Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
રુક્મણિને શ્રીકૃષ્ણની સભા આગળથી હાથ પકડી ખેંચી લઇ જઇને શ્રીકૃષ્ણને લલકાર્યા. કૃષ્ણ અને પ્રદ્યુમ્ન વચ્ચે ખૂબ યુધ્ધ થયું. આની વચ્ચે નારદે આવીને પ્રદ્યુમ્નનો પરિચય આપ્યો તેથી બધા ખૂબ રાજી થયા. પ્રદ્યુમ્નનું સારું સ્વાગત કરવામાં આવ્યું અને નગરમાં ઉત્સવ કરવામાં આવ્યો. પ્રદ્યુમ્ને ઘણો સમય રાજસુખ ભોગવી પછી દીક્ષા લીધી. અંતે નિર્વાણ પ્રાપ્ત કર્યું.
૩૮
પ્રદ્યુમ્ન ચરિત્ર ઉપર રચાયેલી કૃતિઓના કોઠા ઉપરથી એમ કહી શકાય કે આ ચરિત્રને સૌ પ્રથમ સ્વતંત્ર ચરિત્ર અને કાવ્યના રૂપમાં પ્રસ્તુત કરવાનું શ્રેય પરમારવંશીય નરેશ સિંધુરાજના સમકાલીન આચાર્ય મહાસેનને જાય છે.
પ્રદ્યુમ્ન ચરિતઃ- ભટ્ટારક સોમકીર્તિકૃત પ્રદ્યુમ્ન ચરિત કાલક્રમમાં ત્રીજી રચના છે. ૧૬ સર્ગ, ૬૦૦૦ શ્લોક પ્રમાણ છે. સંસ્કૃત ભાષામાં છે. કથા પ્રબંધ સુંદર, આકર્ષક છે. રચના સં.૧૫૩૧ પોષ સુદઃ૧૩ બુધવારના થઇ છે.
સામ્યપ્રદ્યુમ્ન ચરિતઃ- આ ગ્રંથ ૧૬ સર્ગોમાં ૭૨૦૦૦ શ્લોક પ્રમાણ છે. આમાં પ્રદ્યુમ્ન અને તેના અનુજ સામ્બના લોકરંજન ચરિત્રોનું આલેખન છે. આ કથા અન્નકૃત દશાંગના ચોથા વર્ગના આઠમા સૂત્રમાં આવે છે. તેને સુધર્મા ગણધરે જમ્મૂને કહી હતી. આ ગ્રંથની રચના નૂતન ચરિત્ર કરણ પરાયણ પંડિત ચક્રવર્તી પં.શ્રી રવિસાગર ગણિએ કરી છે. રચના સં.૧૬૪૫માં પૂરી કરી હતી.
પ્રદ્યુમ્ન ચરિતઃ- આ ગ્રંથ ૧૬ સર્ગમાં, ૩૫૬૯ શ્લોક પ્રમાણ છે. પ્રદ્યુમ્નને નિમિત્ત બનાવીને સૌરાષ્ટ્ર વગેરે દેશો, દ્વારિકા વગેરે નગરીઓ, વિવિધ વન, નગ, સરોવર વગેરેના સરસ પ્રાકૃતિક વર્ણન આપ્યા છે. એક બાજુ રુકમિણી, સત્યભામા વગેરે કૃષ્ણની પત્નીઓના જીવનાલેખન દ્વારા સ્ત્રી સ્વભાવનું, તો બીજી બાજુ પ્રવાસ, ચાત્રાઓ વગેરેના સુયોગ્ય ચિત્રણ દ્વારા પ્રાચીન પુરુષોની પરદેશ પ્રવાસ કુશળતા અને યુધ્ધાદિ વર્ણનોમાં નીતિરીતિ પરાયણતાનું દર્શન કરાવવામાં આવ્યું છે.
આ ગ્રંથના રચયિતા તપાગચ્છમાં હીરવિજય સન્તાનીય શાંતિચંદ્ર વાચક શિષ્ય રત્નચંદ્ર ગણિ છે. આ કૃતિ સં.૧૯૭૪માં સૂરતમાં આસો મહિનાની વિજયાદસમીએ પૂર્ણ થઇ હતી.
વીસમા કામદેવ વસુદેવના પૌત્ર તથા નવમા નારાયણ કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન જૈન ધર્મસંમત એકવીસમા કામદેવ હતા. પ્રદ્યુમ્ન ચરિત જૈન કવિઓને એટલું તો રુચિકર હતું કે તેને સાધારણ પુરાણોમાં પર્યાપ્ત સ્થાન દેવા ઉપરાંત સ્વતંત્ર કાવ્યો પણ તેના ઉપર તેમણે રચ્યા. આજ સુધી સંસ્કૃત, અપભ્રંશ, હિંદીમાં તેના ઉપર રચાયેલી ૨૫ થી વધુ કૃતિઓ મળી છે. કેટલીક પ્રકાશિત કૃતિઓ નીચે પ્રમાણે છે.
373