Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
વડીલોએ પણ દીક્ષા લીધી. છ મહિના પૂરા થવા આવતાં મુનિવર રૂપચંદ સંલેખના કરી, આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે સિધાવ્યા.
કવિએ આ કથાનકને રસિક બનાવવા વર્ણનો અલંકારો, સુભાષિતો ઇત્યાદિ ઉપરાંત એમાં કેટલીક આડકથાઓ પણ નિરૂપી છે. લોકકથાના પ્રકારની આ કથા હોવાથી એમાં અદ્ભુત રસિક ઘટનાઓનું નિરૂપણ થાય એ સ્વાભાવિક છે. વળી એમા શૃંગારસનું નિરૂપણ પણ કવિએ ઠીક ઠીક કર્યું છે. તેમ છતાં કવિનો આશય કૃતિને શાંત પર્યવસાયી બનાવવાનો છે, એ સ્પષ્ટ છે. આ કૃતિ સમગ્ર રાસ સાહિત્યની એક મહત્ત્વની કૃતિ બની રહે છે.
(૧૩) સાધ્વીશ્રી હેમશ્રીઃ- જૈન સાધુકવિઓએ ગુજરાતી ભાષામાં ૧૨થી૧૮મા સૈકા સુધીમાં એટલું બધું સાહિત્ય લખેલું છે કે એ બધું મુદ્રિત થઇ પ્રકાશમાં આવતાં ઘણાં વર્ષો લાગશે. જૈન સાધુઓના પ્રમાણમાં સાધ્વીઓની કૃતિઓ ખાસ જોવા મળતી નથી. ઇ.સ.ના સોળમા સૈકાના અંતભાગમાં રચાયેલી એક કૃતિ જોવા મળે છે અને તે છે ‘સાધ્વી શ્રી હેમશ્રીકૃત કનકાવતી આખ્યાન’. ઇ.સ.૧૫૮૮માં આ કૃતિની રચના કરેલી છે. ૩૬૭ જેટલી કડીમાં રચાયેલી આખ્યાન નામની આ રાસકૃતિમાં કવિયત્રીએ સરસ્વતી દેવી અને જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરી કનકાવતીના વૃતાન્તનું નિરૂપણ કર્યું છે. આ કૃતિ હજુ અપ્રસિધ્ધ છે. રાજપુત્રી કનકાવતીને માથે બાલ્યકાળથી જ જેવા સંકટો આવી પડે છે. એક રાજપુત્ર અજિતસેનનો એને કેવી રીતે મેળાપ થાય છે, બંને કેવી રીતે વિખૂટાં પડે છે અને ફરી પાછાં મળે છે. અને અનેક વર્ષ રાજ ભોગવી દીક્ષા લે છે. એ કથાનું અદ્ભુત રસિક આલેખન આ રાસમાં કરવામાં આવ્યું છે.
(૧૪) ગુણવિનયઃ- ખતરગચ્છના ક્ષેત્ર શાખાના જયસોમ ઉપાધ્યાયના શિષ્ય ગુણવિનય વિદ્વાન પંડિત અને સમર્થ ટીકાકાર હતા. એમણે ગુજરાતીમાં પણ સંખ્યાબંધ કૃતિઓની રચના કરી છે. કવિએ ઘણી ખરી કૃતિમાં પોતાની ગુરુ પરંપરા યુગપ્રધાન આચાર્ય જિનચંદ્રસૂરિથી જણાવી છે. જંબૂરાસ, કલાવતી ચોપાઇ, અગડદત્તરાસ આદિ અનેક કૃતિની રચના તેમણે કરી છે.
(૧૫) સમયસુંદર:- મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર સમર્થ જૈન કવિઓમાં સમયસુંદરનું સ્થાન વિશિષ્ટ છે. વિદ્વાન સાહિત્યકાર તરીકે તેમજ તપસ્વી સાધુ તરીકે ઉચ્ચપ્રકારની પ્રતિષ્ઠા પોતાના સમયમાં મેળવી હતી.
સમયસુંદરના જીવન વિશે, એમણે પોતે રચેલા ગ્રંથોના આધારે, તેમજ એમના શિષ્યોએ રચેલી કૃતિઓને આધારે કેટલીક માહિતી મળે છે. સમયસુંદરનો જન્મ
474