________________
શાન્ત સુધારસ વિવેચન- ભાગ-૧
૧૧૧
તારા દુઃખમાં કોઈ ભાગીદાર બન્યું નથી. “પ્રશમરતિ' નામના ગ્રન્થમાં બતાવ્યું છે કે જીવ જ્યારે ક્ષપકશ્રેણી માંડે છે ત્યારે અનંત ગણાવિશુદ્ધ ભાવોમાં વર્તે છે. એ વખતે જગતના તમામ જીવોના કર્મો જો એની પાસે આવી જાય તો બળીને ભસ્મીભૂત થઈ જાય. પણ એવું બનતું નથી કે કોઈના કર્મો કોઈ ભોગવે. - એકલો જ જીવ મરે છે, નરકમાં એકલો જ દુઃખ ભોગવે છે અને
સ્વર્ગમાં પણ એકલો જ જાય છે. મનુષ્યગતિમાં અગર પશુયોનિમાં પણ એકલો જ જાય છે.
માટે આત્મહિત પણ એકલાએ જ કરી લેવું. અનંત કાળ સંસારમાં વીતી ગયો હવે આત્મહિત કરી લેવું જોઈએ. આરાધના કરવી છે પણ એકલા એકલા ન ફાવે. તપ કરવો છે પણ સાથે કોઈ જોઈએ વિગેરે બહાનાબાજીને છોડીને એકાકી જ આરાધનામાં લાગી જાવ.
એગોહે નલ્થિ મે કોઈ નાહ મનસ્સ કસ્સઈ”- હું એકલો જ છું. મારું કોઈ નથી અને હું કોઈનો નથી. આ પ્રમાણે ભાવના આત્મસાત્ કરવી અને આત્મહિત માટે પ્રયત્ન કરી પરંપરાએ શાશ્વત મોક્ષ સુખ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. શરાબી માણસને જેમ સારાસારનો વિવેક હોતો નથી તેમ પરભાવમાં રત માણસનો વિવેક પણ ચાલ્યો જાય છે. તે શૂન્યમનસ્ક બની જાય છે.
- પાંચમી ગેય ગાથામાં ઉપાધ્યાયજી જણાવે છે કે..પરભાવમાં આત્મા પોતાનું સ્વરૂપ પણ ગુમાવી બેઠો છે. આત્માનું સ્વરૂપ શુદ્ધ-વિશુદ્ધ છે. જેમ સોનું શુદ્ધ અને પવિત્ર હોય છે પણ જો પિત્તળ જેવી હલકી ધાતુમાં ભળી જાય તો પોતાનું નિર્મળ રૂપ ગુમાવી બેસે છે એજ રીતે આત્મા સંસારના ચક્કરમાં ફસાઈ ગયો છે. પુદ્ગલના મોહમાં જકડાઈ ગયો છે. પુદ્ગલ રૂપી છે જ્યારે આત્મા અરૂપી છે એને પુગલનો સંગ કોઈ રીતે યોગ્ય જણાતો નથી. છતાં અનાદિના સંસ્કારના કારણે જીવ ત્યાં ખેંચાઈ જાય છે.
કર્મના કારણે જીવ આ રંગભૂમિ ઉપર જુદા જુદા ખેલ કરે છે. ક્યારે પશુ તો ક્યારે દેવ ક્યારેક નરક તો ક્યારેક માનવનું રૂપ ધારણ કરે છે તેમાં પણ ઘણી વિષમતા અને વિચિત્રતા જોવા મળશે. કીડી-મંકોડી માછલી-કાચબા -દેડકા ગાય-ભેંસ હરણ બળદ ઘેટા બકરા વાઘ-સિંહ શિયાળ વરૂ આવા તો નાના મોટા કેટલાય સ્વાંગ આ જીવે રચ્યા. વળી ગરીબ શ્રીમંત રાય-રક રોગી-નિરોગી રૂપવાન-કુરૂપ ઈત્યાદિ જુદા-જુદા રૂપ આ જીવ લીધા છે.