Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
આવકાર પણ નથી આપતું ત્યારે તાપસને ક્રોધ આવે છે અને નિયાણું કરે છે કે “મેં લાંબા સમય સુધી આચરેલા અને પાળેલા વ્રતોનું અને કરેલ તપનું જો ફળ હોય તો હું ભવોભવ રાજાનો વધ કરનારો થાઉં.' નક્કી આ રાજાને બાલ્યકાળથી જ મારા માટે વેર ભાવ છે. તે જીવન પર્યત આહાર ત્યાગ કરે છે.
સમય જતાં ગુણસેનરાજા વિજયસેન આચાર્યથી પ્રતિબોધ પામી દીક્ષા અંગીકાર કરે છે. અને અગ્નિશર્મા નિયાણાથી પાછો નહિ ફરતા કાળ પામી વિદ્યુતકુમાર નામના દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં પૂર્વભવ યાદ આવે છે અને વિભંગ જ્ઞાનથી તે ગુણસેન પાસે આવ્યો અને કાઉસગ્ય ધ્યાનમાં રહેલા આ મુનિને ઉપસર્ગ કરે છે. ધર્મધ્યાનમાં મૃત્યુ પામેલો રાજા સૌધર્મ કલ્પ નામના પ્રથમ દેવલોકમાં વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયો. ચંદ્રાનન વિમાનમાં એક સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો.
વિભાવસુ મિત્રનું દૃષ્ટાંત પણ આવે છે. જે જાતિમદને લીધે કૂતરા તરીકે જન્મે છે અને એના ભાવિ જન્મો વિશે પણ તેમાં વર્ણન છે. બીજો ભવઃ- સિંહકુમાર અને આનંદ (પિતા-પુત્ર) રૂપે. જેમાં અવધિજ્ઞાની મુનિનું દૃષ્ટાંત તેમજ મધુબિંદુનું દૃષ્ટાંત આવે છે. જે સંસારની અસારતા વ્યક્ત કરે છે.”
જયપુર નામનું નગર છે. જ્યાં પુરુષદત્ત નામનો રાજા રાજ્ય કરે છે. તેને શ્રીકાન્તા નામની રાણી છે. આ રાણીથી તેને સિંહકુમાર નામનો પુત્ર થાય છે. જે ગુણસેનનો જીવ છે. સિંહકુમાર યુવાન થતાં રાજા તેના લગ્ન કુસુમાવલિ સાથે કરાવે છે. સમય જતાં સિંહકુમારને આનંદ નામે કુમારનો જન્મ થાય છે. જે અગ્નિશર્મા તાપસનો જીવ છે. પૂર્વના વેરના કારણે આનંદકુમાર જ્યારે મોટો થાય છે. ત્યારે પિતાને કેદમાં પૂરે છે. સિંહકુમાર રાજા અનશન કરે છે. ક્રોધી આનંદકુમાર તેમના મસ્તકમાં પ્રહાર કરે છે. રાજા “નમો જિણાણ” બોલતા મૃત્યુ પામે છે અને સનતકુમાર દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અગ્નિશર્માનો જીવ રત્નપ્રભા નામની પહેલી નારકીમાં ઉત્પન્ન થાય છે. ત્રીજો ભવઃ- શિખીકુમાર-જાલિની (પુત્ર-માતા) સ્વરૂપે. નાળિયેરીના જીવનના ભવોનું દષ્ટાંત આવે છે. સાધુપણાની દુષ્કરતાનું વર્ણન આવે છે. તેમજ નાસ્તિકવાદી (પિંગલકની) પ્રશ્નોતરી પણ આવે છે.”
કૌશાંબી નગરી છે જેમાં ઇન્દશર્મા બ્રાહ્મણ છે. જે મંત્રી છે તેને શુભંકરા નામની પત્નીથી પુત્રીનો જન્મ થાય છે. જે આનંદ નારકનો જીવ છે. તેનું નામ જાલિની રાખ્યું. જાલિની મોટી થતાં તેના લગ્ન બુધ્ધિસાગર મંત્રીના પુત્ર બ્રહ્મદત સાથે થાય છે.
158