________________
૧૩૮
અશુચિભાવના
હાડકા-મળ મૂત્ર-પરૂ-લોહી શ્લેષ્મ અને વીર્ય ભરેલા છે. અપવિત્ર પદાર્થથી શરીર ગંદુ છે. આ શરીરને ગમે તેટલું સાફ કરો તો પણ એ પવિત્ર નહિ થાય. શરીરમાં તમે જે ભોજનપાણી નાંખો છો તે ગંદકી પેદા કરે છે. દુનિયાની ફેક્ટરી તો હજુય સારી કહેવાય કે એમાં ગંદો કચરો કાચોમાલ (રોમટિરિયલ) નાંખવામાં આવે અને જ્યારે એનું ઉત્પાદન(પ્રોડકશન) થાય ત્યારે માલ સ્વચ્છ મનોરંજક હોય છે. જ્યારે શરીર ફેક્ટરીમાં તમે સારો તાજો માલ પધરાવો છો અને જ્યારે તેનુ પ્રોડક્શન ! જોવું પણ ન ગમે.
આવા શરીર ઉપર-રૂપ ઉપર જીવ રાગાંધ બનીને ન કરવાના પાપો કરી બેસે છે. પણ ધ્યાનમાં રાખશો કે રૂપ પણ ક્યારે કુરૂપ બની જશે એટલેજ વિચારો....
“રૂપમાં બૂઢાપાનું દર્શન કરો.
મીઠાઈમાં વિષ્ટાનું દર્શન કરો
કપડામાં ચીંથરાનું દર્શન કરો.”
તો તે તે પદાર્થો ઉપર રાગ નહિ જાગે. કેમ કે અધૂરૂ દર્શન જ રાગવિકાર જગાવે છે.
ટુંકમાં શરીર નાશવંત છે એક વખત તમને દગો આપીને જવાનું છે માટે દેહાધ્યાસ તોડવાનો છે. તું શરીરને અપવિત્ર અને કુત્સિત સમજ. મળમૂત્રનું ઘર અને દુર્ગંધમય આ શરીર છે એવું ચિતન કરવાનું છે. વળી આ શરીરને ગમે તેટલું ચોખ્ખુ કરવામાં આવે તો પણ તે અપવિત્ર થઈ જાય છે. સારી રીતે માવજત કરવા છતાં તે રોગગ્રસ્ત બની જાય છે. જુઓ ગ્રન્થકાર જ આ બાબતમાં શું જણાવે છે
स्नायं स्नायं पुनरपि पुनः स्नान्ति शुद्धाभिरद्भि : वारंवारं बत मलतनुं चन्दनै रचर्यन्ते । मूढात्मानो वयमपमला प्रीतिमित्याश्रयन्ते नो शुद्धयन्ते कथमवकरः शक्यते शोद्धमेव ॥ २ ॥
મૂઢાત્મન વારંવાર સ્નાનાદિ કરીને શરીરને સ્વચ્છ કરે છે. ચંદનનો લેપ કરીને પોતાની જાતને નિર્મળ માને છે કે અમે અપમલ (સ્વચ્છ) છીએ પરંતુ આ માત્ર ભ્રમણા જ છે કેમ કે ઉકરડો કેમેય કરીને સ્વચ્છ કરી શકાતો નથી-૨