________________
૧૧૦
એકત્વ ભાવના
ગુમાવે છે તેમ પરભાવમાં રમણ કરવાથી આત્મા પોતાનું નિર્મળ રૂપ ગુમાવી બેસે છે. (૫)
કર્મવશપણાથી આત્મા અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે પણ કર્મરહિત થયે છતે શુદ્ધ સોનાની જેમ આત્મા ચમકી ઉઠે છે, ઝળહળી ઉઠે છે. (૬)
જ્ઞાન દર્શન અને ચારિત્રના ભાવોથી પરિપૂર્ણ એવા એક પરમેશ્વર (આત્મા) જ મારા અનુભવ મંદિરમાં સદેવ રમતા રહો. (૭)
સમતા અમૃતરસનો આવિર્ભાવ થયો છે. તું ક્ષણ ભર તેનો સ્વાદ લે. ઈન્દ્રિયજન્ય સુખોથી અતીત એવા શાન્તરસમાં રહે. વિનય, તારું મન આનંદ પામશે. (૮)
ગ્રન્થકાર ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ શાન્ત સુધારસ ગ્રન્થમાં એકત્વ ભાવનાના ગેયકાવ્યમાં જણાવે છે કે. વસ્તુના વાસ્તવિક સ્વરૂપને જાણ. વાસ્તવિક એટલે શું અને અવાસ્તવિક એટલે શું? એ વિચારીએ...!જે વસ્તુનો ક્યારેય નાશ ન થાય તે વાસ્તવિક અને જેમાં ફેરફાર થાય તે અવાસ્તવિક તેને પર્યાય કહેવાય. દરેક દ્રવ્યના અનંત પર્યાય હોય. અને પર્યાય વિનાશી હોય, દ્રવ્ય અવિનાશી હોય. જેમ કે માટીએ દ્રવ્ય, તેનો ઘડોતે પર્યાય, ભલે ઘડો નાશ પામે પણ એ પુદ્ગલ રૂપે તો છે જ. આપણે આ તત્ત્વજ્ઞાન ખાસ જાણવું છે અને જીવનમાં ઉતારવું છે. દ્રવ્ય અને પર્યાય રૂપ જે વસ્તુ છે તેમાં આપણું શું છે? આ સંસારમાં કઈ એવી વસ્તુ છે જે તારી સાથે આવવા વાળી હોય. આત્મા અવિનાશી છે. જ્ઞાનાદિ ગુણ એજ મારા છે બીજું કશું જ મારું નથી. આવી ભાવના દ્વારા ક્યારે પણ દુઃખ દુરિત કે શોકપ્રવેશ કરી શકતો નથી. સંસારના પદાર્થો કે સંબંધો મળે કે તુટે પણ આત્માને કશું નુકશાન નથી એમ વિચારવું.
આ અનાદિ સંસારમાં જીવ એકલો જ આવે છે અને એકલો જ જાય છે. ગર્ભમાં જીવ એકલો જ ઉત્પન્ન થાય છે અને એકલો જ જન્મ પામે છે. એકલો જ મરણ પામે છે. કર્મ બાંધનાર પણ તે એકલો જ છે અને તેનું ફળ પણ તે એકલો જ અનુભવે છે. તારું કર્મ અન્ય કોઈ ભોગવે નહિ. તું જેવા કર્મ બાંધે એ તારે એકલાએ જ ભોગવવા પડે છે.
તું જરા વિચાર કરજે કે આ સંસારમાં તે કઈ વેદના નથી ભોગવી?