Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ચમ્પાના રાજા કૃણિકની કથાથી તેની સમૃધ્ધિ અને રાજકીય ગુણોની માહિતી મળી શકે છે.
રાજગાદી વંશપરંપરાથી મળતી હતી. રાજા દીક્ષિત થતા પહેલા પોતાના પુત્રને રાજપદ પર સ્થાપિત કરતો હતો. પરંતુ ઉદાયન રાજાની કથાથી જાણી શકાય છે કે તેણે પોતાને પુત્ર હોવા છતાં પણ પોતાના ભાણેજને રાજ્ય સોપ્યું હતું.”
નંદીવર્ધન રાજકુમારની કથાથી જાણવામાં આવે છે કે તે પોતાના પિતા વિરુધ્ધ ષડયંત્ર રચીને રાજ્ય મેળવવા ઈચ્છતો હતો.*
રાજ્ય વ્યવસ્થામાં રાજા, યુવરાજ, મંત્રી, સેનાપતિ, ગુપ્તચર, પુરોહિત, શ્રેષ્ઠી વગેરે વ્યકિતઓ મુખ્ય ગણાતી. અપરાધ અને દંડ વ્યવસ્થા માટે આ સાહિત્યમાં એટલી બધી સામગ્રી મળે છે કે તે પરથી પ્રાચીન દંડ વ્યવસ્થા ઉપર સ્વતંત્ર ગ્રંથ લખી શકાય. જૈન કથાકારોએ રાજકુળો અને રાજાઓના ઉલ્લેખો પોતાની કથાઓમાં પ્રભાવ પાડવા માટે કર્યા છે. પરંતુ કેટલાક સ્થળે તેનું ઐતિહાસિક મહત્વ પણ છે. ધાર્મિક મતમતાંતર:
આગમોની આ કથાઓમાં જૈન ધર્મ અને દર્શનના જુદા જુદા પાસા પ્રદર્શિત થયાં જ છે. સાથે સાથે અન્ય ધર્મો અને મતોના વિષયમાં આનાથી વિવિધ પ્રકારની જાણકારી પ્રાપ્ત થાય છે. આર્દ્રકુમારની કથાથી શાક્ય શ્રમણોના વિષયમાં સૂચના મળે છે. ધન્ય સાર્થવાહની કથામાં જુદા જુદા પ્રકારની વિચારધારાઓને માનનારા પરિવ્રાજકોનો ઉલ્લેખ છે. જેમકે-ચરક, ચીરિક, ચર્મખંડિક, મિચ્છુડ, પાંડુરંગ, ગૌતમ, ગોવતી, ગૃહધર્મી, ધર્મચિંતક, અવિરુધ્ધ, બુધ્ધ, શ્રાવક, રકતપટ આદિ.* * આ સઘળાની માન્યતાઓને જો વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવે તો કેટલીક નવી ધાર્મિક અને દાર્શનિક વિચારધારાઓની માહિતી મળી શકે તેમ છે. સંકટ સમયે કેટલાક દેવતાઓનું લોકો સ્મરણ કરતા. તેમના નામો આ કથાઓમાં મળે છે." સ્થાપત્ય અને કળા:
આગમોની આ કથાઓમાં કેટલાક કથા નાયકોના ગુરુકુળ-શિક્ષણનું વર્ણન છે. મેઘકુમારની કથામાં ૭ર કળાઓના નામો આપ્યા છે. અન્ય કથાઓમાં પણ એમનો ઉલ્લેખ આવે છે. ૭ર કળાઓમાં સંગીત, વાદ્ય, નૃત્ય, ચિત્રકળા વગેરે મુખ્ય કળાઓ છે. જેમનો જીવનમાં અનેક પ્રકારે ઉપયોગ થતો હતો. આ દૃષ્ટિએ રાજા પ્રદેશની કથા વિશેષ મહત્ત્વપૂર્ણ છે. તેમાં ૩ર પ્રકારની નાટ્યવિધિઓનું વર્ણન છે.*
47