Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
આમ, વિચારોમાં રાત્રિના ત્રણ પ્રહર વીતી ગયા. ભવદેવ મુનિએ જોયું તો ભવદત્ત મુનિ ઉભા હતા. ભવદેવ મુનિ ઉભા થયા.... ભાઈ મુનિરાજના ચરણોમાં મસ્તક મૂકી દીધું. ભવદત્ત મુનિના ચરણો ભીંજાઈ રહ્યા હતા. ૪. ભવદત્ત મુનિ
ભવદત્ત મુનિનું હૃદય વ્યથિત હતું. ભવદેવ મુનિના મુખ પર હંમેશા ઉદાસીનતા રહેતી હતી. ભવદત્ત મુનિ વિચારે છે કે શું મેં ભવદેવના જીવન સાથે ક્રૂર વ્યવહાર તો નથી કર્યોને? મેં મારા અહંને પોષવા, રાગીને વૈરાગીના કપડાં તો નથી પહેરાવ્યા ને? મેં એના પ્રેમનો દ્રોહ કર્યો છે. આવા અનેક વિચારોથી ભવદત્ત મુનિ ચિંતાતુર બન્યા. અને સંયમમાં સ્થિર કરવા પ્રયત્ન કરે છે. ૫. નાગિલા
રેવતી અને રાષ્ટ્રકૂટ માટે ભવદેવનો વિરહ અસહ્ય બન્યો. બંને માંદગીમાં પટકાયા. નાગિલા સાસુ-સસરાની દિનરાત સેવા કરે છે. નાગિલાના હૃદયમાં પતિ વિરહની વ્યથા ભરેલી જ હતી, છતાં તે સાસુ-સસરાને આશ્વાસન આપતી રહી અને સેવા કરતી રહી.
એક દિવસ રાષ્ટ્રકૂટે નાગિલાને પાસે બોલાવી કહ્યું કે, બેટી! તું લગ્ન કરી લે....તારું જીવન સુરક્ષિત બની જશે. ત્યારે નાગલિાએ કહ્યું કે જેમ આપ આપના પુત્રને ભૂલી શકતા નથી તેમ હું પણ એમને ભૂલી શકતી નથી. એમના સિવાય આ જન્મમાં બીજો પતિ નહિ કરું. તેના સાસુ-સસરાએ તેમજ તેના માતા-પિતાએ ઘણું સમજાવી પણ નાગિલા ન માની. તે પિયર પણ જવા તૈયાર થતી નથી. નાગિલાએ પરમાત્માનું આલંબન લીધું.
પરમાત્માનાં સ્મરણ-દર્શન-પૂજન-સ્તવનમાં તેણે રસાનુભૂતિ કરવા માંડી. ધર્મચર્ચા કરવા લાગી. વૈષયિક સુખોની ઇચ્છાઓથી પણ તે સહજતાથી વિરામ પામી. આમ લગ્નના બાર વર્ષ વીતી ગયા. ૬. ઘટનાચક્ર
સમય જતાં મહિધરસૂરિજી સ્વર્ગવાસ પામ્યા. તેમના ગયા પછી ભવદત્ત મુનિ એકાએક માંદગીની પથારીએ પડ્યા. ભવદેવ મુનિ અપ્રમત ભાવથી સેવા કરી રહ્યા હતા. પૂર્ણ સમાધિ ભાવમાં ભવદત્ત મુનિ મૃત્યુ પામ્યા. ભવદત્ત મુનિનો આત્મા સૌધર્મ-દેવલોકમાં દેવ થયો.
દિવસો વીતતા શૂન્ય બની ગયેલા મનમાં નાગિલાની આકૃતિ ઉપસી આવી.
498