________________
૭પ
શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ દેવગતિમાં કંઈક દેખાતું સુખ પણ નાશવંત જ છે. ચારે ય ગતિના દુઃખોનો વિચાર કરીએ ત્યારે દેવગતિમાં માનસિક દુઃખ પારાવાર હોય છે. જો દેવનું હૃદય વજનું બનેલ ન હોય તો મનની ચિંતાઓથી દયના ૧૦૦૦ ટુકડા થઈ જાય તેટલી અશાન્તિ હોય. ઈર્ષ્યા લોભ અને ક્રોધની આગમાં બળે છે. વળી સંપત્તિ મિલ્કત અને વિમાનો દેવીઓ આદિની તરતમતા હોવાથી સતત એ ઉચાટમાં રહે છે. તેમજ મર્યા પછી મનુષ્યત્વની ખાતરી નથી. કેમકે દેવો રોજ જેટલા અવે છે. તેટલી તો મનુષ્યની સંખ્યા જ છે. માટે મનુષ્યપણામાં આવનાર દેવતાઓ બહુ જ જુજ હોય છે. અને એમને અગાઉથી મરણનો સંકેત પણ આવી જાય છે. એટલે છેલ્લા છ મહિના તો એના ખેદ-ચિંતા અને ઉચાટમાં પસાર થાય. મરીને તિર્યંચગતિમાં જવાનું હોય તેવા દેવો કાળો કલ્પાંત કરે છે. આવા તો અગણિત દુઃખો એમના જીવનમાં હોય છે.
મનુષ્યગતિના દુઃખનો પણ કોઈ પાર નથી. સુખી જીંદગી જીવતા માણસને પણ કાળની થપાટ ક્યારે લાગે તે ખબર ન પડે. એક વાવાઝોડું, એક ધરતીકંપનો આંચકો, માણસને હતો નહતો બનાવી મૂકે છે. જીવનનિરસ બની જાય છે આવા અગણિત દુઃખો મનુષ્ય ગતિમાં રહેલા છે. વળી તિર્યંચ નરક ગતિના દુઃખોનો પણ આપણે વિચાર કરીશું.
कलय संसारमतिदारुणं, जन्ममरणादिभयभीत रे। मोहरिपुणेह सगलग्रहं प्रतिपदं विपद मुपनीत रे ॥१॥.
મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા શાન્ત સુધારસગ્રન્થમાં સંસાર ભાવનાના ગેયાષ્ટકમાં ફરમાવે છે કે મોહ શત્રુ વડે ગળેથી પકડીને તું ડગલે પગલે વિપત્તિ પામ્યો છે. હે જીવ! તું આ સંસારને જન્મ મરણની પરંપરાવાળો અને અત્યંત ડરાવનારો માન. અતિ દારૂણ સંસાર છે તેમ સ્વીકાર.
સંસાર ખરાબ છે. ભૂંડો છે તેવો સ્વીકાર કરવો એ પણ કઠીન કામ છે. માટે પહેલા તો સંસારને ખરાબ માનવાનો છે. કેમકે સંસારમાં મોહશત્રુ જીવને સતાવે છે. મોહ શત્રુ છે. જે જીવને દુઃખી કરે તેને શત્રુ કહેવાય. મોહ ભયાનક શત્રુ છે. મીઠી છૂરી જેવો છે. બહારથી તો લાગે બધું સારું સારું, પણ અંદરથી. તો મારનારો છે. મોહથી જીવ મુંઝાય છે. પરપદાર્થો ઉપર મમત્વ ભાવ વધે છે. અહં અને મમ આ બે મંત્રો જગતને વશ કરવા માટે મોહ રાજાએ મુકયા છે.