Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ભગવાનને પૂછયું છે.
શ્રી અભયકુમારે ભગવાનને એ જ માત્ર પૂછયું કે- હે ભગવન્! આપના શાસનમાં અન્તિમ રાજર્ષિ કોણ થશે ?'
એના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે-“રાજા ઉદયન.” શ્રી અભયકુમારે એ પણ જાણી લીધું કે અત્યારે રાજા દીક્ષિત થઈ ચૂકેલા છે. પોતાને નિર્ણય કરવાને માટે, શ્રી અભયકુમારને પણ આટલું જ જાણવું હતું. દીક્ષા લેવાને માટેની આજ્ઞાની માગણી:
ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસેથી આવીને, પોતાના પિતા શ્રી શ્રેણિક મહારાજાને શ્રી અભયકુમારે કહ્યું કે-હે પિતાજી! આપ ફરમાવો છો તેમ જો હું રાજા થઈશ, તો પછી મારાથી મુનિ થવાશે નહિઃ કારણ કે-શ્રી ઉદયન રાજા એ અન્તિમ રાજર્ષિ છે-એમ ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ કહ્યું છે. આપ વિચાર કરો કે-હું જો શ્રી મહાવીર પરમાત્મા જેવા સ્વામીને પામીને અને આપના જેવાના પુત્રપણાને પામીને પણ, મારા ભવ રૂપ દુ:ખનો છેદ કરી શકું નહિ, તો મારા જેવો અધમ બીજો કયો પુરૂષ ગણાય?”
વળી શ્રી અભયકુમારે કહ્યું કે- પિતાજી! હું નામથી તો અભય છું, પરંતુ ભવ રૂપ ભયથી તો હું સભય જ છું; માટે આપ જો આજ્ઞા આપો, તો હું ત્રણેય ભુવનના જીવોને અભયનું દાન કરનારા એવા ભગવાન શ્રી વીર પ્રભુનો આશ્રય કરૂં! રાજ્ય તો અભિમાન રૂપ સુખના હેતુભૂત છે. મારે એવું રાજ્ય જોઇતું નથી, કારણકે-સંતોષ એ જ શ્રેષ્ઠ સુખ છે, એમ મહર્ષિઓનું કહેવું છે. ”
શ્રી અભયકુમારના અન્તઃકરણમાં સાધુજીવનને જીવવાની ભાવના કેટલી બધી પ્રબળ હતી, એનો ખ્યાલ આવ્યોને? એટલે એમણે પોતાની ઈચ્છા કેવી સુન્દર રીતિએ વ્યકત કરી? પિતાની આજ્ઞાનો અનાદર કરવા જેવું પણ થાય નહિ અને પોતાની ભાવના પણ બર આવે, એવા પ્રકારે વાત મૂકી છે ને? એ રાજ્યને અભિમાન રૂપ સુખના હેતુભૂત માનતા હતા, એટલે કે-વિષય અને કષાય રૂપ સુખના હેતુભૂત માનતા હતા તેમ જ એવા સુખનો. ત્યાગ કરવામાં જ સાચું સુખ છે, એમ માનતા હતા. રાજ્યના સુખ સંબંધી તેમની આ માન્યતા, તમને ગમી તો ખરી ને? મોહના જોર સામે ધર્મરાગનું જોર ફાવ્યું:
મહારાજા શ્રી શ્રેણિકે જ્યારે જોયું કે-શ્રી અભયકુમાર રાજ્યને સ્વીકારવાને માટે કોઈ પણ રીતિએ રાજી થાય તેમ નથી, ત્યારે તેમણે પણ પોતાની ઈચ્છાને ગૌણ
337