________________
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧
૨૦૧ (૬) સમસ્ત ગુણ પર્યાયોના આશ્રયભૂત આત્માના અસંખ્ય પ્રદેશરૂપ ક્ષેત્ર હોવાના કારણે આત્મા અધિકરણ છે.
વ્યાકરણના નિયમાનુસાર કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ છ એ રીતોમાં આત્મા ઘટે છે. આત્મા સર્વત્ર વ્યાપી છે. આવા આત્માનું સતત ચિંતન કરવું. જેથી કરીને આત્મા અને દેહનું ભેદજ્ઞાન દેઢ થાય. એટલે શરીર ઉપર આવતી આપત્તિઓ હસતાં મોઢે સહન કરી શકાય કેમકે આત્મા છેદાતો નથી, ભેદતો નથી, નાશ પામતો નથી અને મરતો નથી, એટલે શરીર પર આવેલી આપત્તિઓથી આત્માનું કંઈ બગડતું નથી.આ પ્રમાણે વિશુદ્ધ આત્મ સ્વરૂપનું ચિંતન કરવું. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ સંવર ભાવનાનું સમાપન કરતાં જણાવે છે કે જિનેશ્વર ભગવંતોના ચરિત્રોને ગાવાં જોઈએ. જિનેશ્વર પ્રભુના જન્મ, દીક્ષા વિગેરે કલ્યાણકોના માધ્યમથી એમનાં ચરિત્રો ગાવાં વડે મુખ અને જિલ્લાને પાવન કરવી.
યાદ રાખો, આપણે સંવર ભાવનાનું ચિંતન કરી રહ્યા છીએ. આત્માની અંદર પ્રવેશ કરતાં કર્મોને રોક્વા તેનું નામ સંવર. જિનેશ્વર પ્રભુનાં જીવન ચરિત્રોના શ્રવણથી વાંચનથી અને કથનથી આવતાં એવા કર્મોને રોકી શકાય છે. ગ્રન્થકાર ભગવંત આપણને પ્રેરણા કરે છે. જિન ચરિત્રોના ગાનથી તારા મોંઢાને અલંકૃત કર. તારી જીભને પાવન કર. જેથી કરીને તું શાંતિ, સમતા અને ઉપશમરસનું પાન કરી શકીશ. શાંત સુધારસનો આસ્વાદ માણી શકીશ. શાંત સુધારસના આસ્વાદથી લાંબા કાળ સુધી આનંદની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે સંવર ભાવનાનું ચિંતન પૂર્ણ થાય છે. સંવર ભાવનાને કેવી રીતે ભાવશો?
હું ક્યારે પરિગ્રહ છોડીશ. હું ક્યારે ઘર છોડીને અણગાર બનીશ.
હું ક્યારે અનશન કરી સમાધિ-મૃત્યુને વરીશ આ પ્રમાણેની ભાવના ભાવતાં ભાવતાં સુખ કે દુઃખમાં, લાભ કે અલાભમાં, પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં, જીવન કે મૃત્યુમાં, શત્રુ કે મિત્રમાં, માટી કે સુવર્ણમાં સમભાવને ધારણ કરવો જોઈએ. આ પ્રમાણ સંવર ભાવનાનું ચિંતન કરતાં કરતાં વહેલામાં વહેલી તકે જીવ પરમ પદને પ્રાપ્ત કરે એ જ અભ્યર્થના.
ઉપાધ્યાયવિનયવિજયજીવિરચિત શાન્ત સુધારસગ્રન્થની આઠ ભાવનાનું વર્ણન આચાર્યશ્રી વિજય રત્નચંદ્રસૂરીશ્વરજી મ. એ કરેલ તે સમાપ્ત થયું