈ એવી વિપત્તિઓ આવે ત્યારે પોતાની ધીરજ ડગે નહિ એવી રીતે જે પોતાના ચિત્તને દૃઢ કરી રાખે છે, તેનામાં વૈરાગ્ય છે એમ કહી શકાય.”૧૮ વિવેક ઉપરાંત સાદાઈ, નમ્રતા, તપપ્રિયતા વગેરે ગુણો પણ વૈરાગ્યના વ્યાપક અર્થમાં સમાઈ જાય છે. આ બધા ગુણો ધાર્મિક જીવનમાં અનિવાર્ય છે અને તેથી જ પ્રત્યેક ધર્મમાં વૈરાગ્યને પોષક એવાં તપ અને સંયમપ્રધાન વ્રતોનો મહિમા સ્વીકારવામાં આવે છે. ઉપસંહાર : આ રીતે આપણે જોઈએ છીએ કે ધાર્મિક જીવન ગાળતી કોઈ પણ વ્યક્તિના જીવનમાં જ્ઞાન, ભક્તિ, સદાચાર અને વૈરાગ્ય એ ચાર અંગો પૂર્ણ રીતે વિકસેલાં હોવાં જોઈએ. જગતના મહાન ધર્મો અને ધર્માત્માઓનાં જીવન તરફ દૃષ્ટિપાત કરતાં આપણને આ સત્યની પ્રતીતિ થાય છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ “વૈષ્ણવજન'માં ગણાવેલાં વૈષ્ણવ કે ભક્તનાં લક્ષણોમાં ધર્મનાં આ ચારેય પાસાંનો ઉલ્લેખ થયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રી સ્વામિનારાયણે (સહજાનંદ સ્વામીએ). ધાર્મિક જીવનનાં આ ચાર અંગોનું લક્ષણ આપીને તેમની વચ્ચેના સંબંધ અંગેની જે સ્પષ્ટતા કરેલી છે તે અહીં ખાસ નોંધપાત્ર છે. 19