Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ધારણ કર્યા અને ધ્યાનમાં બેસી ગયા. એમ કરતા આઠ દિવસ વીતી ગયા. મહારાજાએ ધર્મેશને બોલાવી શિવકુમારને સમજાવવાનું કહે છે. શિવકુમાર ભાવ સાધુ બની ગયો. તેનો આત્મા ભાવ સાધુતાથી રંગાઇ ગયો.
૧૧. કલ્યાણ મિત્ર : ધર્મેશ
ધર્મેશે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા અને માતા પિતાની અનુમતિ લઇ શિવકુમાર પાસે આવી તેમને વંદન કર્યું: આ જોઇ શિવકુમારે કહ્યું આવો વિનય તો સંયમધારી મુનિવરોનો કરવામાં આવે છે. ધર્મેશે શિવકુમારને પૂછ્યું કે તમે ભોજન કેમ નથી લેતા? ત્યારે શિવકુમારે કહ્યું: મારા નિમિત્તે બનતો આહાર અશુધ્ધ કહેવાય. હું નિર્દોષ આહાર જ ગ્રહણ કરીશ. ધર્મેશે કહ્યું કે હું તમારા માટે નિર્દોષ આહાર લાવીશ. ત્યારે શિવકુમારે કહ્યું કે આ શરીરને ટકાવવા પૂરતો હું રસહીન આહાર જ કરીશ. ત્યારે ધર્મેશ તેના માટે ભિક્ષા લેવા જાય છે. આવો છે કલ્યાણ મિત્ર!
૧૨. સ્વર્ગવાસ
ભાવસાધુ બનેલા શિવકુમાર છઠ્ઠના તપને પારણે આયંબિલનો તપ કરતા રહે છે. શિવકુમાર અને ધર્મેશ વચ્ચે હંમેશા તત્ત્વની ચર્ચા રહે છે. કુમાર! કોઇપણ પ્રકારની રોકટોક વિના આરધના કરતા જાય છે. આ રીતે જીવતા બાર વર્ષ પૂર્ણ થાય છે. હવે શિવકુમાર અનશન કરે છે. મૃત્યુને મહોત્સવ બનાવી દીધું. મૃત્યુ પામી પાંચમા દેવલોકમાં જન્મ થયો. તેનું નામ રાખ્યું વિદ્યુન્નાલી.
૧૩. જંબૂકુમાર
આ દેવ આયુષ્ય પૂર્ણ થતાં ઋષભદત્ત શેઠની ધારિણી નામે સ્ત્રીના ગર્ભમાં ચ્યવે છે. ધારિણી સ્વપ્નમાં સિંહ જુએ છે. કાળ પૂર્ણ થતાં પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. જેનું નામ જંબૂકુમાર રાખવામાં આવે છે.
આ જ નગરમાં સમુદ્રપ્રિય નામે શ્રેષ્ઠી હતો. તેની પત્નીનું નામ હતું પદ્માવતી અને પુત્રીનું નામ હતું સમુદ્રશ્રી.
બીજો શ્રેષ્ઠી હતો સમુદ્રદત્ત. તેની પત્નીનું નામ કનકમાલા અને પુત્રી હતી પદ્મશ્રી.
ત્રીજો શ્રેષ્ઠી હતો સાગરદત્ત. તેની પત્નીનું નામ વિનયશ્રી. તેની પુત્રી હતી પદ્મસેના.
ચોથો શ્રેષ્ઠી હતો કુબેરદત્ત. તેની પત્ની ધનશ્રી અને પુત્રી હતી કનકસેના.
501