Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ડૉ.જયંત મહેતા કહે છે કે, “મુનિશ્રી વાત્સલ્યદીપના સર્જનોમાં કથાવાર્તાઓની કૃતિઓ વિશેષ ગણના પાત્ર છે. એમની પાસે કથાના શિલ્પને કંડારવાની અનોખી કલા છે. આ પ્રાચીન કથાઓ જિનવાણી લાગતી નથી, તેનું કારણ એમનું અનેરૂ શિલ્પવિધાન છે. આ સર્વ કથાઓ હોવા છતાં એમાં સાંસારિક ચિત્ર અને મનુષ્યનાં સ્વાભાવિક વર્ણનો જીવંત બનીને વાચકના હદયમાં આબેહૂબ રસસૃષ્ટિ પ્રગટ કરે છે. આ કથાઓ માત્ર જૈન સાહિત્યમાં જ નહિ પણ સમગ્ર ગુજરાતી વાર્તા સાહિત્યમાં વિશિષ્ટ સ્થાને બિરાજે છે.”
ડૉ. ચંદ્રકાન્ત શેઠ કહે છે કેઃ “વાત્સલ્યદીપજી જે રીતે કલમ ચલાવે છે તેથી ધર્મ અને સાહિત્યની ઉત્તમ સેવા થઈ રહી છે. પ્રજા જેટલી ધર્માભિમુખ થશે તેટલું તેનું અને તેના ફલસ્વરૂપે સાહિત્ય આદિનું શ્રેય થશે. વાત્સલ્યદીપજીનું સાહિત્ય એ દિશાના સાત્વિક પુરૂષાર્થના સુખદ સંકેતરૂપ છે.*
વાત્સલ્યદીપજીની કથાઓ વિશે ગુલાબદાસ બ્રોકર કહે છે કે, કથા છત્રીશી વાંચી. એ લખાઈ હોય તે જમાનાના જીવનનું અને સમાજનું તે આબેહૂબ ચિત્ર ઊભું કરે છે. તેમાંયે સ્ત્રી જાતિની કામવાસના, તેની ચતુરાઈ, તેનું કપટીપણુંજ વગેરેથી લેખક શ્રી પૂરેપૂરા વાકેફ લાગે છે. અત્યારના યુગ સિવાય મધ્યયુગમાં નારીને આમાં છે તેવી જ બહુધા ચીતરવામાં આવતી ... એક જમાનાના જીવન અને સમાજનું આવું ચિત્ર આમાં અપાયું છે તે સાહિત્ય તરીકે તેના ગુણપક્ષે અને તેના આલેખનમાં નિર્ભિકતા છે તે પણ એના ગુણપક્ષે ગણાય.
પં.દલસુખભાઈ માલવણિયા કહે છે કે, સમાજનને પ્રેરણા આપે એવું વાત્સલ્યદીપજીનું સાહિત્ય છે. તેમનું છેલ્લું પુસ્તક અંગ્રેજીમાં જોયું. તેમાં જેન વાર્તાઓને આધુનિક રૂપમાં લખવાની હથોટી છે, તે દેખાઈ આવે છે. વાર્તાઓ અત્યારની રીતે ચોટદાર ભાષામાં છે અને પ્રાકૃતિક વર્ણનની સાથે લખવાની પધ્ધતિ આકર્ષક છે. જેને વાર્તાને આંતરરાષ્ટ્રીય બનાવવામાં ફાળો નોંધ પાત્ર રહેશે તેમાં કોઈ શક નથી.
જયંત કોઠારી કહે છે કે, કથાછત્રીશી મળ્યું. વાત્સલ્યદીપજીએ નોંધપાત્ર કૃતિને બહાર લાવવાનું સરસ વિદ્યાકાર્ય કર્યું તેથી પ્રસન્નતા થઈ.
કૃપાશંકર જાની કહે છે કે, “ફુલવીણ સખે મુનિ શ્રી વાત્સલ્યદીપની સુંદર ભેટ છે. પ્રત્યેક પ્રસંગ વાર્તા રૂપે હોવાથી પુસ્તક એકવાર વાંચવા લીધા પછી પૂરું કર્યા સિવાય રહેવાતું નથી. લેખકની પાવન કલમની આ એક સિધ્ધિ છે. સંતપુરૂષોના સાહિત્ય લોક કલ્યાણ માટે જ રચાય છે.
536