________________
૧૪૦
અશુચિભાવના કરી. ધીમે ધીમે લાડકોડથી દિકરો ઉછરવા લાગ્યો. પ-૬ વર્ષની ઉંમરે નાનાનાના બાળકો સાથે શેઠ પુત્ર પણ રમવા લાગ્યો. બાળ સુલભ ચેષ્ટાઓ અને રમતમાં એક વાર ગામના ગોંદરે પહોંચી જાય છે. શેઠે પોતાના પુત્રની સંભાળ રાખવા માટે એક નોકર રાખ્યો હોય છે. તે નોકર બાળકને રમવા લઈ જાય અને એની સંભાળ રાખે.
હવે એક વખત બન્યું એવું કે ગામના ગોંદરે રમતા બાળકોને જોઈ ત્યાં એક ચોર આવ્યો. ચોરની નજર હંમેશા ઘરેણા ઉપર જ હોય અને પોતાનું કાર્ય કરવા માટે કોઈ સારા-નરસાનો વિચાર પણ ન કરે. એની દ્રષ્ટિ હંમેશા માલ ક્યાં મળશે એની તરફ જ હોય.
આ શ્રેષ્ઠિ પુત્રના શરીર ઉપર સુવર્ણ અલંકારો સારા પ્રમાણમાં હતા. હાથમાં, ગળામાં કિંમતી સુવર્ણ અલંકાર જોઈ ચોરનું મન પીગળ્યું. ગમે તેમ કરી આ દાગીના તફડાવી લઉં પણ એની કારી ફાવી નહિ કેમકે શ્રેષ્ઠિપુત્રની સંભાળ રાખનાર નોકર ત્યાં હાજર હતો.
છતાં ચાલાક ચોર રમત નિહાળવામાં જાણે તલ્લીન બની ગયો હોય એવો દેખાવ કરવા લાગ્યો અને નોકર પણ રમત જોવામાં એકાગ્ર થયો એટલે એની નજર ચુકવી શ્રેષ્ઠિપુત્રને ઉપાડીને ચોર ભાગ્યો. નજીકમાં જ એક અંધારીયો કૂવો હતો ત્યાં જઈ બાળક બૂમાબૂમ કરી મૂકશે એ ભયે બાળકનું ખૂન કરી નાંખ્યું અને દાગીના લઈને લાશને કૂવામાં નાખી દીધી. એક અકાર્ય અન્ય અકાર્ય કરાવે.
ઘણી માન્યતા અને ઈચ્છાઓની પૂર્તિ કરનાર એકનો એક પુત્ર આમ અકાળે ઉપડી જાય એ કંઈ સામાન્ય ઘટના નથી. શેઠાણી હૈયાફાટ રૂદન કરે છે. કેટલા અરમાનો સેવ્યા હતા. કેટલી ઈચ્છાઓ કેળવી હતી જેના આગમને ઘરને મહેલ કર્યું હતું. એ બાળકનું એકાએક ખૂન થઈ જાય તો કંઈ માને આઘાત ન લાગે.
બાળક એટલે આનંદનું પ્રતિક બાળક એટલે માતાનું હૃદય બાળક એટલે મુગ્ધતા.
જેને બાળપુત્રનો વિયોગ થાય એને જ ખબર પડે કે પુત્ર વિયોગનું દુઃખ એ શું છે?