Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
સુધી પહોંચાડે છે. આ રાસમાં એકબાજુ ભોગવિલાસની અને બીજી બાજુ સંયમઉપશમની કથાઓ જોવા મળે છે. આમ, શૃંગાર અને શાંત બંને રસોના આલેખન કર્યા છે. આ કૃતિની રચના તેમણે એમના ગુરુ શ્રીનવિજયજીના સાનિધ્યમાં ખંભાત ચોમાસા દરમ્યાન કરી છે."
જંબુસ્વામીનું ચરિત્ર પ્રાચીન ગ્રંથોમાં આપણને ઈ.સ.ના છઠ્ઠા સૈકાના “વસુદેવ હિંડી”માં જોવા મળે છે. તેમાં જંબુસ્વામી ચરિત્ર, ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્રની સરખામણીમાં ઘણું જ ટૂંકમાં આપવામાં આવ્યું છે. વસુદેવ હિડીમાં જણાવ્યા પ્રમાણે શ્રીસુધર્મા સ્વામીએ શ્રી જંબુસ્વામીને વસુદેવ ચરિત્ર કહેલું હતું. તેથી “વસુદેવહિડી”માં માત્ર “કથાની ઉત્પતિ' તરીકે જંબુસ્વામીનું ચરિત્ર આપવામાં આવ્યું છે. જંબુસ્વામી વિશે અત્યાર સુધીમાં મળતી મુખ્ય મુખ્ય ઘટનાઓ આપણે જોઈ લઇએ. કથાવસ્તુ - રાજગૃહ નગરમાં શ્રેણિકરાજા રાજ્ય કરતો હતો. એ નગરમાં ઋષભદત્ત શાહુકાર રહેતો હતો. એની પત્ની ધારિણીને એકવાર પાંચ સ્વપ્ન આવે છે અને એ પ્રમાણે તેને પ્રભાવશાળી પુત્ર જન્મે છે. ધારિણીએ સ્વપ્નમાં જાંબુફળનું દર્શન કર્યું હતું એટલે પુત્રનું નામ જંબૂકુમાર રાખ્યું.
જંબૂકુમાર યુવાવસ્થામાં આવ્યા ત્યારે એકવાર સુધર્મા સ્વામી પાસે વંદન કરવા જાય છે. તેમનો ઉપદેશ સાંભળી દીક્ષા લેવા પ્રેરાય છે. માતાપિતા જંબૂકુમારને દીક્ષા ન લેવા સમજાવે છે. જવાબમાં તે માતાપિતાને સુધર્મા સ્વામીએ કહેલ કથા સંભળાવે છે. ત્યાર પછી, માતાપિતાના આગ્રહથી દીક્ષા લેતા પહેલા પાણિગ્રહણ કરે છે. આઠ શ્રેષ્ઠી કન્યાઓ સાથે તેમનો વિવાહ કરવામાં આવે છે.
જંબૂકુમાર લગ્નની પ્રથમ રાત્રિએ તે આઠે કન્યાઓને પ્રતિબોધ કરે છે. આ વાત ત્યાં ચોરી કરવા આવેલ પ્રભવ ચોર સાંભળે છે. પ્રભવ ચોર અને તેના સાથીઓ જંબૂકુમારના શબ્દોથી નિચેષ્ટ થઈ જાય છે. તે જંબૂકુમારને દીક્ષા ન લેવા કહે છે. ત્યારે જંબૂકુમાર તેને મધુબિંદુની કથા, લલિતાંગકુમારની, કુબેરદત્તની, ગોપ યુવકની, મહેશ્વરદતની અને વણિકની કથા કહે છે.
ત્યાર પછી જંબૂકુમાર, તેમના માતાપિતા, પત્નીઓ, પ્રભવ ચોર અને તેના સાથીઓ સુધર્મા સ્વામી પાસે દીક્ષા લે છે. ત્યારબાદ તેમાં જંબૂકુમારના પૂર્વભવની કથા પણ આવે છે.
480.