________________
૧૧૪
અન્યત્વ ભાવના
જ્ઞાની ભગવંતો જણાવી ગયા છે કે આત્મા અને કર્મ જુદા છે. આત્મા અપૌદ્ગલિક છે, કર્મ પૌદ્ગલિક છે. આત્મા અરૂપી છે. કર્મ રૂપી છે. અનાદિ કાળથી કર્મ આત્મા સાથે જોડાયેલ છે. ક્ષીર-નીરની જેમ એકમેકમાં મળેલા છે. અનંત શક્તિવાળા આત્માને કર્મ જુદા જુદા નાચ નચાવે છે. અજર, અમર અને અચલ આત્મામાં પ્રવેશ કરીને કર્મ-રાજાએ આત્માને મોટી પછડાટ આપી
છે.
જે આત્માએ ક્યારે પણ મરવાનું નથી તેના લમણે અનંત જન્મમરણ નોંધાઈ ગયા. અરે ! એક શ્વાસોશ્વાસમાં સાડી સત્તર જન્મ-મરણ આપી દીધા. જેને ક્યારેય ઘરડો થવાનું નથી એના નસીબમાં ઘડપણ આવી ગયું. જેને ક્યારે રોગી નથી બનવાનું તેને રોગગ્રસ્ત કરી નાખ્યો. અરે ! અનંતજ્ઞાની આત્મા અજ્ઞાની બની ગયો. પરમ સુખી મહાદુઃખી થઈ ગયો. આ બધું બનવાનું કારણ છે કર્મનો પ્રવેશ.
સુખ-દુઃખ-આધિ-વ્યાધિ-ઉપાધિ-રોગ-શોક જન્મ-મરણ આ બધું જ કર્મના કારણે જ થાય છે.
આત્મા અને કર્મ જુદા છે.
હવે તમારે એ સમજવાનું છે કે આત્મા અને કર્મ બન્ને જુદા છે. ભિન્ન છે. હું કર્મોથી ભિન્ન છું કર્મો મારાંથી જુદા છે. કર્મ પુદ્ગલ છે. આત્મા અને કર્મો એ બન્નેના માર્ગ ન્યારા છે. આવા જ્ઞાન પાછળ ઉદ્દેશ એ છે કે પુદ્ગલ પ્રત્યે માયા ન બંધાય. આજકાલ પુદ્ગલ પાછળ તમે ગાંડા બની ગયા છો. એટલે ક્યારેક ઉદ્દેશ ન હોવા છતાં વાતચીત દરમ્યાન પુદ્ગલ રાગ છતો થાય છે. જુઓ
૫૦ તોલા દાગીના શરીર ઉપર ચડાવીને લગ્નમાં જઈ રહેલ પત્નીને શું કહેશો તમે ? અલિ, દાગીના સાચવજે ?
મતલબ ! પત્નિ જાય એની ચિંતા નહિ દાગીના સચવાવા જોઈએ. પુદ્ગલથી જ ક્રોધ-માન-માયા-લોભ કામ-ઈર્ષ્યા-નિંદા આદિ પેદા થાય છે. પુદ્ગલના સંગથી જ જન્મ-જરા-મરણ આવે, પુદ્ગલ પ્રેમથી જ કર્મબંધ
થાય.
જો વિકારનો વિનાશ કરવો હોય, વિષય વાસનાથી મુક્ત બનવું હોય તો પુદ્ગલ પ્રેમ છોડવો જ રહ્યો.