Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
લક્ષ્મીને વર્યા પણ હું ક્યારે દીક્ષા લઇને સદ્ગુરુની સેવા કરીશ? પર્વત પર ગિરિગુહામાં, શમશાનમાં કે શૂન્યાગારમાં કાર્યોત્સર્ગમાં તન્મય બની જ્યારે હું સમતા રસનું પાન કરીશ? તેમજ કયારેક હું તપ-જપ-ત્યાગમાં એકરસ બની, કેવળ લક્ષ્મીને પ્રગટાવીશ? આ રીતે તે અધ્યાત્મરસમાં તરબોળ બને છે. ભાવનારૂપ પવનના જોરે ઘનઘાતિ કર્મોનો ચૂરો થઈ જાય છે અને રાજસભામાં સિંહાસન ઉપર પૃથ્વી ચંદ્ર નૃપતિને કેવળ જ્ઞાન થાય છે. દેવો કેવળજ્ઞાનનો મહિમા ઉજવવા માટે અયોધ્યામાં આવે છે અને પૃથ્વી ચંદ્ર કેવળીને મુનિનો વેશ અર્પણ કરે છે. જનતામાં ભારે કુતૂહલ પેદા થાય છે. સૌ દિમૂઢ બની જાય છે. પૃથ્વીચંદ્રના માતા પિતા અને સઘળી નારીઓ ત્યાં આવી પહોંચે છે. મહારાજા પ્રચતાપ કરે છે કે આવા એક ઉત્તમ પુરૂષને મેં જબરજસ્તીથી સંસારની માયામાં લપેટવાનો વિચાર કર્યો! સ્ત્રીઓ પણ પોતાના ભાગ્યની પ્રશંસા કરે છે કે ખરેખર આપણે મહાપુણ્યશાળી કે આપણને આવો ઉત્તમ વર મળ્યો! કેવળી ભગવાન દેશના આપે છે, અનેકોને વૈરાગ્ય થાય છે અને અનેક આત્માઓ વ્રત-નિયમ અંગીકાર કરે છે.
દેશના બાદ પદ્માવતી દેવીએ સવિનય જણાવ્યું કે પ્રભો! અમે અહત ધર્મના ઉપાસક હોવા છતાં તમારા ઉપર આટલો ગાઢ સ્નેહ શાથી? જેથી અમે તમને દીક્ષા લેતાં અંતરાય કર્યો? આ સાંભળી કેવળી ભગવંતે જણાવ્યું કે પૂર્વ ભવે તમે મારા માતાપિતા હતા; તમારું નામ પ્રિયમતી હતું અને એમનું નામ જયંભૂપતિ હતું. અને હું તમારો કુસુમાયુધ નામનો પુત્ર હતો. પૂર્વભવે પણ ચારિત્રની આરાધના કરવાથી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં હું દેવ થયો હતો અને તમે પણ ત્યાં જ ઉત્પન્ન થયા હતા. પૂર્વભવનાં કારણે તમને મારા ઉપર સ્નેહ છે. આમ કેવળી ભગવંતના મુખથી પૂર્વભવના વર્ણન સાંભળતાં જ રાજા રાણીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ બાજુ તમામ સ્ત્રીઓ ઉત્તમ ભાવના ભાવે છે, વૈરાગ્યના રંગે ચઢે છે. અને ક્ષેપક શ્રેણી માંડે છે. તે જ ક્ષણે ચાર ઘાતી કર્મનો ચૂરો કરી નાંખે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ અલૌકિક ઘટનાથી અયોધ્યા નગરીમાં અપૂર્વ આનંદની છોળો ઉછળી રહી છે.
સુધન સાર્થવાહે ભગવંતને પૂછયું:- હે ભગવન્! ગુણસાગર અને તમારા બન્નેનો શું સંબંધ છે? ત્યારે તેના ઉત્તરમાં કેવલી ભગવાને જણાવ્યું કે-શંખ અને કલાવતીના ભવથી લઇને એકવીશ ભવનો અમારો સંબંધ છે. કેવલજ્ઞાનીની વાણી શ્રવણ કરી અનેક આત્માઓ સંવેગરંગથી રંગાયા. આ કથા ભાવધર્મની પ્રધાનતા દર્શાવે છે. આવા ઉત્તમ પુરૂષોના ચરિત્રો આત્માના ભાવદીપકને પ્રગટાવી કેવલ્યજ્યોતિને પ્રગટાવવા સમર્થ બને છે. આપણે પણ જ્યારે એ ઉત્તમ ભાવમાં આરૂઢ થઈ આત્માની અનેરી જ્યોતને પ્રગટ કરવા સમર્થ બનીએ, એ અભિલાષા સાથે આ પુણ્યપુરૂષનું જીવન ચરિત્ર અહીં પૂર્ણ કરીએ છીએ.
208