Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
જેનોમાં સુપ્રસિધ્ધ એવી પ્રસન્નચંદ્ર રાજર્ષિ અને વલ્કલચીરીની કથા આલેખી છે. કવિએ આ રાસની રચના દુહા અને જુદી જુદી દેશીઓમાં લખાયેલી ઢાલમાં કરી છે. જૈન રાસાઓમાં મધ્યમકદના રાસ તરીકે જેને ઓળખાવી શકાય એવી આ રચના છે. કુલ રર૬ ગાથામાં કવિએ આ રચના કરી છે. આ રચનામાં કવિએ ઉપમાદિ અલંકારો વિવિધ જગ્યાએ પ્રયોજ્યા છે. સ્થળે સ્થળે રસિક કાવ્યમય પંક્તિઓ લખી છે.
રાસની પહેલી ઢાળમાં કવિ કથાનો આરંભ મગધ દેશની રાજગૃહી નગરીના વર્ણનથી કરે છે. નગરીનું માહાભ્ય વર્ણવતા કવિએ ભગવાન મહાવીર, ધન્ના, શાલિભદ્ર, નન્દ મણિયાર, કવન્ના શેઠ, જંબુસ્વામી, મેતાર્યમુનિ, ગૌતમસ્વામી વગેરેનાં નામ એ નગરી સાથે કેટલી ગાઢ રીતે સંકળાયેલા છે તે સચોટ રીતે દર્શાવ્યું
કથા વસ્તુ - પોતનપુર નામના નગરમાં સોમચંદ્ર નામે રાજા હતો એની રાણીનું નામ ધારિણી. એક વખત રાજારાણી મહેલમાં બેઠાં હતા તે વખતે રાજાના મસ્તક પર સફેદ વાળ જોઈ રાણીએ કહ્યું. “જુઓ! કોઈ દૂત આવ્યો છે. સફેદ વાળ જોઈ રાજાએ કહ્યું. અરે! મારા પૂર્વજો તો માથામાં સફેદ વાળ આવે તે પહેલા રાજગાદીનો ત્યાગ કરી વનમાં જતા. પરંતુ હું તો હજુ મોહમાયામાં ફસાયેલો છું. શું કરું? તરત જ તેઓએ નિશ્ચય કર્યો. રાજા- રાણી પુત્ર પ્રસન્નચંદ્રને રાજગાદી પર સ્થાપી તાપસી દીક્ષા ધારણ કરી તાપસાશ્રમની ઝૂંપડીમાં રહેવા લાગ્યા. બંને તપ કરતા કરતાં પોતાના દિવસો પસાર કરતા. રાણી ગૃહસ્થાવસ્થામાં જ ગર્ભવતી હતી પરંતુ દીક્ષા લેવામાં અંતરાય થાય એટલે તેમણે તે વાત અપ્રગટ રાખી. ગર્ભકાળ પૂરો થતા રાણીએ એક પુત્રને જન્મ આપી મૃત્યુ પામ્યા. જન્મેલા બાળકને વલ્કલના વસ્ત્રમાં લપેટવામાં આવ્યું હતું એટલે પિતાએ એનું નામ “વલ્કલચીરી” રાખ્યું. વનમાં દૂધ, વનફળ વગેરે વડે ‘વલ્કલચીરી” મોટો થયો. યુવાનીમાં પ્રવેશ્યો. પરંતુ તે તદ્દન ભોળો બ્રહ્મચારી જ રહ્યો હતો. સ્ત્રી એટલે શું એની પણ એને ખબર ન હોતી.
આ બાજુ પ્રસન્નચંદ્ર મોટો થયો. સુખેથી રાજ્ય કરવા લાગ્યો. એણે એક વખત સાંભળ્યું કે માતાએ વનમાં ગયા પછી એક પુત્રને જન્મ આપ્યો છે એ હવે મોટો થઈ ગયો છે. ત્યારે ચિત્રકારોને બોલાવી જંગલમાં જઈ ભાઈનું ચિત્ર તૈયાર કરી લાવવાની આજ્ઞા કરી. ચિત્રકારો તે પ્રમાણે ચિત્ર બનાવી લાવ્યા. એ જોઈ પ્રસન્નચંદ્રને ઘણો આનંદ થયો. તે વિચારવા લાગ્યો કે, પિતાજી તો વૃધ્ધાવસ્થામાં વનમાં વૈરાગ્ય ધારણ કરી ઉત્સાહપૂર્વક તપ કરે છે. પરંતુ મારો નાનો ભાઈ તરુણ અવસ્થામાં આવું કષ્ટ ઉઠાવે અને હું રાજસુખ ભોગવું તે યોગ્ય નથી. એટલે પ્રસન્નચંદ્ર રાજાએ કેટલીક કુશળ વેશ્યાઓને બોલાવી કહ્યું “તમે વનમાં જાઓ અને વિવિધ કળાઓ વડે મારા ભાઇનું મન આકર્ષી અહીં લઈ આવો”. વેશ્યાઓ જાય છે. અને વિવિધ કળાથી
477