________________
૧૧૫
શાન્તસુધારસ વિવેચન - ભાગ-૧
આત્માથી પુદ્ગલ અન્ય છે આવું ભેદ જ્ઞાન ભેજામાં ઉતારવું પડે છે.
ટુંકમાં આ પુદ્ગલથી કશું જ સુખ નથી માટે એના મોહને છોડવો જોઈએ. મુંબઈનું એક દ્રષ્ટાંત તમને કહું.
મુંબઈમાં શ્રેષ્ઠિવર્ય શ્રી માણેકલાલ ચુનીલાલને ત્યાં ઘર દેરાસર હતું. દરરોજ ત્રિકાળ ભક્તિ કરે. ખૂબ જ ધર્મિષ્ઠ અને ભાવુક આત્મા હતા. દયા ક્ષમા અને નમ્રતાનો અભૂત ગુણ હતો.
એક વાર એક ગૃહસ્થ ત્યાં દર્શન કરવા આવ્યો. દર્શન કરીને બહાર નીકળતાં પહેલા કોઈ ન દેખે તેમ ત્યાં રહેલ રૂા. ૮૦ હજારની કિંમતની રત્ન પ્રતિમા ઉઠાવી લે છે. પણ ચતુર માણેક શેઠની નજર બહાર આ દ્રશ્ય ન રહ્યું. તેઓ તરત જ કળી ગયા કે આ દુઃખિયારો સાધર્મિક છે.
શેઠ માણેકલાલે એ ચોરને પ્રેમથી બોલાવ્યો. સાધર્મિક ભક્તિનો લાભ આપવાનો અપૂર્વઆગ્રહ કર્યો. શેઠનીવાત પેલો ટાળી ન શક્યો. જુઓ શેઠની કેવી ઉદારતા છે ! ચોર તરીકે જાણવા છતાં કશું કહેતા નથી. એને પ્રેમથી જમાડે છે અને વાતવાતમાં જાણી લે છે કે જુગાર રમતાં રમતાં ૮૦,૦૦૦ રૂા. ગુમાવ્યા છે.
આ વાત જાણીને તરત જ શેઠે રૂા. એંશી હજાર રોકડા એના હાથમાં મુક્યા અને કહ્યું કે જો ભાઈ હવે પછી ક્યારે ય જુગાર રમીશ નહિ અને જ્યારે પણ મુશ્કેલી પડે તો આવી જજે મારી પાસે.
પેલો ચોર તો.. કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો. શેઠના પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. શેઠજી! મને માફ કરો હું તમારો ગુનેગાર છું. મેં ભગવાનની ચોરી કરી છે. તમારા જેવા મહાપુરૂષને હું ઓળખી ન શક્યો. આજ પછી હું ક્યારે પણ જીવનમાં જુગાર રમીશ નહિ અને એના જીવનનું પરિવર્તન થઈ ગયું.
પુદ્ગલનો રાગ ઓછો હોય તો જ આ શક્ય બને છે. જરા વિચારી જો જો કે માણેકલાલ શેઠની જગ્યાએ તમે હોત તો શું કરત! સભા - મારી મારીને હાડકાં ખોખરા કરી નાંખીએ. બસ એજ સુચવે
છે કે પુદ્ગલ ઉપર કેટલો રાગ છે તમને! આત્માથી ભિન્ન એવા પુગલોનો પ્રવેશ આત્મદ્રવ્યમાં થવાથી આત્માની સ્થિતિ બગડી ગઈ.