Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
શ્રી અભયકુમાર પિતાની આજ્ઞાના ભંગથી પણ ડરનારા હતા અને સંસારથી પણ ડરનારા હતા. પિતાની આજ્ઞાનો ભંગ કરવો પડે નહિ અને પોતાના સંસારને છેદવાની પોતાની ભાવના સફળ નિવડે, એવી શ્રી અભયકુમારની ઇચ્છા હતી. આટલા માટે જ, તેમણે પોતાના પિતાને થોડીક રાહ જોવાની વિનંતિ કરી હતી. પોતાના સંસારને છેદવાની પોતાની જે ભાવના, તેને જો રાજ્યનો સ્વીકાર કરવાથી બાધ પહોંચે તેમ હોય, એટલે કે- આ જીવનમાં તેમને સાધુપણાને સ્વીકારીને મોક્ષમાર્ગની એકાન્તે આરાધના કરવાની જે ભાવના હતી, તે ભાવના જો રાજા બનવાના કારણે સફળ નિવડે તેમ ન હોય તો તેમને રાજા થયું જ નહોતું! પિતાની આજ્ઞા ખાતરેય રાજા થઇને તેમને પોતાની સાધુજીવનને જીવવાની ભાવવાને જતી કરવી નહોતી! જો પિતાની આજ્ઞા પણ પળાય અને સાધુજીવનને જીવવાની પોતાની ભાવના પણ ફળે, એ બન્ને શક્ય હોય તો પિતાની આજ્ઞાના પાલન ખાતર તેમને રાજા બનવામાં વાંધો ન હતો, પણ પિતાની આજ્ઞાને પાળતાં જો પોતાની સાધુજીવનની ભાવના નિષ્ફળ નિવડે તેમ હોય, તો એ માટે શ્રી અભયકુમારે શ્રી શ્રેણિકને જે રાહ જોવાનું કહ્યું તે એ કારણથી જ કહ્યું.
શ્રાવકને સર્વ ભાવનાઓમાં પ્રધાન ભાવના સાધુજીવનને પામવાની હોવી જોઇએઃ
શ્રી અભયકુમારની આ મનોવૃત્તિ સમજાય છે? સુશ્રાવકોની મનોવૃત્તિ કેવા પ્રકારની હોય, તેનું શ્રી અભયકુમારના આ પ્રસંગમાં સુન્દર દર્શન છે. શ્રાવક માતાપિતાની આજ્ઞાને અવગણનારો ન હોય; શ્રાવક જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી માતા-પિતાની આજ્ઞાનો અમલ કરવાની જ વૃત્તિવાળો હોય; પોતાના પૌદ્ગલિક સુખનો અનાદર કરીને પણ શ્રાવક માતા-પિતાની આજ્ઞાનો આદર કરે. આવો પણ શ્રાવક, જ્યારે માતા-પિતાની અમુક આજ્ઞાનો અમલ કરવાના કારણે, પોતાની સાધુજીવનને જીવવાની ભાવનાને બાધ પહોંચે તેમ છે-એમ સમજી જાય, ત્યારે એ કરે શું? માતા-પિતાની આજ્ઞાના પાલનને ગૌણ બનાવે કે સાધુજીવનને જીવવાની પોતાની ભાવનાને ગૌણ બનાવે? એવા સમયે તો જે શ્રાવક, માતા-પિતાની આજ્ઞાના પાલનને ગૌણ પદ આપીને પણ સાધુજીવનને જીવવાની પોતાની ભાવનાને પ્રધાન પદ આપે, તે જ શાણો શ્રાવક કહેવાય. પણ આજે તો, સાધુજીવનને જીવવાની ભાવનાનાં જ ફાં-ફાં છે ને? આજે જેટલા શ્રાવકો ગણાય છે, આગેવાન શ્રાવકો ગણાય છે અથવા તો ધર્મી તરીકેની જેઓની ખ્યાતિ છે, તેઓમાં પણ સાધુજીવનને પામવાની ભાવના અન્ય સર્વ ભાવનાઓ કરતાં પ્રબળ હોય, એ એમ ને એમ માની લેવાય એવું છે ખરૂં? અન્ય સર્વ ભાવનાઓથી પ્રબળ ભાવના સાધુજીવનને પામવાની હોય, એવા સુશ્રાવકો પણ નથી જ-એમ નહિ; એવા ભાગ્યશાળીઓ ચ છે; પરન્તુ શ્રાવકસમાજના મોટા ભાગમાં જો અન્ય સર્વ
335