________________
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
૧૫૫
છે. જ્યારે તત્ત્વદ્રષ્ટિ મનુષ્ય એને જ કૂતરાઓને, કાગડાઓને ખાવા યોગ્ય કૃમિથી ભર્યું ભર્યું ભોજન માને છે.
શરીર ગંદા પુદ્ગલની અપવિત્રતાથી ભરેલું છે. તેના સંપર્કમાં આવનાર પદાર્થોને પણ તે ઘૃણાસ્પદ બનાવી દે છે. મિષ્ટાન્નને વિષ્ટા અને દૂધને મૂત્ર બનાવી દે છે. પરંતુ એમાં એક સારભૂત તત્ત્વ છે તે છે- મોક્ષ માર્ગની આરાધના કરવાનું સામર્થ્ય !!!
માનવદેહમાં મોક્ષ પ્રાપ્તિની આરાધનાનો પુરુષાર્થ કરવાનું સામર્થ્ય છે. માટે શરીરના માધ્યમ દ્વારા મોક્ષ પ્રાપ્તિ માટે જીવે પ્રયત્નશીલ રહેવું. જ્ઞાની ભગવંતોએ મોક્ષ પ્રાપ્તિના દશ અધિકારો બતાવ્યા છે.
અશુચિ પુદ્ગલના સમૂહ રૂપ આ શરીર દ્વારા જ એ અધિકાર અનુસાર પ્રયત્ન કરવો જોઈએ. એ દશ અધિકારના નામ આ પ્રમાણે છે.
(૧) અતિચારની આલોચના (૨) ગુરૂની સાક્ષીએ વ્રત ગ્રહણ કરવા (૩) ચોરાશી લાખ યોનિના સર્વ જીવોને ખમાવવા (૪) અઢાર પાપસ્થાનક વોસિરાવવા (૫) ચાર શરણ ગ્રહણ (૬) દુષ્કૃત ગર્હા (૭) સુકૃતની અનુમોદના (૮) શુભ ભાવમાં રમણતા રાખવી (૯) આહારત્યાગ (અણસણ) (૧૦) નવકારમંત્રનું સતત રટણ
હે ચેતન ! આવું ઉત્તમ અને દેવો કરતાં પણ સુંદર (મોક્ષ પ્રાપ્તિ હોવાથી) એવા આ શરીરને પ્રાપ્ત કરીને તું વિચાર કર કે તને ઘણું બધુ મળી ગયું છે. એટલે જ નિર્દોષ એવા જિનાગમરૂપી જલાશયને બરાબર જાણી લે. અને તે આગમમાં જ તું સ્નાન કરીને શુદ્ધ બન. અને શાન્તસુધાના રસનો ભોક્તા બન.
તત્વજ્ઞાન
પહેલા આરામાં ૧૦ હજાર વર્ષે એક વાર વરસાદ પડે. બીજા આરામાં ૧ હજાર વર્ષે એક વાર વરસાદ પડે. ત્રીજા આરામાં ૧૦૦ વર્ષે એક વાર વરસાદ પડે. ચોથા આરામાં ૧૨ વર્ષે એક વાર વરસાદ પડે. પાંચમા આરામાં દર વર્ષે એક વાર વરસાદ પડે. એટલે એ એ આરાની ભૂમિમાં એટલી શક્તિ છે. વિચારજો કે તમારા હૈયાની ધરતી કેવી છે ? વીતરાગ વાણીનું પાણી તમારે દ૨૨ોજ જોઈએ.