________________
૩૨
અનિત્ય ભાવના જાય છે.
વિષય સુખોની પાછળ માનવી પાગલ બન્યો છે. સારાસારનો વિવેક પણ ભૂલી ગયો છે. પણ આ સુખોમાં જરાપણ સુખ નથી. કદાચ ક્ષણિક સુખ દેખાય તો પણ પાછળ તો દુઃખ જ રહેલું છે. કંપાક ફળના ભક્ષણ જેવું વિષય સુખ છે.
પાંચે ઈન્દ્રિયોના વિષય સુખો અનિત્ય છે એમ કહી જ્ઞાની પુરૂષો જીવોને વિષયાસક્તિ તોડવાની પ્રેરણા કરે છે. વિષય સુખ જેમ જેમ ભોગવે છે તેમ તેમ તેની તૃષ્ણા વધે છે સમુદ્રનું પાણી પીવાથી જેમ તૃષા વધ્યા કરે તેમ. વળી ઈન્દ્રિયો પણ નાશવંત અનિત્ય છે એનું ચિંતન સાથે સાથે કરવું.
પરિપૂર્ણ લાગતી ઈન્દ્રિયોને ક્યારે હાનિ પહોંચે એનો કોઈ ખ્યાલ આવે નહિ. માટે સતત ઈન્દ્રિયોની ચંચળતાનો વિચાર કરવો જેથી વિષયલોલુપતાથી બચી શકાય.
જે જે પદાર્થોમાં ઈન્દ્રિયો રત બને છે. તે-તે પદાર્થો પણ અનિત્ય રહેલા છે. આજે જે ગમે છે કાલે તે અણગમતા બને છે. આજે જે વ્યક્તિ પ્રિય લાગે છે એજ વ્યક્તિ ક્યારેક અપ્રિય લાગે છે. યોગશાસ્ત્રમાં પણ જણાવ્યું છે કે
यत्प्रातस्तन्नमध्याह्ने यन्मध्याह्ने न तन्निशि निरीक्ष्यते भवेस्मिन्हि पदार्थानामनित्यता.
જે પ્રાતઃ કાળે દેખાય છે તે મધ્યાત કાળે નથી જે મધ્યાહે દેખાય છે તે રાત્રિએ નથી આજ ભવમાં જુઓ ખરેખર પદાર્થોની કેવી અનિત્યતા છે.
સવારે ખીલેલું ફૂલ સાંજે કરમાઈ જાય છે. ઉગવું અને આથમવું એ ક્રમ સતત ચાલ્યા જ કરે છે. સૂરજને પણ સાંજ પડે ડૂબી જવું પડે છે. જે ચડે છે તે પડે છે. જે ઊગે છે તે આથમે છે. જે ભરાય છે તે ખાલી થાય છે.
બસ આ પ્રમાણે ચિંતન અનિત્યતાનું કરવાનું છે. હવે છઠ્ઠી વાત આવે છે. સંબંધોની અનિત્યતા. સંસારના સંબંધો છે ઈન્દ્રજાળ જેવા.
મિત્ર-સ્ત્રી-સ્વજન આદિના સંગમથી જે સુખ થાય છે તે સ્વપ્ન જેવું ઈદ્રજાળ જેવું હોય છે. સંબંધો પણ કાયમ શાશ્વતા નથી. ક્યારે સંબંધો છૂટી જશે એની ખબર નહિં પડે. આજે જે માતા-પિતા-ભાઈ-પત્ની તરીકેના સંબંધો હોય પણ તે સંબંધો સ્થિર નથી. સ્વપ્ન જેવા સંબંધો છે.