Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
આ ચિત્રપટ જોયું અને તેને પણ પૂર્વભવની સ્મૃતિ થઈ આવી. તેણે તરત જ તેવી પ્રતિકૃતિ કરીને પરિચારિકાને આપી. આમ, બંનેનો પરિચય થતાં તે પરિચારિકાએ રાજા વજસેનને આ વૃત્તાન્ત જણાવી બંનેનું પાણિગ્રહણ કરાવ્યું.
સંસારસુખ ભોગવતા સુખેથી સમય નિર્ગમન કરતાં તેમને પુત્ર પ્રાપ્તિ થઈ. એકવાર તેઓએ કેવળી ભગવંતનો ઉપદેશ સાંભળી નિર્ણય કર્યો કે પુત્રને રાજ્ય કારભાર સોંપી દીક્ષા ગ્રહણ કરીએ. એ નિર્ણય તે પુત્રાદિને જણાવે તે પહેલાં પુત્રને કંઈ કુમતિ સૂઝી. તેણે વિચાર્યુ કે આ પિતા જ્યાં સુધી રાજ્ય ભોગવશે ત્યાં સુધી મને રાજ્યનું સુખ મળશે નહિ. આથી તેણે રાજા મહેલમાં પ્રવેશ્યા કે તરત જ ઝેરી ધુમાડાથી મહેલને ભરી દીધો. વજજંઘ અને શ્રીમતીએ જાણ્યું કે હવે મૃત્યુ નજીક છે તેથી ધર્મનું શરણ લઈ સમતા ભાવે દેહનો ત્યાગ કર્યો. ૭. યુગલિક - રાજારાણી શુભ ભાવના વડે દેહત્યાગ કરી, ઉત્તરકુરૂમાં યુગલિયા તરીકે જન્મ પામ્યાં. ત્યાં ઘણું લાંબુ આયુષ્ય ભોગવી મૃત્યુ પામ્યા. ૮. સૌધર્મકલ્પ - ત્યાંથી મૃત્યુ પામીને તેઓ સૌધર્મ કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા. ૯. જીવાનંદ વૈદ્ય - દેવલોકમાંથી મૃત્યુ પામી ધના સાર્થવાહનો જીવ વૈદ્ય જીવાનંદ પણે ઉત્પન થયો. તે સમયે રાજાને ત્યાં મહીધર નામે પુત્રનો જન્મ થયો. મંત્રીને ત્યાં સુબુધ્ધિ નામે પુત્રનો જન્મ થયો. એક સાર્થવાહને ત્યાં પૂર્ણ ચંદ્ર પુત્રપણે ઉત્પન્ન થયો. શ્રેષ્ઠીને ત્યાં ગુણાકાર અને એક ગૃહસ્થને કેશવ નામે પુત્ર થયો. તે શ્રીમતીનો જીવ હતો. આ છ એ ગાઢ મિત્રો હતા. જીવાનંદ આયુર્વેદની ઉત્તમ કેળવણી પામ્યો હતો.
એકવાર એક મુનિ કૃમિ-કુઝની ભયંકર વ્યાધિથી પીડાતા હતા. ત્યારે આ છએ. જણાએ મુનિની શુશ્રુષા કરી. મુનિ પૂર્ણ સ્વસ્થ થયા. આથી છએ મિત્રો ઘણો જ પ્રમોદ પામ્યા. ત્યારબાદ મુનિએ પણ યોગ્ય ઉપદેશ આપ્યો. તેથી સંસાર પ્રત્યેથી વિરક્ત થઈ તેઓએ દીક્ષા ગ્રહણ કરીને ઉત્કૃષ્ટ સાધના કરી. ૧૦. બારમા દેવલોક - ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં તેઓ, મૃત્યુ પામીને બારમા દેવલોકમાં ઉત્પન્ન થયાં. ૧૧. વજનાભઃ- જીવાનંદ વૈદ્યનો જીવ પુષ્પકલાવતી વિજયની પુંડરીકિણી નગરીમાં વજસેન રાજાની ધારણી રાણીની કુક્ષિામાં ગર્ભપણે ઉત્પન્ન થયો ત્યારે રાણીએ મધ્યરાત્રીએ ચૌદ સ્વપ્ન જોયા અનુક્રમે તેણે વજનાભ નામે પુત્રને જન્મ આપ્યો. તેમને ચક્રરત્નની પ્રાપ્તિ થતાં છ ખંડ પર વિજય મેળવી ચક્રવર્તીપણું પ્રાપ્ત કર્યું. દીર્ઘકાળ સુધી તે પદને યોગ્ય સુખ ભોગવી તેમણે પોતાના પિતા મુનિના ઉપદેશથી સંસારનો ત્યાગ કર્યો અને ઉત્કૃષ્ટ સાધના કરી સમાધિમરણને પામ્યા.
571