Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
વિવિધ કથા કાવ્ય પ્રકારો ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં બારમાસી”નું વર્ણન કરતા અનંતરાય રાવળ કહે છે
બારમાસી - “બારમાસી એ ઋતુકાવ્યનો પ્રકાર છે. ધર્મકથાનુયોગના આ વિષયમાં બારમાસી વિશે જણાવવું જરૂરી છે. કારણકે આ સાહિત્ય પ્રકારમાં ઋતુઓનું વર્ણન આવે. આ વર્ણન વિરહિણી નાયિકા કરતી હોય એમાં નાયિકાના બધા મહિનાના વિરહનું વર્ણન ઋતુવર્ણન સાથે આવે. આ રીતે આ પ્રકૃતિકાવ્ય ઉપરાંત વિરહ કાવ્યનો પ્રકાર પણ કહેવાય.'
જૈન કવિઓએ રચેલ બારમાસીમાં વિનયચંદ્રસૂરિકત નેમિનાથ ચતુષ્પાદિકા (ઈ.સ.૧૫૪૪)એ પહેલું જૈન ગુજરાતી બારમાસી કાવ્ય છે.
રાજુલ અને એની સખી વચ્ચેના સંવાદરૂપે ઉત્કટ વિરહનું મનોરમ આલેખન આ બારમાસી કાવ્યમાં થયું છે. રાજુલના લગ્ન નેમિકુમાર સાથે નક્કી થયા હોય છે. પરંતુ લગ્ન માટે જાન સાથે પધારેલા નેમિકુમાર લગ્નનો જમણવાર કરવાને મારવા માટે એક વાડામાં પૂરેલ પશુઓને જોઈ લગ્ન વિના જ પાછા ફરે છે. એમનો વિરહ અનુભવતી રાજુલ સખીઓ પાસે પોતાની વેદના વ્યક્ત કરે છે. એમાં દરેક મહિને બદલાતા જતા પ્રકૃતિના વાતાવરણ સાથે પોતાની વિરહવ્યથા ઉત્તરોત્તર કેટલી ઉત્કટ બનતી જાય છે, તે રાજુલ વર્ણવે છે. બારમાસી કાવ્યોમાં અંતે નાયકનાયિકાનું મિલન થતું હોય છે. જૈન ઇતિહાસ પ્રમાણે રાજુલ અંતે દીક્ષિત નેમનાથને મળે છે અને એમના ઉપદેશથી દીક્ષા ગ્રહણ કરે છે. આ રીતે આ બારમાસીનું પર્યવસાન શૃંગાર રસમાં નહિ પણ વિરક્તિના શાંતરસમાં થયું છે.
જૈનેતર કવિ નરસિંહ, પ્રેમાનંદ, રત્નેશ્વર, રત્નો, દયારામ આદિએ પણ રાધાકૃષ્ણના “મહિના'ના કાવ્યો લખ્યા છે. અર્વાચીન કવિ દલપતરામે “એ માસે ના જઇએ રે પિયુ પરદેશમાં અને નર્મદે “ઋતુવર્ણન'માં આ મધ્યકાલીન પ્રણાલીનું અનુસરણ કર્યું છે. કકકો :- આ પદ્યસાહિત્ય જૈન સાધુઓને હાથે ઠીક ઠીક લખાયું છે. વિવાહલઉ - સાધુઓના દીક્ષા પ્રસંગના વિવાહલ નામના ચરિતાત્મક સામંદાયિક ગેય વર્ણનાત્મક કાવ્યો જૈન સાધુઓને હાથે પંદરમા શતક પહેલાં લખાયા છે. વિવાહલઉ એટલે વિવાહ, લગ્ન. આ લગ્ન તે દીક્ષા લેનાર સાધક કે તપસ્વીનાં સંયમસુંદરી સાથે.
430