________________
૧૨૦
અન્યત્વ ભાવના
હે આત્મન્, આ જગતમાં એવી કદર્ચના પીડા કે દુ:ખ છે કે જે તેં સહન ન કરી હોય. પશુ અને નરકપણામાં તું વારંવાર હણાયો છે. તારા ટુકડે ટુકડા કરાયા છે. તે બધું જ પરપદાર્થોની આસક્તિના કારણે બન્યું છે અરે, ખેદ અને દુ:ખની વાત છે કે એ બધું જ ભૂલી ને પાછો તું મૂઢતા આચરીને ત્યાં જ (પરપદાર્થોમાં) આનંદ પામે છે. કેમ તું લાજી મરતો નથી ?
શાન્તસુધારસકાર અહિં જીવને થોડો ઉપાલંભ આપે છે. હે મુરખ ! તું કેમ લજ્જા પામતો નથી. તને શરમ આવવી જોઈએ. કેમ ? જો સાંભળ અત્યાર સુધીમાં તે જે દુઃખ-ત્રાસ અને પીડા સહન કરી તે બધી જ પુદ્ગલના કારણે જેમ-જમ પુદ્ગલ ઉપર રાગ વધતો ગયો તેમ તેમ દુઃખ વધતુ ગયું. નરક અને તિર્યંચ ગતિમાં સેંકડો દુ:ખો સહન કર્યા. કેટલીયે વાર તું કપાયો-છેદાયો એનું કારણ છે ભૌતિક સુખમાં મગ્નતા. હવે તું જરા વિચાર કે આટલો ત્રાસ પડયો, માર પડ્યો છતાં તારા મનોભાવ કેવા છે ? જુઓ તમને એક રૂપક કહું.
એક સાકરના પાણીથી ભરેલ ગ્લાસ પડેલ છે. તમે વિચારો છો કે થોડીવાર પછી જેલપાન કરૂં. ત્યાંજ નજીકમાં રહેલ દરમાંથી એક કીડી નીકળી. સાકરની સુગંધ એને આવી. કીડીને આમેય યોજનગંધી તરીકે ઓળખવામાં આવે છે. યોજન દૂરથી ગંધને ઓળખી શકે.
ધીમે ધીમે કીડી ગ્લાસ સમીપે આવે છે. મીઠાશ માણવા અને મેળવવાની અદ્રશ્ય ઈચ્છાથી ગ્લાસ ઉપર ચડે છે અને ઉપર ચડીને મીઠાશ લેવા પાણીમાં ખાબકે છે. અને પછી તરફડીયાં મારે છે. મીઠાશ તો બાજુએ રહી પણ બચવાની કોશિષ કરે છે. એ વખતે એકાએક તમારી નજર પાણીમાં જાય એટલે . દયાળુ એવા તમે ધીમે રહીને આંગળી દ્વારા કીડીને બહાર કાઢી એક બાજુ મુકી દો. થોડી વારમાં કીડી સ્વસ્થ બની જાય ! હવે હું તમને પુછુ છું કે આ કીડી કઈ તરફ જશે ?
સભા - ફરીથી ગ્લાસ તરફ જ જશે ?
એક વાર કીડીને કડવો અનુભવ થઈ ગયો છે છતાં એ ભૂલીને ફરી ત્યાં જ જાય. આ એની મૂર્ખતા છે. પણ કીડી અજ્ઞાની છે.
સાચું કહેજો કે સંસારમાં અનેક પ્રકારની વિટંબણા અનુભવતા તમારી ગતિ કઈ ? તમે પાછા ક્યાં જાઓ ?
સભા - સાહેબ, એ તો કહેવા જેવું નથી.