Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
નોંધપાત્ર રહ્યું છે. કોઈ પણ વિષય પર તેમની અભિવ્યક્તિ અસરકારક અને મર્મસ્પર્શી હોય છે. એ જ રીતે પ્રવર્તમાન પ્રશ્નો સમસ્યાઓને વિચારવાની, સમજવાની, મૂલવવાની અને સૂલઝાવવાની તેમની દ્રષ્ટિ વ્યાપક, વેધક અને સચોટ હોય છે. પૂજ્યશ્રી લેખો લખવા દ્વારા જૈન સમાજને અનેકવિધ રીતે, સમયે સમયે, ઉજાગર બનાવવા માર્ગદર્શનરૂપ અને પ્રેરણા રૂપ બનતા રહ્યા છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસન પ્રભાવનાનાં ચિરસ્થાયી અને ચિરસ્મરણીય કાર્યો પણ થયાં છે. આચાર્ય શીલચંદ્રસૂરિ રચિત કથા કૃતિ :
(૧) ધનધન શાસન મંડન મુનિવરા વિ.સ.૨૦૧૫ (૨) સમરૂ પલ પલ સુવ્રત નામ વિ.સ.૨૦૫૫ (૩) બાળ શ્રાવક ધર્મરૂચિ
વિ.સ.ર૦૫૫ બાળશ્રાવક ધર્મરૂચિ' કથાની પ્રસ્તાવનામાં વિજય શીલચંદ્રસૂરિ કહે છે કે, શ્રધ્ધા અને સંસ્કારનો આદર્શ ધર્મરૂચિ છે. જૈન સાધના માર્ગના બે પાયા વિરતિ અને જીવદયા જેને બચપણથી જ સાંપડે, તેનું જીવન કેવું પવિત્ર, સંસ્કાર પૂત અને ધન્ય હોય તેનો આલેખ ધર્મરૂચિની કથા દ્વારા આપણને સાંપડે છે. જૈન બીજાને બચાવે, મારે નહિ. મરણાંત કસોટી આવે તો પણ સાચો જૈન પોતાના વ્રત થકી વિચલિત ન થાય, પોતાની ટેક, પોતાનો ધર્મ ના છોડે, આવું ઘણું બધું આ ધર્મરૂચિ-બાળશ્રાવક આપણને શીખવી જાય છે." વિષય વસ્તુ - ધાન્યપુર નામે નગરમાં માણિભદ્ર નામે એક શેઠ હતો. ધર્મ અને લક્ષ્મી બંનેનું ત્યાં આગમનછે. શેઠ નીતિવાન હતો. શેઠને ધર્મરૂચિ નામે એક દીકરો હતો. એ બાર વર્ષનો થયો ત્યારે સુસંસ્કારોથી સર્વથા સુરભિત બની ગયો. એકવાર ધર્મરૂચિ સાંજના સમયે મિત્રો સાથે ફરવા નીકળ્યો. તેણે કિમતી દાગીના પહેર્યા હતા. તે વખતે દૂર ખેતરમાંથી ચોર ચોરનો આવાજ આવ્યો. બુકાની બાંધેલા અસવારોને લઇને ઘોડાઓનું નાનું જૂથ દોડ્યું આવતું હતું. બધા નાસી ગયા, બાળક ધર્મરૂચિ ભાગવા જાય છે, ત્યાં એના ઘરેણાનો ચળકાટ જોઈ ચોરે એણે પકડી પાડ્યો. તેને ઉપાડીને લઈ ગયા ત્યાંથી ગુલામ બજારમાં વેચ્યો. એક રસોઇયાએ ખરીદ્યો. તેને પંખીઓની હિંસા કરવાનું કામ સોંપ્યું. પરંતુ બાળક ધર્મરૂચિ અડગ રહ્યો. રસોઇયાએ મારપીટ કરી તેને ધમકી આપી. બાળક ધર્મરૂચિનો આવાજ સાંભળ્યો. બાળક ધર્મરૂચિને રાજાની પાસે લઈ ગયા. રાજાએ પ્રશ્ન કર્યો કે તું પંખીની હત્યા કેમ કરતો નથી? ત્યારે ધર્મરૂચિએ જવાબ આપ્યો કે મેં કોઈપણ જીવની હત્યા ન કરવાનું વ્રત લીધું છે. રાજાએ વ્રત છોડવા ઘણું સમજાવ્યો પણ ધર્મરૂચિ મક્કમ રહ્યો. પછી રાજાએ ચાબૂક મંગાવી, મદોન્મત હાથી મંગાવ્યો છતાં પણ તે ડર્યો નહિ, અડગ, નિશ્ચલ
520